Wed Jun 10 2026

Logo

ક્લેપ એન્ડ કટ..!: આ છે ‘ધુરંધર’ની આડઅસર?

2026-06-05 10:25:00
Author: Siddharth Chhaya
Article Image

સિદ્ધાર્થ છાયા

આ છે ‘ધુરંધર’ની આડઅસર? 

બોલિવૂડનું ધરખમ બૅનર એટલે યશરાજ. આ યશરાજ પોતાનું પર્સનલ સ્પાય યુનિવર્સ ચલાવે છે. આ સ્પાય યુનિવર્સની છેલ્લી ફિલ્મ ‘વૉર ટુ’ બૉક્સ ઑફિસ પર ધબાય નમ: થઈ ગઈ હતી, પરંતુ વાત એની નથી, વાત યશરાજના સ્પાય યુનિવર્સમાં રહેલી એક ખોટની છે. આ ખોટની ટીકા એટલે કે ઘનઘોર ટીકા ફિલ્મી રસિયાઓ કાયમ કરતાં હોય છે. યશરાજના જે જાસૂસો છે એ પાકિસ્તાની જાસૂસોની મદદ લઈને મિશન પાર પાડતા હોય છે.

આટલું ઓછું હોય એમ અમુક જાસૂસો તો પાકિસ્તાની મહિલા જાસૂસના પ્રેમમાં પણ પડી જાય છે. જાસૂસીની દુનિયામાં ‘કૉમ્પ્રોમાઇઝ’ કરીને એક શબ્દ છે. તો, જો ભારતનો દાનો દુશ્મન એવા પાકિસ્તાનના જાસૂસમાં ભારત માટે ખાનગી કામ કરતી વ્યક્તિ પ્રેમ જોવે તો શું એ સરળતાથી કૉમ્પ્રોમાઇઝ ન થઈ જાય? લૉજિકને બાજુમાં મૂકીએ તો પણ આ વાત કોઈ કાળે ગળે ઊતરતી નથી.

હવે, આ જ યશરાજ યુનિવર્સની ‘આલ્ફા’ આવતે મહિને રિલીઝ થાય છે. ‘આલ્ફા’ મહિલા જાસૂસ ની વાર્તા કરશે. સમાચાર છે કે આ મહિલા જાસૂસ એટલે કે આલિયા ભટ્ટ કોઈ પાકિસ્તાનીના પ્રેમમાં નહીં પડે કે તે કોઈ પાકિસ્તાનીની મદદ પણ નહીં લે.

ટૂંકમાં, જે સાચું છે એ જ આ ફિલ્મમાં દેખાડવામાં આવશે તો આવું તો આપણે પહેલી વાર ‘ધુરંધર’ માં જોયું. તો શું યશરાજે ‘ધુરંધર’ની ધમાકેદાર સફળતા પછી ‘આલ્ફા’નો ટોન બદલ્યો હશે?

કારણ કે ભારતીયોએ તો ‘ધુરંધર’ને તેના સત્યને લીધે ખૂબ પ્રેમ આપ્યો છે. એવામાં જો પાકિસ્તાન પ્રેમ ‘આલ્ફા’ પણ દેખાડે તો યશરાજને વધુ નુકસાન ખમવું પડે. સરવાળે યશરાજે દર્શકની ‘નાડ પારખી લીધી’ લાગે છે અને એટલે જ ‘આલ્ફા’ને પ્રદૂષિત ન કરવાનો નિર્ણય લેવાયો હોય એ શક્ય છે.

રણવીર-ફરહાન: લો, હવે નવો ફણગો...

‘ડૉન 3’ના વિવાદમાં મોટેભાગે એવું જોવા મળ્યું છે કે મીડિયા અને સોશ્યલ મીડિયા રણવીરની તરફેણ વધુ કરે છે. તો અમારી પાસે જે માહિતી ઉપલબ્ધ છે એ પ્રમાણે આપણે ફરહાનની સાઇડ પણ જોવી જોઈએ. 

ફરહાનની કંપની ‘એક્સેલ એન્ટરટેઇનમેન્ટ’ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું છે કે ‘ડૉન 3’ની તમામ તૈયારી ગયા વર્ષના અંતમાં જ પૂર્ણ થઈ ગઈ હતી.

ફિલ્મ આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થવાની હતી. 7 ઑગસ્ટ, 2024ના દિવસે રણવીર અને ‘એક્સેલ’ વચ્ચે કૉન્ટ્રેક્ટની શરતો નક્કી થઈ હતી.

ગયા વર્ષે માર્ચની 25 તારીખે રણવીરની ટીમ સાથે સ્ક્રિપ્ટનો ફાઇનલ ડ્રાફ્ટ શૅર કરવામાં આવ્યો. ત્યાર બાદ 25 ઑગસ્ટે ફિલ્મના શૂટ માટે આખો શેડ્યુલ પણ રણવીરને આપી દેવામાં આવ્યો હતો. શૂટિંગ આ વર્ષે જાન્યુઆરીની 9 તારીખે શરૂ થવાનું હતું અને જુલાઈ મહિનામાં પૂરું થવાનું હતું. આ તો થઈ ભવિષ્યની વાત, પરંતુ એ સમયે રણવીરે 3થી 12 નવેમ્બર 2025માં ‘એક્સેલ’ના ખર્ચે ઍક્શનની ટ્રેનિંગ પણ લઈ લીધી.

ત્યાર બાદ ઍક્શનના રિહર્સલની તારીખો નક્કી થવા લાગી. ગયા ડિસેમ્બરની 15 અને 16 તારીખે સમગ્ર કાસ્ટ સાથે રણવીરે સ્ક્રિપ્ટ રીડિંગમાં પણ ભાગ લીધો. 17 ડિસેમ્બરે એક ટેસ્ટ શેડ્યુલ રાખવામાં આવ્યું હતું જે કોઈ કારણોસર કૅન્સલ થયું . ત્રણ દિવસ પછી એટલે કે 20 ડિસેમ્બરે રણવીરે  કૉલ કરીને  ફરહાનને કહી દીધું કે તે ‘ડૉન 3’ છોડી રહ્યો છે... રણવીરની સાઇડ આપણે જાણીએ છીએ. હવે ફરહાનની સાઇડ આપણી સામે આવી છે. હવે દર્શકો અને ચાહકો જ પોતે ન્યાય કરે કે કોણ સાચું અને કોણ ખોટું...

ભાઈ કે પીછે પડ ગયા હિરન ...! 

એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ‘કાલા હિરન’. આ ફિલ્મનું પોસ્ટર થોડા દિવસો પહેલાં રિલીઝ થયું. આ પોસ્ટરમાં કોઈ ઍક્ટર ટાઇટ ટી શર્ટમાં બંદૂક તાંકીને ઊભો છે એવું જોવા મળ્યું હતું. આ જોઈને સલમાન ખાનની લીગલ ટીમ ચમકી ઊઠી. અરે આ તો... આગળ લખવાની જરૂર નથી, તમે સમજી જ ગયા કે ભાઈજાનની લીગલ ટીમને એ પોસ્ટરમાં કઈ ઘટના સાથે સમાનતા દેખાઈ હશે. આ ‘કાલા હિરન’ અમિત જાનીએ પ્રોડ્યુસ કરી છે અને ભરત શ્રીનેત તેના ડાયરેક્ટર છે.

પોસ્ટરથી ભડકેલી ભાઈજાનની લીગલ ટીમે પોતાના ‘ક્લાયન્ટ’ને આ મામલે અદાલત જવાની સલાહ સુધ્ધાં આપી દીધી 

સ્વાભાવિક છે, આ રીતની સમાનતા સલમાનની ‘પ્રતિષ્ઠા’ પર કાદવ ઉછાળી શકે છે, પરંતુ સાથેસાથે સલમાન જો કોર્ટમાં જાય તો વળી જે મુદ્દો દાયકાઓથી જોધપુરમાં ક્યાંક ભટકી રહ્યો છે એ પાછો આખા દેશ સામે આવી જાય. જો આમ થાય તો ભાઈજાનના અંદરથી હજી લીલા રહેલા ઘા પર ફરીથી લાકડીનો ફટકો પડે એવું થઈ પડે. એટલે હાલમાં તો ભાઈજાન કન્ફયુઝ હૈ કે કોર્ટ કેસ કહાં કરે કે પછી ચૂપ કૈસે રહે! બાકી જો સલમાન ચૂપ રહેશે તો કોઈ વળી ‘સુની ફૂટપાથ ઔર બે-લગામ કાર’ નામની ફિલ્મ પણ બનાવી શકે છે...! 

કટ એન્ડ ઓકે...
‘ટીપ્સ’વાળાએ ‘ધર્મા પ્રોડક્શન’ની રણનીતિ અપનાવતાં આજે રિલીઝ થયેલી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ ફક્ત આજનો દિવસ 50 ટકા ડિસ્કાઉન્ટ પર જોઈ શકાશે.