નવી દિલ્હીઃ ગત મે મહિનામાં પાવર ક્ષેત્રની કોલસાની માગ વિક્રમ સપાટીએ રહી હોવા છતાં કોલસાનું ખનન કરતી જાહેર ક્ષેત્રની કંપની કૉલ ઈન્ડિયા લિ.નું ગત મે મહિનામાં કોલસાનું ઉત્પાદન આગલા મે, 2025નાં 6.35 કરોડ ટન સામે 11.6 ટકાના ઘટાડા સાથે 5.61 કરોડ ટનની સપાટીએ રહ્યું હોવાનું કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે દેશમાં કોલસાના કુલ ઉત્પાદનમાં કૉલ ઈન્ડિયા લિ. 80 ટકા હિસ્સો ધરાવે છે. જોકે, કંપનીએ યાદીમાં ઉત્પાદનમાં ઘટાડા અંગેના કારણની કોઈ સ્પષ્ટતા નહોતી કરી. વધુમાં કંપનીની સબસિડિયરીઝ જેના ઉત્પાદનમાં ઘટાડો થયો તેમાં મહાનદી કૉલફિલ્ડ્સ લિ., વેસ્ટર્ન કૉલફિલ્ડ્સ લિ., ભારત કોકિંગ કૉલ લિ. અને ઈસ્ટર્ન કૉલફિલ્ડ્સ લિ.નો સમાવેશ થાય છે, જ્યારે સાઉથ ઈસ્ટર્ન કૉલફિલ્ડ્સ લિ.નાં ઉત્પાદનમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી હોવાનું કંપનીએ યાદીમાં ઉમેર્યું હતું.
કંપનીના જણાવ્યાનુસાર વર્તમાન નાણાકીય વર્ષ 2026-27માં ગત એપ્રિલ અને મે મહિનાનું કુલ ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 12.56 કરોડ ટન સામે 10.6 ટકા ઘટીને 11.22 કરોડ ટનની સપાટીએ રહ્યું હતું. ઉદ્યોગના વિશ્લેષકોએ કહ્યું હતું કે જે સમયે ઈલેક્ટ્રિસિટીની માગ વધુ હોય તે સમયગાળામાં જ કોલસાના ઉત્પાદનમાં ઘટાડો થવાથી પાવર ક્ષેત્રમાં કોલસાનો સ્ટોક દબાણ હેઠળ આવતો હોય છે અને સ્થાનિક પુરવઠાની ચિંતા સપાટી પર આવે છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે પાવરની વિક્રમ માગ, કોલસાના ઉત્પાદનમાં ઘટાડો અને પશ્ચિમ એશિયાની ભૂરાજકીય કટોકટી આગામી થોડા સપ્તાહ સુધી દેશની ઈંધણની સુરક્ષા નિર્ણાયક બનાવી શકે છે.
જોકે, ગત મે મહિનામાં કોલસાની રવાનગી અથવા તો વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે 2.2 ટકા વધીને 6.67 કરોડ ટનની સપાટીએ રહ્યું હતું. તેમ જ ગત એપ્રિલ અને મે મહિનાનું કુલ વેચાણ પણ 0.9 ટકા વધીને 13.09 કરોડ ટન (12.98 કરોડ ટન)ની સપાટીએ રહ્યું હતું. પાવર મંત્રાલયે આ વર્ષે ઉનાળામાં પીક પાવર માગ વધીને 270 ગિગા વૉટની સપાટીએ પહોંચવાનો અંદાજ મૂક્યો છે.
ગત નાણાકીય વર્ષ 2026માં કૉલ ઈન્ડિયાનું કોલસાનું ઉત્પાદન આગલા નાણાકીય વર્ષ 2025નાં 78.1 કરોડ ટન સામે 1.7 ટકા ઘટીને 76.81 કરોડ ટનની સપાટીએ અને રવાનગી પણ 2.4 ટકાના ઘટાડા સાથે 74.48 કરોડ ટન (76.3 કરોડ ટન)ની સપાટીએ રહી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કૉલ ઈન્ડિયા લિ. દેશનાં પાવર ક્ષેત્રની કોલસાની મુખ્ય પુરવઠાકાર કંપની છે. જે ખાસ કરીને થર્મલ પાવર એકમોને કોલસાનો સ્ટોક પૂરો પાડે છે. દેશમાં હજુ 70 ટકા ઊર્જા ઉત્પાદન કોલસા આધારિત થતું હોવાથી કેન્દ્રની એનર્જી સલામતી માટે કોલસાની ભૂમિકા અત્યંત મહત્ત્વની હોય છે.