Sun Sep 06 2026

Logo

રાજકોટમાં હોલિકા દહન સમયે નજીવી બાબતે બે સમુદાયો સામસામે; પોલીસે મામલો થાળે પાડ્યો

2026-03-03 14:53:56
Author: Devayat Khatana
રાજકોટમાં હોલિકા દહન સમયે નજીવી બાબતે બે સમુદાયો સામસામે; પોલીસે મામલો થાળે પાડ્યો

રાજકોટ: શહેરના ભગવતીપરા વિસ્તારમાં હોલિકા દહન દરમિયાન બે સમુદાયો વચ્ચે ઘર્ષણ થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના ભગવતીપરાના ત્રિશુલ ચોક પાસે બની હતી, જ્યાં હોલિકા દહનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ જ સમયે ત્યાંથી અન્ય સમુદાયના લોકો પસાર થઈ રહ્યા હતા, પરંતુ રસ્તો સાંકડો હોવાથી અને નીકળવાની પૂરતી જગ્યા ન મળતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને સમુદાયના લોકો સામસામે આવી જતાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતા જ રાજકોટ પોલીસનો મોટો કાફલો સ્થળ પર ઉમટી પડ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત SOG, ક્રાઇમ બ્રાંચ અને DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ત્રિશુલ ચોક પહોંચી ગયા હતા. પોલીસની કડક કાર્યવાહીને પગલે મામલો થાળે પડ્યો હતો અને હાલ શાંતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં ત્રણ શખ્સોની અટકાયત કરી છે અને આગળની તપાસ તેજ કરી છે.

ઝોન 1ના dcp હેતલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભગવતીપરા સાંકડો વિસ્તાર હોય અને અહી હોળી દહનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તે દરમિયાન અહીથી અન્ય ધર્મના લોકો વાહન લઈનેપસાર થઈ રહ્યા હતા. તેમણે ચાલવા માટે જગ્યા માંગી હતી અને આ મામલે બોલાચાલી થઈ હતી. પરંતુ પોલીસે તાત્કાલિક પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. આ મામલે કાર્યવાહી કરતાં પોલીસે 3 લોકોની અટકાયત કરી છે અને હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.