નરેશ શાહ
એક રાત ક્યારેક આવનારા દિવસોને કલ્પાનાતીત વળાંક પર લાવીને માણસને મૂકી દે છે અને એ વાત ‘નેટફલિક્સ’ પર તાજેતરમાં જ સ્ટ્રીમ થયેલી સ્પેનિશ વેબસિરીઝ ‘ધેટ નાઈટ’ (એ રાત)માં દર્શાવવામાં આવ્યું છે. મૂળે આ વેબસિરીઝ બ્રિટિશ લેખિકા જીલિયન મેકલિસ્ટરની આ જ નામની નોવેલ પરથી બનાવવામાં આવી છે એટલે પાત્રોમાં એશિયાનું ઠરેલપણું નથી, પરંતુ પશ્ચિમનું બોલ્ડપણું વધારે છલકે છે.
વાર્તા કંઈક આવી છે :
સ્પેનથી દૂર બહેનો સાથે ફરવા ગયેલી એક બહેન એ ટાપુ પર જ રહી પડે છે તો બીજી બહેન એ ટાપુ પર જ પ્રેગનન્ટ થઈ જાય છે. એટલું ઓછું હોય તેમ તે અનૌરસ સંતાનને જન્મ આપે છે, ઉછેરે પણ છે. ત્રીજી બહેન લેસ્બિયન છે અને એ તેની પાર્ટનર સાથે બેધડક રહે છે અને સંતાન પ્રાપ્તિ માટેની ઝંખના પણ રાખે છે.
આ ઉપરાંત પણ અનેક પાત્રો એવા છે કે, જે આપણને કદાચ, નોર્મલ ન લાગે પણ વિદેશી કલ્ચરને ધ્યાનમાં રાખીને ‘ધેટ નાઈટ’ વેબસિરીઝ જુઓ તો બે પદાર્થ પાઠ મળે છે કે-
એક, કરેલું કોઈપણ પરાક્રમ કે કૃત્ય છાનું રહેતું નથી. તેની કિંમત પણ ચૂકવવી પડે છે. બીજો પદાર્થ પાઠ એ કે, બીજાના અરિસામાં ગમે તે દેખાય, પોતાના આયનામાં દરેક કૃત્ય માણસને પોતાની રીતે વાજબી અને આવશ્યક લાગતું હોય છે.
આપણે ‘ધેટ નાઈટ’ વેબસિરીઝનો વાર્તાસાર જાણીને ‘એ રાત’ની સિચ્યુએશન અને લંબાતા તેના પડછાયાંને તપાસીએ. સ્પેનમાં વેટરનરી હૉસ્પિટલ ચલાવતાં જેવિયરની પત્ની અને પુત્ર અવસાન પામ્યા છે. પિતા ત્રણ પુત્રી પૌલા, ક્રિસ અને એલેના સાથે રહે છે. સ્પેનથી દૂરના એક ટાપુ પર ત્રણેય બહેનો ફરવા ગયેલી એક વરસ પહેલાં, ત્યારે વચલી બહેન ક્રિસ (ક્રિસ્ટીના) એ ટાપુ પર રોકાઈને વેટરનરી કેર સેન્ટર શરૂ કરીને ત્યાં જ રહી પડે છે...
ઓવર ટૂ આફટર વન ઈયર...
ટાપુ પર જ રહેવા લાગેલી ક્રિસ પાસે વેકેશન (રજા) એન્જોય કરવા માટે બન્ને બહેનો પૌલા અને એલેના આવી છે. પૌલા સાથે તેની લેસ્બિયન ગર્લફ્રેન્ડ લૂઈસા છે તો એલેના તેના એકાદ વરસના બાળક સાથે ટાપુ પર ફરવા આવી છે, પણ...
એક રાતે એલેના તાબડતોબ ફોન કરીને બન્ને બહેન પૌલા અને ક્રિસને બોલાવે છે, કારણ કે અવાવરું જગ્યાએ તેની કારે હડફેટે લઈને એક માણસને મરણ શરણ પહોંચાડી દીધો છે. વાજબી વાત તો એ છે કે, પોલીસને જાણ કરવી જોઈએ, પરંતુ એમ કરવાથી એલેના ફસાઈ જાય તેવું છે, કારણ કે મરનાર વ્યક્તિ ખુદ પોલીસ છે. એલેનાને જેલ સજા ન થાય અને એ તેના બાળકને ઉછેરી શકે એ માટે ત્રણેય બહેન પેલા પોલીસની લાશને દાટી દે છે અને ખોટા ડિજિટલ ફૂટપ્રિન્ટ ઊભા કરવા માટે પોલીસનો સ્માર્ટફોન-ક્રેડિટ કાર્ડ લઈ લે છે.
મરનાર પોલીસમેન શોપિંગ સેન્ટરમાં હતો એ દેખાડવું તેનું ક્રેડિટ કાર્ડ વાપરવા માટે એલેના જાય છે તો કાર્ડ એટીએમમાં ફસાઈ જાય છે. ક્રિસ પોલીસમેનનો સ્માર્ટ ફોન લઈને જુદા જુદા સ્થળે ફરે છે અને પછી તેને વહેતાં પાણીમાં ફેંકી દે છે... હવે જરૂરી છે કે જલદીથી આ ટાપુ છોડીને સ્પેન ભેગા થઈ જવું, એમ જ થાય છે પૌલા, ક્રિસ, એલેના, લૂઈલા અને નાની બાળકી સ્પેન પરત આવી જાય છે, પણ...
‘ધેટ નાઈટ’ વેબસિરીઝને ક્રિએટર જેસન જ્યોર્જ લિનિયર શૈલીમાં ફિલ્માવી નથી. દરેક એપિસોડ એક પાત્રના પોઈન્ટ ઓફ વ્યૂહથી દર્શાવ્યો છે. પ્રથમ એપિસોડ મોટી બહેન પૌલાના પોઈન્ટ ઓફ વ્યૂથી દેખાડવામાં આવ્યો છે તો એ પછીના ચાર એપિસોડ ક્રિસ, એલેના, લૂઈસ અને (બન્નેના) પિતા જેવિયરના પરિપ્રેક્ષ્યથી દર્શાવવામાં આવ્યા છે.
આ શૈલીનો ડ્રો બેક એ છે કે એકની એક વાતનું પુનરાવર્તન દર્શકે જોવું પડે પણ ‘ધેટ નાઈટ’માં એવું બનતું નથી. દરેક એપિસોડમાં એક-બે નવી વાતોનો રહસ્યફોટ થતો રહે છે અને એક એવું નવું નક્કોર સત્ય ઓપન થતું રહે છે. સ્પેનિશ એકટરોની ડિટેઈલનો તો અહીં અર્થ નથી, પરંતુ ‘ધેટ નાઈટ’ આપણને માણસના ભૂતકાળના મલ્ટીલેરની પહેચાન કરાવે છે, એ પણ સસ્પેન્સ અને થ્રીલના તડકા સાથે.