Thu Jul 09 2026

Logo

દિલ્હીમાં વિશ્વ હિંદુ પરિષદની બેઠકમાં થશે ચંપત રાયના ભવિષ્યનો ફેંસલો

2026-07-08 22:44:56
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન 19 અને 20 જુલાઈના રોજ વિશ્વ હિંદુ પરિષદની કેન્દ્રીય વ્યવસ્થાપન સમિતિની બેઠક દિલ્હીમાં યોજાવાની છે. જેમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વહીવટી માળખા, સંગઠનાત્મક ફેરફારો અને નવા મહાસચિવની પસંદગી સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

150 પ્રતિનિધિઓ  બેઠકમાં હાજરી આપશે

આ અંગે મળતી માહિતી મુજબ વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય સમિતિની બેઠક  25 થી 29 જૂન દરમિયાન અયોધ્યામાં યોજાવાની હતી. પરંતુ તેને હવે દિલ્હી ખસેડીને 19-20 જુલાઈના રોજ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ વખતે પ્રતિનિધિઓની સંખ્યા પણ મર્યાદિત કરવામાં આવી છે. જ્યારે પ્રારંભિક યોજનામાં દરેક પ્રાંતમાંથી ચાર પ્રતિનિધિઓને આમંત્રિત કરવાની હતી. પરંતુ હવે ફક્ત બેને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. પરિણામે ફક્ત 150 પ્રતિનિધિઓ જ બેઠકમાં હાજરી આપશે.

કૃષ્ણ મોહન રાવને વચગાળા મહાસચિવ તરીકે નિયુક્ત કરાયા 

રામ મંદિરમાં દાન ચોરી બાદ ટ્રસ્ટના મહાસચિવ પદેથી ચંપત રાયે રાજીનામું આપ્યું છે. તેની બાદ કૃષ્ણ મોહન રાવને વચગાળા મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

મહાસચિવ તરીકે બજરંગ લાલ બાંગરાનું નામ ચર્ચામાં

તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાસચિવના સંભવિત દાવેદારોમાં વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહાસચિવ બજરંગ લાલ બાંગરાનું નામ ચર્ચામાં છે. જોકે, સંબંધિત બેઠક અને ટ્રસ્ટની ઔપચારિક પ્રક્રિયાઓ પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.