Tue Oct 06 2026

Logo

ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદી કરાશે, ખેડૂતોને "કપાસ કિસાન" એપ પર નોંધણી કરાવવા અપીલ

2026-09-28 17:10:02
Author: Mumbai Samachar Team
ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદી કરાશે, ખેડૂતોને "કપાસ કિસાન" એપ પર નોંધણી કરાવવા અપીલ

AI પ્રતીકાત્મક તસવીર


ગાંધીનગર: ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પૂરતા અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે  ભારત સરકાર દ્વારા પ્રતિવર્ષ વિવિધ જણસીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ચાલુ વર્ષ 2026 -27માં ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસ પાકની ખરીદી માટે સરકાર દ્વારા નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂત મિત્રો આગામી તા. 31 ઓક્ટોબર, 2026 સુધીમાં ભારતીય કપાસ નિગમ લિ. (CCI)ની "કપાસ કિસાન" એપ્લિકેશન પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે.

ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર

દેશમાં ખરીફ પાકોનું વાવેતર શરૂ થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા વર્ષ 2026-27 ના ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત લંબતારી કપાસ માટે રૂ. 8667 પ્રતિ ક્વિન્ટલ તથા મધ્યમ તારી કપાસ માટે રૂ. 8267  પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ હેઠળની ખરીદી સેવાઓ

"કપાસ કિસાન" એપ પર નોંધણી કરાવવાથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ હેઠળની ખરીદી સેવાઓ, ખરીદી કેન્દ્રોની વિગત અને તેને સંબંધિત અન્ય તમામ માહિતી મેળવવામાં સુગમતા રહેશે. ખરીદી કેન્દ્રો તથા MSP અંગેની વધુ વિગતો માટે ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI)ની સત્તાવાર વેબસાઇટ પર મળી શકશે. આ ઉપરાંત નોંધણી કરવામાં સહાય મેળવવા માટે ખેડૂતો વોટ્સએપ નંબર +91 9428237246 નો પણ સંપર્ક કરી શકે છે.

રાજ્યના તમામ કપાસ પકવતા ખેડૂત ભાઈઓ-બહેનોને ટેકાના ભાવે કપાસ વેચાણનો મહત્તમ લાભ લેવા માટે સમયમર્યાદામાં "કપાસ કિસાન" મોબાઇલ એપ પર સત્વરે પોતાની નોંધણી કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.