Wed Jun 10 2026

Logo

સ્ટાર-યાર-કલાકારઃ સિનેમામાં સંબંધોના તાણાવાણા: પેઢી-પરંપરા ને પ્રશ્નો

2026-06-05 11:11:00
Author: Sanjay Chhel
Article Image

સંજય છેલ

હમણાં ‘રોકઓન’ જેવી ફિલ્મમાં આવેલી શહાના ગોસ્વામી નામની ઓછી જાણીતી અભિનેત્રીએ કહ્યું કે તે જ્યારે મોડેલ-અભિનેતા મિલિન્દ સોમણ સાથે સંબંધમાં હતી ત્યારે તેના બીજા 3-4 પ્રેમી પણ હતા અને બધાંને એ મંજૂર હતું. આવા સંબંધોને ‘પોલીયામોરસ’ (Poliamorous) સંબંધ કહેવાય છે, જેમાં સ્ત્રી કે પુરુષના મુખ્ય પ્રેમી ઉપરાંત બીજા સાથે પણ સંબંધો હોય. હવે આવી ફિલ્મો લખાવાની, બનવાની શરૂ થઈ ગઈ છે. વળી ‘એથિકલ મોનોગામી’ એટલે કે બહુ પતિત્વ કે પત્નીત્વ જે સ્વીકારાયેલું કે કબૂલાયેલું હોય એવા કપલ્સ પર પણ ફિલ્મો બની રહી છે ત્યારે ‘લિવ ઇન રિલેશન’ જૂની વાત લાગે ને જૂનો સાચો ‘અમર પ્રેમ’ હવાઈ વર્ષા લાગે છે.

પહેલાં પ્રણય-ત્રિકોણ પર ફિલ્મો બનતી. એક પ્રૌઢ પણ સુંદર હેમા માલિનીના પ્રેમમાં કમલ હાસન પડી જાય છે અને કમલ હાસનનો બાપ, પૌઢ પણ રૂઆબદાર રાજકુમાર હેમામાલીનીની દીકરી પદ્મિની કોલ્હાપુરીના પ્રેમમાં પડી જાય છે. પછી સંબંધોની એવી ગૂંચવણ ઊભી થાય છે કે હવે હેમામાલિની પેલા રાજકુમારની વેવાણ કહેવાય કે રાજકુમારના દીકરાની વહુ? એ જ રીતે કમલ હાસન, પદ્મિનીનો સાવકો ભાઇ ગણાય કે એનો સાવકો દીકરો? ફિલ્મનું નામ હતું: ‘એક નઇ પહેલી’. 

80ના દાયકામાં રજૂ થયેલી આ બોલ્ડ ફિલ્મ ત્યારે 4-4 સ્ટાર હોવા છતાંયે ફ્લોપ ગયેલી, પણ આજે ‘મનમર્ઝીયાં’, ‘ગહેરાઇયાં’, ‘મેટ્રો ઇન દિનો’ જેવી કે આડા-ઊભા સંબંધોવાળી કે છૂટાં પડેલા અપરણિત પ્રેમીઓ, બીજા સાથે સંબંધ રાખીને એમની સાથે પરણ્યા વિના પાછાં ફરીથી જૂના પ્રેમી પાસે ફરીથી પરણ્યા વિના સાથે રહેવા તૈયાર હોય એવી અજીબ બોલ્ડ અને બિંદાસ દૃશ્યોવાળી ફિલ્મ આવે તો ચાલી જાય છે.

પહેલાં લવ સ્ટોરીમાં- ‘યે શાદી નહીં હો સકતી’નો મોટો ઈશ્યુ હતો. હવે તો પરણ્યા વિના જ લિવ-ઇન રિલેશનશિપમાં સાથે જીવતાં કપલ્સ, ગમે ત્યારે છુટા પડીને બીજા પ્રેમી કે પ્રેમિકાને રાતોરાત બદલતા છે. આજે ફિલ્મોમાં પાત્રોના સંબંધો એટલા કોમ્લિકેટેડ બની ગયા છે કે 15-20 વરસ અગાઉ રજૂ થયેલી શાહરુખ-રાણી-પ્રીતિ-અભિષેકની ‘કભી અલવિદા ના કહેના’ કે 80ની યશ ચોપરાની ‘સિલસિલા’ કે મહેશ ભટ્ટની ‘અર્થ’ જેવી લગ્નેતર સંબંધોની ફિલ્મ સાવ નિર્દોષ લાગે.

એક 8-9 વરસની બાળકી ચાલુ કોર્ટમાં જઇને જજને કહે છે કે મારે મારાં મા-બાપથી ડિવોર્સ જોઇએ છે, કારણ કે એ લોકો સતત ઝગડીને છૂટાછેડાની વાતો કરે રાખે છે! આ એક જૂની હોલિવૂડની ફિલ્મનું દૃશ્ય છે. થોડાં વર્ષો પહેલાં બોલિવૂડમાં આવું દૃશ્ય કલ્પી શકાય નહીં એવું હતું. જોકે હવે ભવિષ્યમમાં બોલિવૂડમાં પણ આવી ફિલ્મ બને તો નવાઈ નહીં. આજે આપણી  ફિલ્મોમાં પતિ-પત્ની, મા-બાપ,ભાઇ-ભાઇ કે ભાઇ-બહેનના સંબંધોનું મૂલ્ય જ બદલાઈ ગયું છે.

આજકાલ લોકો મોબાઇલ પર એકલા ફિલ્મો જોતા હોય છે એટલે સપરિવાર ફિલ્મ જોવામાં જે બે આંખની શરમ નડતી એ નથી બચી. મોબાઇલ ફોને અને નેટફ્લિક્સ, હોટસ્ટાર વગેરે ઓ.ટી.ટી. પરની ચિત્ર-વિચિત્ર વેબ-સિરીઝોએ એક પ્રકારની ગુપ્ત કે વિચિત્ર કે કદાચ વિકૃત આનંદ લેવાની વૃત્તિ વધારી દીધી છે. હવે તો એક છોકરો બીજા છોકરાને ચાહે કે કોઇ છોકરી બીજી છોકરીને ચાહે એવા ગે-લેસ્બિયન સંબંધોની વાતો પર, યંત્ર માનવ સાથે પ્રેમ સંબંધોની વાતો પર ફિલ્મો બનવા માંડી છે. 

ઓફકોર્સ, સમાજમાં પણ સંબંધો, સંસ્કારો, નીતિ નિયમોની વ્યાખ્યાઓ બદલાઇ ચૂકી છે. હવે ધુરંધર 1-2, પઠાન, એક થા ટાઇગર 1-2, વોર 1-2 જેવી સરહદો વચ્ચેના સંઘર્ષ, ખૂફિયા ડિટેક્ટીવોવાળી ફિલ્મો, સૅમ બહાદુર, શેરશાહ, છાવા જેવા વીરશૂરાની બાયોપીક, ક્રિશ 1-2, રોબોટ 1-2, તેરી બાતો મેં ઉલઝા જિયા જેવી સાયંસ ફિક્શનોના જમાનામાં નિર્દોષ પ્રેમ, પરિવાર વગેરે પાછળ ધકેલાઇ ગયા છે.

અગાઉ 1950-60ના દાયકામાં રાજકપૂર-દેવ આનંદ-દિલીપ કુમારથી લઇને 1970-80ના દશકામાં રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર- જીતેંદ્રની ફિલ્મોમાં પારિવારિક સંબંધોની વેલ્યૂ હતી. અશોક કુમાર કે બલરાજ સહાની કે સુનિલ દત્ત જેવા કલાકારો હંમેશાં મોટા ભાઇ કે ઘરના મોભી બનતા. મીના કુમારી આદર્શ પત્ની બનતી, નંદા હંમેશાં ભાભી કે બહેન બનતી, લલિતા પવાર વઢકણી સાસુ બનતી, નિરૂપા  રોય પ્રેમાળ મા બનતી, નાઝિર હુસૈન દીકરીનો દુ:ખી બાપ બનતો, કારણ કે ઘરપરિવારની વાર્તાઓ બનતી, પણ 1975માં અમિતાભની શોલે સુપર હિટ થઇ પછી મારધાડ-બદલાવાળી ફિલ્મોમાં પરિવાર કે સંબંધો ધીમે ધીમે બેકગ્રાઉંડમાં જતા રહ્યા.

જોકે ફરી 1990ના દાયકામા સલમાન-શાહરુખ-આમિરના સુવર્ણકાળમાં કે ઇવન હ્રતિક રોશનના શરૂઆતના સમયમાં સંબંધો અને ફીલગુડ ફેમિલી ફિલ્મો ટકી ગઇ, પણ છેલ્લાં 10 વરસમાં એ પણ પછી ધીમે ધીમે આથમવા માંડી. અરે, અમારી પોતાની લખેલી ને નિર્દેશિત ફિલ્મ ‘ખૂબસૂરત’ (1999)માં એક ભાગેડુ માણસ સંજય દત્ત, કઇ રીતે સંયુક્ત પરિવારને જોડે છે એની વાત હતી, જે નવા નવા મલ્ટિપ્લેક્સની શરૂઆતની હિટ ફિલ્મોમાંની એક હતી, હવે પરિવારનું સ્થાન મિત્રોના ગ્રુપે લીધું છે: ‘દિલ ચાહતા હૈ’, ‘3 ઇડિયટ’, ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ કે ‘છિછોરે’ જેવી ફિલ્મોમાં મિત્રોનાં બોંડિગ કે પ્રેમની વાર્તાઓ આવવા માંડી. આજે વોટ્સ-એપના ફેમિલી ગ્રૂપમાં ને વીડિયો કોલના જમાનામાં લવ યુ કે સ્માઇલી જેવા ઇમોજીઝના સિંબોલ્સમાં સાચી લાગણી ખોવાઇ ગઇ છે. 


રાજેશ ખન્નાની 1983ની ‘અવતાર’ કે એની નવી આવૃત્તિ ‘બાગબાન’, ‘ભાઇ હો તો ઐસા’, ‘ભાઇ-ભાઇ, ‘પ્યારી બહેના’, ‘ઘર ઘર કી કહાની’, ‘સૂર્યવંશી’, ‘હમ સાથ સાથ હૈ’, ‘હમ આપ કે હૈં કૌન?’ જેવી ફિલ્મો બનવી બંધ થઇ ગઇ. પારિવારિક સંબંધોનાં તાણાવાણાં હવે સાસ-બહુની સિરીયલોમાં ઘેરબેઠાં દેખાવા માંડ્યા, જેને માત્ર ટાઇમપાસ કરવા ગૃહિણીઓ જ જુએ છે. 

વળી એક જમાનામાં હિંદુ-મુસ્લિમ-ખ્રિસ્તીઓની સર્વધર્મ એકતાની કે દેશ એક પરિવાર છે- એવી કથાવાળી ‘અમર અકબર એંથની’ કે ‘ધર્મપુત્ર’ કે ‘ધૂલ કા ફૂલ’ જેવી ફિલ્મો બનતી, જેમાં-‘તું હિંદુ બનેગા ના મુસલમાન બનેગા, ઇંસાન કી ઓલાદ હૈ, ઇંસાન બનેગા’ જેવા આદર્શવાદી ગીતો લખાતાં. પહેલા ‘પડોસન’ જેવી ફિલ્મો બનતી અને આજે પાડોસમાં કોણ રહે છે- કે કયા ધર્મ જાતિ ભાષાના લોકોને ઘર ખરીદવા અપાશે એવા નિયમો આવી ગયા છે.. અગાઉ ‘મેરે મહેબૂબ’ કે ‘દિદારે યાર’ કે ‘નિકાહ’ જેવી મુસ્લિમ સામાજિક સોશ્યલ ફિલ્મ બનતી ને ચાલતી પણ ખરી.  આજે એવી ફિલ્મો બને? બને તો રીલીઝ થાય?

સમય સાથે સંબંધોના તાણાવાણા બદલાય છે તો પછી સિનેમામાં પણ...