Fri Jun 19 2026

Logo

દહિસર-ભાયંદર એલિવેટેડ રોડ પ્રોજેકટ પર ફરી  વિરોધ પક્ષ અને ભાજપ  બાખડી પડ્યા

2026-06-19 08:28:00
Author: Sapna Desai
Article Image


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ (ઉત્તર) પ્રોજેક્ટના અંતિમ તબક્કા સાથે જોડાયેલા એક પ્રસ્તાવ પર પાલિકાની સ્થાયી સમિતિમાં ગુરુવારે ભારે વિવાદ થયો હતો. વિરોધપક્ષ દહિસર (પશ્ર્ચિમ) અને ભાયંદર (પશ્ર્ચિમ)ને જોડતા એલિવેટેડ રોડ માટે ભંડોળ પૂરું પાડવાના પ્રસ્તાવ સામે મુંબઈના કરદાતાઓ પર અન્યાયી રીતે બોજ પડી રહ્યો હોવાની દલીલ કરતા પ્રશાસનને સવાલ કર્યો હતો કે મુંબઈ શહેરની સીમાથી આગળ વધીને પડોશી શહેરોને લાભ આપતા પ્રોજેક્ટમાં રોકાણ કરવા પાછળ પાલિકાનો ઈરાદો શું છે?

પાલિકાએ  ૫.૬ કિમી લાંબા અને ૪૫ મીટર પહોળા એલિવેટેડ દહીસર-ભાયંદર લિંક રોડ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ (પીએમસી)ની નિમણૂક કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. લગભગ ૩,૩૦૪ કરોડ રૂપિયાના આ કોરિડોરથી વર્સોવા-ભાયંદર મુસાફરીનો સમય ૩૦-૪૫ મિનિટ ઓછો થશે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે  પર ભીડ ઓછી થશે તેવી અપેક્ષા છે. નિપ્પોન કોઈ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને કાઇટ એલાઇડ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડના જોઈન્ટ વેન્ચરને ૫૨.૫ કરોડ રૂપિયામાં પીએમસી તરીકે ભલામણ કરવામાં આવી છે. ક્ધસલ્ટન્ટ ૪૨ મહિનાના બાંધકામ સમયગાળા અને ત્યારબાદના ડિફેક્ટ લાઈબિલિટી તબક્કા દરમિયાન પ્રોજેક્ટ અમલીકરણ, ક્વોલિટી કંટ્રોલ વગેરેનું નિરીક્ષણ કરશે.

આ પ્રસ્તાવની જોકે  શિવસેના (ઠાકરે)ના નગરસેવકે ટીકા કરીને  શહેરની સીમાઓથી આગળ વિસ્તરેલા પ્રોજેક્ટથી મુંબઈગરાને શું લાભ થવાનો છે? એવો સવાલ કર્યો હતો. પાલિકાએ રિજનલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટનો સંપૂર્ણ નાણાકીય બોજ ઉઠાવવાની આવશ્કતા નથી.  મુંબઈના પટ્ટામાં આવતા વિસ્તારનો જ ખર્ચ પાલિકાએ કરવો જોઈએ. અથવા  ખર્ચાની બંને તરફથી  વિભાજન થવું જોઈએ.  જ્યાં સુધી આવી સ્પષ્ટતા  થાય નહીં ત્યાં સુધી આ પ્રસ્તાવ મુલતવી રાખવાની અને સંપૂર્ણ નાણાકીય અને ટેક્નિકલ  વિગતો સાથે સમિતિ સમક્ષ પ્રસ્તાવ પાછો લાવવાની માગણી તેમણે કરી હતી. વિરોધપક્ષના અન્ય નગરસેવકોએ પણ આ પ્રસ્તાવનો વિરોધ કરતા ખર્ચની વહેંચણીની માગણી કરી હતી. 

વિરોધપક્ષની દલીલ સામે જોકે પાલિકાના સભાગૃહ નેતાએ માળખાગત પ્રોજેકટથી ફાયદા થતા હોવાની દલીલ કરીને મુંબઈ મેટ્રો નેટવર્કને ઉદાહરણ આપીને કહ્યું હતું કે  ૨૦૧૪ માં જ્યારે ફક્ત એક જ લાઇન અસ્તિત્વમાં હતી ત્યારે ઘણા લોકોએ તેની સુસંગતતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો, પરંતુ ત્યારથી તે લાખો મુસાફરો માટે પરિવહનનું અનિવાર્ય માધ્યમ બની ગયું છે.  તે મુજબ જ આ ભાયંદર સુધી જતા કોસ્ટલ રોડથી  લાંબા મુસાફરીના સમયમાં ઘટાડો થશે. લાંબા ગાળે ફાયદો થશે.

એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજીત બાંગરે જણાવ્યું હતું કે એલિવેટેડ રોડ એક વ્યૂહાત્મક પ્રોજેક્ટ છે જેનો હેતુ ઉત્તર તરફની કનેક્ટિવિટી સુધારવા અને ભીડ ઘટાડવાનો છે. આ કોરિડોર પહેલાથી જ મંજૂર થયેલા ડેવલપમેન્ટ પ્લાનનો  ભાગ છે અને ભાઈંદરથી વિરાર તરફ વિસ્તરતો ભાગ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ  દ્વારા અલગથી વિકસાવવામાં આવશે. 

વિરોધીપક્ષ  દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો  છતાં  શાસક પક્ષ ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને  મંજૂરી મેળવવા માટે તેની બહુમતીનો ઉપયોગ કરીને પ્રસ્તાવને  આખરે મતદાન માટે મૂકીને મંજૂર કર્યો હતો.