Thu Sep 03 2026

Logo

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ POCSO હેઠળ ગુનો દાખલ, સગીરોના શોષણનો આરોપ!

2026-02-22 12:42:00
Author: Devayat Khatana
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ POCSO હેઠળ ગુનો દાખલ, સગીરોના શોષણનો આરોપ!

લખનઉ: અલ્હાબાદની વિશેષ અદાલતના આદેશ બાદ ઉત્તર પ્રદેશ પોલીસે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ અત્યંત ગંભીર કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટના આદેશના ગણતરીના કલાકોમાં જ પોલીસ સ્ટેશનમાં શંકરાચાર્ય અને તેમના શિષ્ય મુકુંદાનંદ બ્રહ્મચારી સહિત અન્ય ત્રણ અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ફરિયાદમાં સગીર બાળકોના યૌન શોષણ અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ખળભળાટ મચાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે.

ઘટનાની વિગતો મુજબ, જગદગુરુ રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ આ મામલે કોર્ટમાં અરજી કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે માઘ મેળા દરમિયાન તેમના શિબિરમાં આવેલા બે સગીર છોકરાઓએ પોતાની આપવીતી જણાવી હતી. આ છોકરાઓએ પોતાને અવિમુક્તેશ્વરાનંદના શિષ્ય ગણાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે મહાકુંભ ૨૦૨૫ અને માઘ મેળો ૨૦૨૬ દરમિયાન તેમની સાથે અનેકવાર બળજબરીપૂર્વક યૌન શોષણ કરવામાં આવ્યું હતું. પીડિતોના જણાવ્યા અનુસાર, જ્યારે પણ તેઓએ આ કૃત્યનો વિરોધ કર્યો ત્યારે તેમને ડરાવી-ધમકાવીને ચૂપ કરી દેવામાં આવતા હતા.

આ ગંભીર મામલે આશુતોષ બ્રહ્મચારીએ અગાઉ ૨૪ જાન્યુઆરીએ પોલીસ સ્ટેશનમાં અને ત્યારબાદ પોલીસ કમિશનર તેમજ માઘ મેળાના પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી હતી. જોકે, લાંબા સમય સુધી પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા અંતે તેમણે ન્યાયતંત્રના દ્વાર ખટખટાવ્યા હતા. શનિવારે વિશેષ અદાલતે તમામ પુરાવાઓ અને સગીરોના નિવેદનોને ધ્યાને લઈ શંકરાચાર્ય અને તેમના સાથીઓ વિરુદ્ધ તાત્કાલિક ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો.