Fri May 01 2026

Logo

બોક્સ ઓફિસ પર ધમાકેદાર એન્ટ્રી છતાં 'ધૂરંધર 2' ના શો અધવચ્ચે અટવાયા: ડિરેક્ટરે માંગી માફી

2026-03-19 11:09:00
Author: Tejas Rajpara
Article Image

મુંબઈ: આદિત્ય ઘરના ડિરેક્શનમાં બનેલી વર્ષ 2026ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધૂરંધર: ધ રિવન્જ' આજે રિલીઝ તો થઈ, પરંતુ ટેકનિકલ ખામીઓએ રંગમાં ભંગ પાડ્યો છે. નોઈડાના ડીએલએફ મોલમાં થયેલા હોબાળા બાદ હવે અહેવાલ મળી રહ્યા છે કે આસામના ગુવાહાટીમાં પણ અનેક થિયેટરોમાં શો ઈન્ટરવલ પછી અચાનક બંધ કરી દેવામાં આવ્યા હતા. મધ્યરાત્રિ સુધી ચાલેલા પેઇડ પ્રીવ્યુ દરમિયાન દર્શકોએ કલાકો સુધી બીજા ભાગની રાહ જોઈ હતી, પરંતુ પ્રોજેક્શનમાં ખામીને કારણે શો કેન્સલ કરવા પડ્યા હતા. ત્રણ મહિનાના લાંબા ઈન્તજાર બાદ રણવીર સિંહને પડદા પર જોવા આવેલા ચાહકોમાં આ અવ્યવસ્થાને લઈ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by GPlus (@guwahatiplus)

 

નોઈડા અને ગુવાહાટીના મોલ્સમાં સ્થિતિ ત્યારે વણસી જ્યારે થિયેટર મેનેજમેન્ટ દ્વારા ઈન્ટરવલ પછીના ભાગનું સ્ક્રીનિંગ શરૂ ન થયું. ઘણા મુલાકાતીઓએ આક્ષેપ કર્યો છે કે ઇન્ટરવલના ત્રણ કલાક પછી પણ કોઈ સ્પષ્ટ અપડેટ આપવામાં આવ્યું ન હતું. આ દરમિયાન સુરક્ષાના કારણોસર મોલના અમુક ભાગમાં બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા હતા અને ભીડને કાબૂમાં લેવા પોલીસની મદદ લેવી પડી હતી. આશ્ચર્યની વાત એ છે કે ટેકનિકલ સમસ્યા હોવા છતાં કેટલીક જગ્યાએ ઓનલાઈન ટિકિટનું વેચાણ ચાલુ હતું, જેનાથી લોકો વધુ ઉશ્કેરાયા હતા.

 

આ વિવાદો વચ્ચે પણ 'ધૂરંધર 2' એડવાન્સ બુકિંગમાં ઈતિહાસ રચી રહી છે. રિલીઝ પહેલા જ આ ફિલ્મે કરોડો રૂપિયાની ટિકિટો વેચી દીધી છે, જે તેને 2026ની સૌથી મોટી ઓપનર બનાવવાની દિશામાં છે. ઉલ્લેખનીય છે કે 5 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થયેલા આ ફિલ્મના પ્રથમ ભાગે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. 'ધૂરંધર'ના પહેલા ભાગે ભારતીય બોક્સ ઓફિસ પર અંદાજે 450 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ થઈ હતી. આ જ ભવ્ય સફળતાને કારણે બીજા ભાગ માટે દર્શકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પ્રીવ્યુ શોમાં થયેલી ગેરવ્યવસ્થા બાદ ડિરેક્ટર આદિત્ય ધરે સત્તાવાર નિવેદન જારી કરીને દર્શકોની માફી માંગી છે. તેમણે જણાવ્યું કે અણધાર્યા ટેકનિકલ કારણોસર મલયાલમ અને કન્નડ વર્ઝનના શો આવતીકાલથી શરૂ થશે, જ્યારે હિન્દી, તમિલ અને તેલુગુ શો સમયસર શરૂ કરી દેવાયા છે. જે પ્રેક્ષકોના શો કેન્સલ થયા છે, તેમને રિફંડ મેળવવાનો અથવા સબટાઈટલ સાથે હિન્દી વર્ઝન જોવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આવતીકાલે ઈદ અને ગુડી પડવાના તહેવાર નિમિત્તે આ ફિલ્મ વિશ્વભરમાં પાંચ ભાષાઓમાં રિલીઝ થવાની છે.

જો ફિલ્મના રિવ્યૂની વાત કરીએ તો, પ્રીવ્યુ જોનારા દર્શકો રણવીર સિંહના પર્ફોર્મન્સથી મંત્રમુગ્ધ થઈ ગયા છે. આ વખતે જસકિરાત સિંહ રંગી પાકિસ્તાનના ખતરનાક ગણાતા લ્યારી વિસ્તારમાં અન્ડરકવર એજન્ટ બનીને જાય છે. અક્ષય ખન્ના (રેહમાન ડકૈત) ના મૃત્યુ બાદ હમઝા અલી મઝારી બનીને રણવીર જે રીતે 'કિંગ ઓફ લ્યારી' બને છે, તે જોવું ખરેખર રોમાંચક છે. એક્શન સિક્વન્સ અને આદિત્ય ધરનું ડાયરેક્શન ફિલ્મને પહેલા ભાગ કરતા પણ વધુ ભવ્ય બનાવે છે. પ્રથમ ભાગની સફળતા બાદ આ સીક્વલ પણ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સર્જે તેવા એંધાણ છે.