Fri May 01 2026

Logo

દીપિકાનો ‘ધુરંધર’ અવતાર: રણવીરની ફિલ્મ પર સવાલ ઉઠાવનારા નેટિઝન્સને આપ્યો જડબાતોડ જવાબ

2026-04-08 18:36:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: બોલીવુડ કિંગ રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે, પરંતુ સોશિયલ મીડિયા પર એક અલગ જ ચર્ચાએ જોર પકડ્યું હતું. નેટિઝન્સ સવાલ ઉઠાવી રહ્યા હતા કે પત્ની દીપિકા પાદુકોણે રણવીરની આટલી મોટી સફળતા પર કોઈ પોસ્ટ કે સમર્થન કેમ જાહેર નથી કર્યું? જોકે, હંમેશા શાંત દેખાતી દીપિકાએ આ વખતે પોતાના આગવા અને રમુજી અંદાજમાં જવાબ આપીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી થઈ હતી, જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું દીપિકાનું મૌન કોઈ સંકેત છે કે પછી લોકો વગર કારણે તેને મોટું સ્વરૂપ આપી રહ્યા છે? આ પોસ્ટ પર કમેન્ટ કરતા દીપિકાએ લખ્યું, "મેં આ ફિલ્મ તમારા બધા કરતા ઘણી વહેલી જોઈ લીધી હતી, હવે જોક્સ કોના પર છે?" આ એક જ વાક્યથી દીપિકાએ સ્પષ્ટ કરી દીધું કે અંગત જીવનમાં સમર્થન આપવા માટે દર વખતે સોશિયલ મીડિયાના દેખાડાની જરૂર હોતી નથી.

ડાયરેક્ટર આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ધુરંધર: ધ રિવન્જ' ગત 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 2025માં આવેલી 'ધુરંધર'ની આ સિક્વલે ભારતીય સિનેમાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મ ભારતની પ્રથમ હિન્દી ફિલ્મ બની છે જેણે 1000 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હોય. રણવીર સિંહની સાથે ફિલ્મમાં અર્જુન રામપાલ, આર. માધવન અને સંજય દત્ત જેવા દિગ્ગજ કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા છેલ્લે રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેન'માં લેડી સિંઘમના રોલમાં જોવા મળી હતી. હવે તે સિદ્ધાર્થ આનંદની એક્શન થ્રિલર 'કિંગ'માં જોવા મળશે, જેમાં શાહરૂખ ખાન અને સુહાના ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય દીપિકા સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે નિર્દેશક એટલીની ફિલ્મ 'રાકા'માં પણ મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે.