Thu Aug 27 2026

Logo

મહિલા મુક્કાબાજો પછી હવે પુરુષ બૉક્સરોના પણ વિનિંગ પંચ: ભારતને આટલા ગોલ્ડ મેડલ મળ્યા

Glasgow   2026-08-02 12:34:00
Author: Ajay Motiwala
મહિલા મુક્કાબાજો પછી હવે પુરુષ બૉક્સરોના પણ વિનિંગ પંચ: ભારતને આટલા ગોલ્ડ મેડલ મળ્યા

ગ્લાસગોઃ 11 દિવસની કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા બૉક્સરો (Boxers)એ શનિવારના 10મા દિવસે રંગ રાખ્યો અને શનિવારની મોડી રાત સુધીમાં વારાફરતી પાંચ મહિલા મુક્કાબાજે ભારતને ગોલ્ડ મેડલ (Gold Medal) અપાવ્યા એ બાદ બે પુરુષોએ પણ ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું હતું. એ સાથે કૉમનવેલ્થમાં ભારતના ગોલ્ડ મેડલની સંખ્યા 13 ઉપર અને કુલ ચંદ્રકોની સંખ્યા 39 ઉપર પહોંચી ગઈ હતી.

સચિન સિવાચ અને અંકુશ આસાનીથી જીત્યા

ભારતના સચિન સિવાચે 60 કિલો વજનની કૅટેગરીની ફાઇનલમાં નામિબિયાના ટ્રાયાગેઇન એન્ડેવેલોને 3-2થી હરાવી દીધો હતો. સચિનના ગોલ્ડ મેડલ ઉપરાંત પુરુષ વર્ગમાં જ બીજો સુવર્ણચંદ્રક ભારતને અંકુશ પંઘાલે 80 કિલો વર્ગમાં ઇંગ્લૅન્ડના દિમેજી શિટ્ટુને 4-1થી હરાવીને અપાવ્યો હતો.
 

પાંચ ગોલ્ડન ગર્લ કોણ?

ભારતને મહિલા બૉક્સિંગમાં કુલ પાંચ ગોલ્ડ મેડલ મળ્યા અને એની વિજેતાંઓમાં પ્રીતિ પવાર, જૈસમિન લમ્બોરિયા, સાક્ષી ચૌધરી, પ્રિયા ઘંઘસ અને અરુંધતી ચૌધરીનો સમાવેશ હતો. કેન્દ્ર સરકારે તેમ જ ભારતનાં લેજન્ડ-રનર અને ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશનનાં પ્રમુખ પી. ટી. ઉષાએ સાક્ષી સહિતના તમામ બૉક્સર્સને અભિનંદન આપ્યા હતા.
 

13માંથી સાત ગોલ્ડ મેડલ બૉક્સિંગમાં મળ્યા

ભારત મેડલ-વિજેતા દેશોમાં શનિવારે છઠ્ઠા પરથી (ગયા વખતની માફક) ચોથા નંબર પર આવી ગયું હતું. રવિવારે સવારે ભારતના નામે કુલ જે 39 મેડલ હતા એમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર, નવ બ્રૉન્ઝ સામેલ હતા. 13માંથી 7 ગોલ્ડ મેડલ બૉક્સરોએ અપાવ્યા છે.