Tue Oct 06 2026

Logo

સ્કૂલમાં ChatGPT બેન થયો તો 17 વર્ષીય વિદ્યાર્થિનીએ બનાવી નાખ્યું પોતાનું AI પ્લેટફોર્મ! જાણો પ્રેરણાદાયી કહાની

2026-09-28 18:02:10
Author: Darshana Visaria
સ્કૂલમાં ChatGPT બેન થયો તો 17 વર્ષીય વિદ્યાર્થિનીએ બનાવી નાખ્યું પોતાનું AI પ્લેટફોર્મ! જાણો પ્રેરણાદાયી કહાની

આજકાલ જમાનો છે સોશિયલ મીડિયા અને ડિજિટાઈઝેશનનનો છે. એમાં પણ જ્યારથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આવ્યું છે ત્યારથી તો લોકો નાના મોટા કામ માટે એઆઈનો ઉપયોગ છૂટથી કરવા લાગ્યા છે. પરિણામે અનેક જગ્યાએ એઆઈનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ સ્કૂલના નિયમો અને પ્રતિબંધો સામે લાચાર થઈ જતા હોય છે, ત્યારે ભારતીય મૂળની 17 વર્ષીય વિદ્યાર્થિની નવ્યા તુટેજાએ એક અનોખો ઇતિહાસ રચી દીધો છે. સ્કૂલમાં અસાઇનમેન્ટ અને અભ્યાસ માટે ChatGPTના ઉપયોગ પર મૂકવામાં આવેલા પ્રતિબંધે નવ્યાને અટકાવવાને બદલે એક નવી દિશા આપી. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી... 

પ્રતિબંધને પડકાર માનીને નવ્યાએ વિદ્યાર્થીઓ અને નોકરી શોધતા યુવાનો માટે ઉપયોગી એવું પોતાનું જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્લેટફોર્મ ‘રાહા’ (Raaha) તૈયાર કર્યું છે. આજે આ સ્ટાર્ટઅપ દ્વારા હજારો યુવાનોને કરિયર ગાઇડન્સ, રેઝ્યૂમે બિલ્ડિંગ અને જોબ સર્ચમાં સીધી મદદ મળી રહી છે.

કેવી રીતે શરૂ થઈ ‘રાહા’ (Raaha)ની સફર?

સ્કૂલ પ્રશાસને જ્યારે છેતરપિંડી અને પ્લેજિઆરિઝમ (કોપી-પેસ્ટ) ના ડરથી શૈક્ષણિક કાર્યમાં ChatGPT ના ઉપયોગ પર સંપૂર્ણ રોક લગાવી દીધી, ત્યારે નવ્યાએ વિચાર્યું કે માત્ર પ્રતિબંધ મૂકવો એ ઉકેલ નથી, પરંતુ એઆઈનો સકારાત્મક અને રચનાત્મક ઉપયોગ શીખવવો જરૂરી છે. તેણે પોતાની કોડિંગ સ્કિલ અને ટેકનોલોજીની સમજનો ઉપયોગ કરીને એવું સિસ્ટમ પ્લેટફોર્મ ડિઝાઈન કરવાનું શરૂ કર્યું જે યુવાનોને માત્ર જવાબો ન આપે પરંતુ તેમના કૌશલ્ય વિકાસમાં વાસ્તવિક માર્ગદર્શક (Mentor) બને.

‘રાહા’ પ્લેટફોર્મ શું કામ કરે છે અને યુવાનોને કેવી રીતે ઉપયોગી?

વાત કરીએ રાહા પ્લેટફોર્મ શું છે અને તે કઈ રીતે કામ કરે છે એની તો ‘રાહા’ વિદ્યાર્થીઓને તેમના રસ, ક્ષમતા અને અભ્યાસના આધારે ભવિષ્યના શ્રેષ્ઠ કરિયર ઓપ્શન્સ શોધવામાં મદદ કરે છે. જોબ સીકર્સ માટે તે એટીએસ-ફ્રેન્ડલી સીવી (CV) તૈયાર કરી આપે છે અને બજારની જરૂરિયાતો મુજબ યોગ્ય નોકરીઓ સાથે મેચ કરાવે છે. આ પ્લેટફોર્મ નકલ કરવાને બદલે વિદ્યાર્થીઓને કોન્સેપ્ટ સમજવા અને પોતાની વિચારસરણી વિકસાવવા પ્રેરિત કરે છે.

વૈશ્વિક સ્તરે મળી રહી છે પ્રશંસા:

માત્ર 17 વર્ષની નાની વયે શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના સકારાત્મક ઉપયોગ માટે સ્ટાર્ટઅપ શરૂ કરનારી નવ્યા તુટેજા આજે વૈશ્વિક સ્તરે યુવા ઇનોવેટર્સ માટે રોલ મોડેલ બની ગઈ છે. ટેક નિષ્ણાતો અને શિક્ષણવિદો પણ તેના આ પ્રયાસને બિરદાવી રહ્યા છે કે ટેકનોલોજી પર પ્રતિબંધ મૂકવા કરતાં તેનો જવાબદાર ઉપયોગ કરવો વધુ યોગ્ય વિકલ્પ છે.