Wed Jun 10 2026

Logo

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં એલઓસી નજીક 'વિસ્ફોટ', મહારાષ્ટ્રના બે જવાન શહીદ

2026-06-10 14:54:33
Author: Mayur Patel
Article Image

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બારામલા જિલ્લાના ઉરી સેક્ટરમાં એલઓસી (લાઈન ઓફ કંટ્રોલ) પાસે ભેદી વિસ્ફોટ થયો હતો, જેમાં મૂળ મહારાષ્ટ્રના બે જવાન શહીદ થયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઘટના ઉરી સેક્ટરના કમલકોટ વિસ્તારમાં બની હતી.  

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શહીદ જવાનની ઓળખ અર્જુન જાધવ અને વિક્રમ બાલકૃષ્ણ તરીકે થઈ હતી. બંને મહારાષ્ટ્રના રહેવાસી હતા. ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેમને શ્રીનગરના બાદામીબાગ છાવણી સ્થિતિ સેનાની બેસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. જોકે, વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જ્યારે તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં બારામુલ્લા, કુપવાડા અને બાંદીપોરા જિલ્લાઓમાંથી પસાર થતી આશરે 740 કિલોમીટર લાંબી એલઓસી આવેલી છે. જ્યારે, જમ્મુ ડિવિઝનમાં એલઓસી પુંછ, રાજૌરી અને આંશિક રીતે જમ્મુ જિલ્લામાં સ્થિત છે. આ ઉપરાંત, લગભગ 240 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ સાંબા, જમ્મુ અને કઠુઆ જિલ્લાઓમાંથી પસાર થાય છે.

એલઓસીની સુરક્ષા ભારતીય સેના કરે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા  BSF હસ્તકે છે. સરહદ પારથી થતી ઘૂસણખોરી, તસ્કરી અને ડ્રોન ગતિવિધિઓ પર રોક લગાવવા માટે બંને દળો સરહદી વિસ્તારોમાં 24 કલાક તૈનાત રહે છે.

ડ્રોન્સના ખતરાઓનો સામનો કરવા માટે એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર અત્યાધુનિક એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સ્થિત આતંકવાદી નેટવર્ક અને તેમના સમર્થક તત્વો ડ્રોન દ્વારા હથિયારો, દારૂગોળો, રોકડ અને નશીલા પદાર્થો ભારતીય ક્ષેત્રમાં પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આ સામગ્રીઓ આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા ઓવરગ્રાઉન્ડ વર્કર્સ એકત્રિત કરે છે અને બાદમાં તેને જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ સુધી પહોંચાડે છે.