મુંબઈ : દેશની બેંકો સાથે 27,000 કરોડ રૂપિયાની છેતરપીંડી કેસમાં સીબીઆઈએ અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ પર મોટી કાર્યવાહી કરી છે. જેમાં સીબીઆઇએ રિલાયન્સ એડીએ ગ્રુપની કંપનીઓ અને ડિરેક્ટરોના મુંબઇના 17 સ્થળો પર દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી.
સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
આ અંગે સીબીઆઈના પ્રવક્તાના જણાવ્યા અનુસાર રિલાયન્સ ટેલિકોમ લિમિટેડ, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ અને રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ અને તેમના ડિરેક્ટરો સામે નોંધાયેલા ત્રણ અલગ-અલગ કેસ હેઠળ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
અદાલતમાંથી સર્ચ વોરંટ મેળવ્યા બાદ કાર્યવાહી
જેમાં સીબીઆઈએ આ કંપનીઓના ડિરેક્ટરોના રહેણાંક પરિસરમાં દરોડા પાડ્યા હતા.જેમાં મધ્યસ્થી કંપનીઓના કાર્યાલયો અને તેમના ખાતાઓનો ઉપયોગ બેંક ભંડોળને અન્યત્ર ટ્રાન્સફર કરવા માટે કરાયો હતો. જેની પણ તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈની એક ખાસ અદાલતમાંથી સર્ચ વોરંટ મેળવ્યા બાદ શુક્રવારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.
મધ્યસ્થી કંપનીઓ એક જ સરનામા પરથી કાર્યરત
આ સમગ્ર કૌભાંડમાં જાહેર ક્ષેત્રની બેંકો અને એલઆઇસીએ સામૂહિક રીતે આશરે રૂપિયા 27,337 કરોડનું મોટું નુકસાન સહન કર્યું છે. આ તપાસમાં એ પણ ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે ભંડોળને ડાયવર્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતી ઘણી મધ્યસ્થી કંપનીઓ એક જ સરનામા પરથી કાર્યરત હતી.