Sun Oct 04 2026

Logo

GSTમાં રાહતના નામે કંપનીઓના ખિસ્સા ભરી દેવાયા! "જીએસટી બચત ઉત્સવ"ને જુમલો ગણાવી કોંગ્રેસે સરકારને ઘેરી

2026-09-22 19:46:31
Author: Devayat Khatana
GSTમાં રાહતના નામે કંપનીઓના ખિસ્સા ભરી દેવાયા! "જીએસટી બચત ઉત્સવ"ને જુમલો ગણાવી કોંગ્રેસે સરકારને ઘેરી

AI પ્રતીકાત્મક તસવીર


અમદાવાદ: કોંગ્રેસ પાર્ટીએ સરકાર અને ભાજપ પર GST બચત ઉત્સવ પર ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકાર દ્વારા આપવામાં આવેલો "ડબલ દિવાળી" અને "જીએસટી બચત ઉત્સવ" નો નારો જનતા સાથેની ક્રૂર મજાક સાબિત થયો છે. સપ્ટેમ્બર 2025માં જીએસટી ઘટાડાનો દંભ કરવામાં આવ્યો હતો, પરંતુ એક વર્ષ બાદ 22 સપ્ટેમ્બર 2026ના રોજ આ જુમલાની પોલ ખુલી ગઈ છે અને સરકાર દ્વારા અપાયેલી રૂ. 1 લાખ કરોડની કર-રાહત મોટી કંપનીઓએ પોતાના ખિસ્સામાં ભરી દીધી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. 

કંપનીએ ભાડાને નામે કરી નાખ્યો ભાવ વધારો
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ પર ટેક્સ ઘટાડાનો લાભ જનતા સુધી પહોંચવાને બદલે મોટી કંપનીઓએ કાચા માલ અને પરિવહન ખર્ચનું બહાનું ધરીને બેઝ પ્રાઈસમાં 6% થી 7% સુધીનો વધારો કરી દીધો છે. આ ઉપરાંત, સિંગતેલ, સૂર્યમુખી તેલ, સોયાબીન તેલ અને ડુંગળી તથા ટમેટા જેવા શાકભાજીના ભાવમાં પણ ભયાનક વધારો થયો છે. ડુંગળીના ભાવમાં 108.8% નો ઐતિહાસિક ઉછાળો આવ્યો છે, જેના કારણે સામાન્ય ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોનું રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાય ગયું છે તેવો કોંગ્રેસે દાવો કર્યો હતો. 

તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે સાથે શહેરી વિસ્તારના નોકરીયાત વર્ગ, નાની ગાડીઓ, સ્કૂટર અને ઓટો ચાલકો પર  CNGના વધેલા ભરોસાનો ભારે બોજ પડ્યો છે. સપ્ટેમ્બર 2026માં અમદાવાદમાં સીએનજીનો ભાવ વધીને રૂ. 94.02 પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે, જેનાથી સામાન્ય ચાલકોની માસિક કમાણીમાંથી રૂ. 1,500 થી રૂ. 1,800 સીધા છીનવાઈ રહ્યા છે. આ સાથે જ, સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટી વધારીને 15% કરી દેવાને કારણે રાજ્યના હજારો MSME,જ્વેલરી ઉદ્યોગો અને સોનીઓ પણ આજીવિકાના ગંભીર સંકટનો સામનો કરી રહ્યા હોવામનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. 

અંતમાં કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે, ચાર સભ્યો ધરાવતા એક સરેરાશ શહેરી પરિવારને ખાદ્ય ચીજવસ્તુઓ અને મુસાફરી પાછળ વાર્ષિક રૂ. 12,747 નું સીધું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. સરકારી નિષ્ક્રિયતા અને સંગ્રહખોરો સામે આવશ્યક વસ્તુ કાયદા (ECA) હેઠળ કોઈ જ પગલાં ન લેવા બદલ કોંગ્રેસે સરકાર સામે સાત તીખા સવાલો ઉઠાવ્યા છે અને જનતાને મોંઘવારોના ભરોસે છોડી દેવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.