ભુજ: ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ચલાવવામાં આવી રહેલા “ઓપરેશન મ્યુલ હંટ ૨.૦” અંતર્ગત પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ગાંધીધામ સંકુલમાંથી ઓપરેટ થતા કરોડો રૂપિયાના બેંક એકાઉન્ટ ભાડે આપવાના મોટા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો છે.
પોલીસે આ રેકેટમાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે કૌભાંડના મુખ્ય સૂત્રધારો સહિત અન્ય ચાર શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના નામે ખોલાવાયેલા ૧૦૫ 'મ્યુલ એકાઉન્ટ્સ' એટલે કે, ભાડૂતી ખાતામાંથી રૂા. ૪૩.૯૩ કરોડથી વધુની શંકાસ્પદ નાણાકીય હેરફેર સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સરહદી રેન્જ ભુજના આઈજી ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા હાથ ધરાયેલા આ ઓપરેશનની વિગતો મુજબ, આરોપીઓ ગરીબ, મજૂર અને આર્થિક રીતે નબળા લોકોને થોડા કમિશન કે આર્થિક લાભની લાલચ આપી તેમના અસલી દસ્તાવેજો મેળવી લેતા હતા.
ત્યારબાદ આ દસ્તાવેજોના આધારે વિવિધ સરકારી અને ખાનગી બેંકોમાં બચત તથા કરંટ ખાતાઓ ખોલાવવામાં આવતા હતા. ખાતું ખૂલ્યા બાદ તેની ગુપ્ત બેંકિંગ કીટ, એટીએમ કાર્ડ, ચેકબુક, રજિસ્ટર્ડ સિમકાર્ડ, ઈ-મેઈલ આઈડી અને નેટબેંકિંગના પાસવર્ડ કુરિયર અને વોટ્સએપ મારફતે છેક શ્રીલંકામાં રહેલા સાયબર માફિયાઓ સુધી પહોંચાડવામાં આવતા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ આંતરરાષ્ટ્રીય નેટવર્ક છેલ્લા પાંચ-છ મહિનાથી સક્રિય હતું અને આ ૧૦૫ બેંક ખાતાઓમાં કુલ રૂા. ૪૩,૯૩,૮૦,૧૧૩ (આશરે ૪૪ કરોડ રૂપિયા) જમા થયા હતા. આ નાણાં દેશભરના નિર્દોષ નાગરિકો સાથે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, કોલર આઈડી ફ્રોડ, ફેક યોનો એપ્લિકેશન, વોટ્સએપ એપીકે હેકિંગ, નકલી ક્લોથિંગ વેબસાઈટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેવા અત્યાધુનિક ડિજિટલ ગુનાઓ આચરીને પડાવવામાં આવ્યા હતા.
ભારત સરકારના નેશનલ સાયબર ક્રાઈમ સમન્વય પોર્ટલ પર આ ખાતાઓ વિરૂદ્ધ દેશભરમાંથી કુલ ૯૦ જેટલી સત્તાવાર ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ કૌભાંડમાં ગુજરાત ઉપરાંત કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર અને તેલંગાણા સહિત ૧૨થી વધુ રાજ્યોના ભોગ બનનારાઓના નાણાં ટ્રાન્સફર થયા હોવાનું ખુલ્યું છે.
સાયબર પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા, જયનીત ભરત કાર (કન્નર), ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા અને શબ્બીર અકબર લુહાર (લોધા) નામના ચાર આરોપીઓને ઝડપી પાડી, તેમની પાસેથી ૭ મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. આ તમામ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ અને આઈ.ટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. જ્યારે આ રેકેટના મુખ્ય ભેજાબાજ ગણાતા કિંગ ડેવિડ ઉર્ફે કનૈયાલાલ ઠક્કર, દીપક ઠક્કર, જયરાજસિંહ જીતેન્દ્રસિંહ રાણા અને રાજભા ગાંડુજી વાઘેલા હજુ પોલીસ પકડથી દૂર હોઈ તેમને શોધવા કવાયત તેજ કરાઈ છે.
દરમ્યાન, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે નાગરિકોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, ટૂંકી કમાણી કે કમિશનની લાલચમાં આવીને કોઈ પણ અજાણી વ્યક્તિને પોતાનું બેંક ખાતું, એટીએમ કાર્ડ, ચેકબુક, સિમકાર્ડ કે નેટબેંકિંગના પાસવર્ડ આપવા નહીં. આવા કૃત્યો સાયબર ગુનેગારોને દેશદ્રોહી પ્રવૃત્તિ અને લૂંટમાં સીધી મદદરૂપ બનતા હોવાથી કાયદાની નજરે ગંભીર ગુનો બને છે અને તેમાં ખાતાધારકની જ પ્રથમ ધરપકડ થાય છે. જો કોઈ પણ આવી શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાને આવે તો તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરવો.
( ઉત્સવ વૈદ્ય)