Wed Jul 29 2026

Logo

બોક્સ ઓફિસ ગજવનાર ફિલ્મ 'ધુરંધર 2' વિવાદમાં, ડાયરેક્ટર આદિત્ય ધર પર સ્ક્રિપ્ટ ચોરીનો આક્ષેપ

2026-04-01 11:53:00
Author: Mumbai samachar Team
Article Image

મુંબઈ: આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ધુરંધર 2' અત્યારે બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી રહી છે. પ્રેક્ષકો આ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે, પરંતુ આ ભવ્ય સફળતાની વચ્ચે ફિલ્મ એક ગંભીર વિવાદમાં સપડાઈ છે. એક જાણીતા લેખકે ફિલ્મની વાર્તા પોતાની હોવાનો દાવો કરીને ફિલ્મ જગતમાં હલચલ મચાવી દીધી છે. આરોપ છે કે આદિત્ય ધરે તેમની પરવાનગી વગર જ તેમની સ્ક્રિપ્ટ પરથી આ ફિલ્મ બનાવી નાખી છે, જેને લઈને હવે કાયદાકીય જંગ છેડાય તેવી શક્યતા છે.

લેખક અને ફિલ્મમેકર સંતોષ કુમાર આર.એસ.એ મીડિયા સમક્ષ ચોંકાવનારો દાવો કર્યો છે કે 'ધુરંધર 2' ની સ્ક્રિપ્ટ તેમણે લખી હતી. સંતોષ કુમારના જણાવ્યા અનુસાર, તેમણે આ વાર્તા વર્ષ 2023માં તૈયાર કરી હતી અને તેઓ અભિનેતા આદિત્ય રોય કપૂરને મુખ્ય ભૂમિકામાં લઈને આ પ્રોજેક્ટ બનાવવા માંગતા હતા. તેમણે આરોપ લગાવ્યો છે કે આદિત્ય ધરે તેમની મૌલિક વાર્તાની ચોરી કરી છે. આ મામલે સંતોષ કુમારે હવે મેકર્સ વિરુદ્ધ લીગલ એક્શન લેવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સંતોષ કુમારે વધુમાં જણાવ્યું કે તેમણે પોતાની આ સ્ક્રિપ્ટ સોની પિક્ચર્સ, ઝી સ્ટુડિયો, ટી-સીરીઝ અને ધર્મા પ્રોડક્શન જેવા દિગ્ગજ બેનરોને બતાવી હતી. તેણે નવેમ્બર 2023માં 'સ્ક્રીનરાઈટર્સ એસોસિએશન' (SWA) માં આ સ્ટોરી રજીસ્ટર કરાવી હતી, જેના તમામ પુરાવા અને ઈમેલ રેકોર્ડ્સ પણ મોજૂદ છે. તેમનું કહેવું છે કે કોર્પોરેટ સપોર્ટ મેળવવાના પ્રયાસો દરમિયાન તેમની વાર્તા લીક થઈ ગઈ અને હવે તેનો ઉપયોગ કોઈ પણ જશ આપ્યા વગર કરવામાં આવ્યો છે.

આ વિવાદમાં સંતોષ કુમાર માત્ર ચોરીના આરોપથી જ નહીં, પરંતુ ફિલ્મના કન્ટેન્ટથી પણ નારાજ છે. તેમણે કહ્યું કે, "મેં આ વાર્તા પ્યોર એન્ટરટેઈનમેન્ટ માટે લખી હતી, પરંતુ મેકર્સે તેને પોલિટિકલ પ્રોપેગેન્ડામાં ફેરવી નાખી છે, જેનું મને ખૂબ દુઃખ છે." તેમણે ઉમેર્યું કે તેઓ આ લડાઈ એટલા માટે લડી રહ્યા છે જેથી ભવિષ્યમાં કોઈ બીજા લેખકની મહેનત સાથે આવો અન્યાય ન થાય. હાલમાં આ ગંભીર આરોપો પર આદિત્ય ધર કે ફિલ્મના નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.