મુંબઈઃ વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'કૉકટેલ' (Cocktail) ને સિનેપ્રેમીઓ આજે પણ સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટીની મેજિકલ કેમેસ્ટ્રી માટે યાદ કરે છે. હવે બરાબર 14 વર્ષ બાદ ડિરેક્ટર હોમી અદજાનિયા તેનો સ્પિરિચ્યુઅલ સીક્વલ 'કૉકટેલ ૨' (Cocktail 2) લઈને આવ્યા છે, જે હાલમાં જ થિયેટરોમાં રિલીઝ થઈ છે. ભલે ક્રિટિક્સ અને દર્શકો તરફથી ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હોય, પરંતુ બોક્સ ઓફિસ પર આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ તોફાની કમાણી કરી રહી છે.
બીજા દિવસે કલેક્શનમાં 20.4% નો મોટો ઉછાળો
'કૉકટેલ ૨' એ ઓપનિંગ ડે પર જ જૂની ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. જ્યારે બીજા દિવસે (શનિવાર) ફિલ્મે પહેલા દિવસની સરખામણીએ 20.4% વધુ કમાણી નોંધી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને રશ્મિકા મંદાનાની સાથે ખાસ કરીને કૃતિ સેનનના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

કમાણીની વાત કરવામાં આવે તો, પહેલા દિવસે 13.50 કરોડ રૂપિયાની કમાણી, બીજા દિવસે 16.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ભારતમાં બે દિવસનું ગ્રોસ કલેક્શન ₹૩૫.૭૦ કરોડ સુધી પહોંચી ગયું છે. કુલ ઇન્ડિયા નેટ કલેક્શન 29.75 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ ફિલ્મે વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર ₹50 કરોડનો આંકડો પાર કરી દીધો છે. આ આંકડા દર્શાવે છે કે મિક્સ રિવ્યૂઝની ફિલ્મની કમાણી પર કોઈ ખાસ અસર થઈ નથી.

થિયેટર ઓક્યુપેન્સીમાં મોટો વધારો
ઓક્યુપેન્સીની વાત કરવામાં આવે તો, શનિવાર, 20 જૂનના રોજ ફિલ્મની ઓવરઓલ ઓક્યુપેન્સી 30.46% રહી હતી. સવારના શૉઝમાં જે માત્ર 13.23% હતી, તે બપોરે 31.38% અને રાત્રિના શૉઝમાં વધીને 42.46% સુધી પહોંચી ગઈ હતી. આ ટ્રેન્ડ જોતા એવું લાગી રહ્યું છે કે ફિલ્મ પોતાના પહેલા વીકેન્ડમાં જ ભારતમાં 40થી 45 કરોડ રૂપિયાનો આંકડો સરળતાથી વટાવી જશે.

150 કરોડ રૂપિયાનું બજેટ અને રસપ્રદ સ્ટોરી લાઈન
આશરે 150 કરોડ રૂપિયાના ભવ્ય બજેટ સાથે બનેલી 'કૉકટેલ 2' ની વાર્તા લંડન, કેપ ટાઉન અને સિસિલીના સુંદર લોકેશન્સ પર આધારિત એક મોર્ડન લવ-ટ્રાયેન્ગલ છે. આ ફિલ્મની કહાણી કુણાલ (શાહિદ કપૂર) અને દિયા (કૃતિ સેનન) ની છે, જેઓ કોલેજકાળથી પ્રેમમાં છે પરંતુ લગ્નને લઈને અસમંજસમાં છે. સિસિલીમાં વેકેશન દરમિયાન તેમની મુલાકાત દિયાની ફ્રેન્ડ એલી (રશ્મિકા મંદાના) સાથે થાય છે. દિયાને લાગે છે કે કુણાલ કદાચ મજબૂરીમાં તેની સાથે લગ્ન કરી રહ્યો છે, તેથી તે એલીને કુણાલની વફાદારીની પરીક્ષા લેવા માટે તેની સાથે ફ્લર્ટ કરવાનું કહે છે. આ પછી વાર્તામાં જે વળાંક આવે છે તે દર્શકોને જકડી રાખે છે.