મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે મહારાષ્ટ્રમાં એક નવી સફળતા હાંસલ કરી છે. થાણે જિલ્લાના ભિવંડી નજીક દિવે-અંજુર ગામ પાસે એનએચ-3 એટલે કે નાશિક હાઈ-વે ઉપર બુલેટ ટ્રેન કોરિડોરનો 100 મીટર લાંબો અને 1,405 મેટ્રિક ટન વજન ધરાવતો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં આ પ્રોજેક્ટ માટે પૂર્ણ કરવામાં આવેલો આ પહેલો સ્ટીલ બ્રિજ છે.
આ સ્ટીલ બ્રિજ બુલેટ ટ્રેનના એલિવેટેડ કોરિડોરનો મહત્વનો ભાગ છે. સમગ્ર મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર 508 કિલોમીટર લાંબો છે અને તેમાં મહારાષ્ટ્ર, ગુજરાત તથા દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના ભાગમાં હાઈવે, રેલવે લાઈન અને નદીઓ જેવા મહત્વના સ્થળોને પાર કરવા માટે સ્ટીલ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે.
આ બ્રિજની ખાસ વાત એ છે કે તેનું નિર્માણ તમિલનાડુના ત્રિચી ખાતે આવેલી વર્કશોપમાં કરવામાં આવ્યું હતું. ત્યાંથી તૈયાર સ્ટીલના ભાગોને લગભગ 1,300 કિલોમીટર દૂર મહારાષ્ટ્રમાં લાવવામાં આવ્યા અને સાઈટ પર તેનું એસેમ્બલિંગ કરીને બ્રિજને નિર્ધારિત સ્થાન પર સ્થાપિત કરવામાં આવ્યો હતો. એનએચએસઆરસીએલના અધિકારીના જણાવ્યા મુજબ, આ કામગીરી ભારતની મોટી અને જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રચનાઓ માટેની સ્વદેશી ક્ષમતાને પણ દર્શાવે છે.
First Steel Bridge launched in Maharashtra for Mumbai-Ahmedabad Bullet Train Project.
— NHSRCL (@nhsrcl) September 28, 2026
A 100 m long steel bridge weighing 1405 MT and standing 14 meter high, has been launched over the Mumbai–Nashik Highway in Thane, launched for the project.
The bridge reflects the growing use… pic.twitter.com/a0mDQn34Ti
100 મીટર લાંબા આ બ્રિજને જમીનથી આશરે 17.5 મીટરની ઊંચાઈએ કામચલાઉ ટ્રેસ્ટલ્સ પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ખાસ સ્કિડ અરેજમેન્ટ, હેવી જેક્સ અને પ્રી-ટેન્શન કરાયેલા મેકએલોય બાર્સની મદદથી તેને ધીમે ધીમે નિર્ધારિત સ્થાન સુધી ખસેડવામાં આવ્યો. બ્રિજની લંબાઈ 100 મીટર, પહોળાઈ 14 મીટર અને ઊંચાઈ 14 મીટર છે.
તેના ટકાઉપણા અને વાઈબ્રેશન કંટ્રોલ માટે ખાસ પ્રોટેક્ટિવ પેઈન્ટિંગ સિસ્ટમ અને ઈલાસ્ટોમેરિક બેયરિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાઈ-વે પર વાહનવ્યવહારને ઓછામાં ઓછી અસર થાય તેના માટે બ્રિજ લોન્ચ કરવાની કામગીરી રાત્રિના ટ્રાફિક બ્લોક દરમિયાન કરવામાં આવી હતી. સ્ટીલ બ્રિજ ખાસ કરીને એવા સ્થળોએ ઉપયોગી હોય છે જ્યાં લાંબો સ્પાન જરૂરી હોય, જેમ કે હાઈ-વે, એક્સપ્રેસવે, મોટી નદીઓ અને રેલવે લાઈનો ઉપરથી પસાર થતો કોરિડોર.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કુલ 28 સ્ટીલ બ્રિજ બનાવવાના આયોજન છે, જેમાંથી 16નું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું હોવાના અહેવાલમાં જણાવાયું છે. બીજી તરફ, સપ્ટેમ્બર 2026ના એનએચએસઆરસીએલના માહિતી અધિકાર આધારિત અપડેટ પ્રમાણે સમગ્ર 508 કિલોમીટર પ્રોજેક્ટનું 62.16 ટકા પ્રત્યક્ષ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આશરે 366 કિલોમીટર વાયડક્ટ પર ગર્ડર લગાવવામાં આવી ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં સ્ટીલ બ્રિજનું આ લોન્ચિંગ બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણમાં વધુ એક મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે. હાલમાં મહારાષ્ટ્રના થાણે, વિરાર અને બોઈસર ખાતે એલિવેટેડ સ્ટેશનો સહિત અનેક મોટા બાંધકામો પર કામ ચાલી રહ્યું છે.