Fri May 01 2026

Logo

રણવીર સિંહની ' ધુરંધર 2' માટે ફેન્સમાં ભારે ક્રેઝ: એડવાન્સ બુકિંગમાં તોડ્યા તમામ રેકોર્ડ

2026-03-17 12:48:00
Author: Mumbaisamachar Team
Article Image

મુંબઈ: આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ' ધુરંધર : ધ રિવન્જ' રિલીઝ થવામાં હવે 48 કલાકથી પણ ઓછો સમય બાકી છે, ત્યારે સમગ્ર વિશ્વમાં આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું પ્રીમિયર ગણાઈ રહેલી આ ફિલ્મે રિલીઝ પહેલા જ 10 લાખથી વધુ ટિકિટો વેચીને નવો ઈતિહાસ રચી દીધો છે. પ્રેક્ષકોની ભારે માંગને જોતા મલ્ટિપ્લેક્સ સંચાલકો હવે મોડી રાત્રિના અને વહેલી સવારના શો ઉમેરવા મજબૂર બન્યા છે. આ ફિલ્મના ક્રેઝને જોતા લાગી રહ્યું છે કે તે ભારતીય બોક્સ ઓફિસના તમામ જૂના સમીકરણો બદલી નાખશે.

'ધુરંધર 2' ની ટિકિટોની માંગ એટલી વધારે છે કે મુંબઈ, થાણે અને અમદાવાદ જેવા શહેરોમાં થિયેટરો હવે 24 કલાક કાર્યરત રહેશે. મુંબઈના પીવીઆર ચાકાલા અને અમદાવાદના કોનપ્લેક્સ સિનેમા જેવા થિયેટરોમાં મોડી રાત્રે 1:50 વાગ્યાથી લઈને સવાર સુધીના શો રાખવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, ફિલ્મનો રનટાઈમ લગભગ 4 કલાકનો હોવાથી એક સ્ક્રીન પર વધુ શો રાખવા મુશ્કેલ છે, છતાં પણ એક્ઝિબિટર્સ સુરક્ષા અને લોજિસ્ટિક્સને ધ્યાનમાં રાખીને રાઉન્ડ-ધ-ક્લોક શો ચલાવવાનું આયોજન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં એડવાન્સ બુકિંગમાં આશરે 15 લાખ ટિકિટો વેચાઈ ચૂકી છે.

ફિલ્મની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મુંબઈના ઐતિહાસિક 'મરાઠા મંદિર' થિયેટરે પણ પોતાના શિડ્યુલમાં ફેરફાર કરવો પડ્યો છે. છેલ્લા 30 વર્ષથી સતત સવારે 11:30 વાગ્યે પ્રદર્શિત થતી સુપરહિટ ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' (DDLJ) નો સ્લોટ 'ધુરંધર 2' માટે બદલીને વહેલી સવારનો કરી દેવામાં આવ્યો છે. એક નવી ફિલ્મના લાંબા રનટાઈમને સમાવવા માટે આટલા વર્ષો જૂની પરંપરામાં ફેરફાર કરવો એ બોલિવૂડમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રેકોર્ડબ્રેક કમાણીની વાત કરીએ તો, 'ધુરંધર 2' એ પેઇડ પ્રિવ્યુ દ્વારા જ 35 કરોડ રૂપિયાનો આંકડો વટાવી દીધો છે, જે પવન કલ્યાણની ફિલ્મ 'OG' ના 25 કરોડના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે. વિદેશમાં પણ રણવીર સિંહનો જાદુ ચાલ્યો છે, ઉત્તર અમેરિકામાં પ્રી-સેલ્સમાંથી 5 મિલિયન ડોલર કમાનારી આ પહેલી ભારતીય ફિલ્મ બની છે. વૈશ્વિક સ્તરે ફિલ્મનું એડવાન્સ બુકિંગ 125 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે આ ફિલ્મ વર્લ્ડવાઈડ 2000 કરોડની કમાણી કરીને આમિર ખાનની 'દંગલ'નો રેકોર્ડ તોડી શકે છે.

સ્પાય થ્રિલર શૈલીની આ ફિલ્મ 19 માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મમાં રણવીર સિંહની સાથે આર. માધવન, અર્જુન રામપાલ, સંજય દત્ત અને સારા અર્જુન જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે. અક્ષય ખન્ના પણ આ ભાગમાં કેમિયો રોલમાં દેખાઈ શકે છે. ફિલ્મનો પહેલો ભાગ ધુરંધર હજુ પણ થિયેટરોમાં ચાલી રહ્યો છે અને તેણે 1300 કરોડની કમાણી કરી છે. હવે જોવાનું એ રહેશે કે આ સિક્વલ બોક્સ ઓફિસ પર કેટલી ઊંચાઈઓ સર કરે છે.