Mon Sep 28 2026

Logo

રણદીપ સુરજેવાલા ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી, કોંગ્રેસ હાઈકમાન્ડે ચૂંટણી પહેલા લીધો મોટો નિર્ણય

2026-09-06 07:50:00
Author: Mumbai Samachar Team
રણદીપ સુરજેવાલા ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી, કોંગ્રેસ હાઈકમાન્ડે ચૂંટણી પહેલા લીધો મોટો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે નવા પ્રભારીને ગુજરાતની જવાબદારી સોંપી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે મુકુલ વાસનિકની જગ્યાએ રણદીપ સુરજેવાલાની નિયુક્તિ કરીને ગુજરાતના નવા પ્રભારી બનાવાયા છે.  વિધાનસભા ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત કરવાના હેતુથી પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાંથી કોંગ્રેસ હાઈકમાન્ડે રણદીપ સુરજેવાલાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે નિયુક્ત કર્યાં છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા માત્ર ગુજરાત જ નહીં પરંતુ પંજાબમાં પણ પોતાના પ્રદેશ પ્રભારી બદલ્યાં છે.  મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદથી હટાવીને રણદીપ સુરજેવાલાની નિયુક્તિ કરાઈ છે. 

ચાર રાજ્યોમાં મોટા ફેરફાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે આ મોટો નિર્ણય કરતા ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચા થઈ રહી છે.  ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને વધારે મજબૂત કરવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો હોવાનું રાજકીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રણદીપ સુરજેવાલા કોંગ્રેસના અનુભવી અને સિનિયર નેતા છે જેથી તેમને હવે ગુજરાતમાં મોટી જવાબદારી આપવામાં આવી છે.આ નિર્ણયને લઈ ગુજરાતમાં રાજકીય ગરમાવો વધી શકે છે. ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ સશક્ત થઈ શકે છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે પણ કેટલાક ફેરફાર થઈ શકે એમ છે. એવું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે. સંગઠનમાં વ્યપાક ફેરબદલ  કરવા દિલ્હીથી નિર્ણયો લેવાઈ રહ્યા છે. પંજાબ કોંગ્રેસની જવાબદારી સચિન પાયલટને આપવામાં આવી છે. જ્યારે ભૂપેશ બઘેલને આસામની જવાબદારી આપવામાં આવી છે. જ્યારે સુખદેવ ભગતને છત્તીસગઢના પ્રભારી બનાવાયા છે. 

આવનારા દિવસોમાં ગુજરાત આવશે
એક સાથે ત્રણથી ચાર રાજ્યોમાં મોટા ફેરફારને લઈને કોંગ્રેસે નિર્ણય કરતા જે રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યાં કોંગ્રેસે તૈયારીઓ શરૂ કર્યાનું હોય એ રીતે આને જોવામાં આવે છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિક હતા. ચૂંટણી પહેલા જ ગુજરાતની જવાબદારી રણદીપ સુરજેવાલાને સોંપી દેવાતા અનેક રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના અનુભવી નેતા તરીકે રણદીપ સુરજેવાલાનો જોવામાં આવી રહ્યા છે. ગુજરાત મુલાકાત કરીને તેઓ સંગઠનને મજબૂત કરવા અને ગ્રાઉન્ડ લેવલ પર પાયાથી કામ કરવા માટે કોઈ એક્શન પ્લાન કોંગ્રેસનો લાવી શકે એમ છે. હાલમાં ચર્ચા એવી છે કે, કોંગ્રેસ ફરી એક્ટિવ થઈ રહી છે. ગુજરાત કોંગ્રેસની ચૂંટણી વ્યૂહરચના વધુ મજબૂત બનશે એવું હાલમાં માનવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં તેઓ ગુજરાતની મુલાકાત લઈ શકે છે. ગુજરાતમાં આવીને બેઠકનો ધમધમાટ શરૂ કરાવી શકે એમ છે