Thu Jun 18 2026

Logo

પાંચ બૉલમાં પાંચ વિકેટઃ ન્યૂ ઝીલૅન્ડના આ બોલરે રચ્યો ઇતિહાસ..

Hamilton   2026-03-08 16:36:33
Author: Ajay Motiwala
Article Image

X


હૅમિલ્ટનઃ ન્યૂ ઝીલૅન્ડ નામ વાંચીને તમે જરૂર ચોંકી ગયા હશો! રવિવારે અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપની બહુચર્ચિત ફાઇનલની ભારતની હરીફ ટીમ ન્યૂ ઝીલૅન્ડનું નામ આવે એટલે સ્વાભાવિક છે કે ભવાં ઊંચા જ થઈ જાય, પરંતુ આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ ન્યૂ ઝીલૅન્ડની વર્લ્ડ કપ ટીમના કોઈ ખેલાડીની નહીં, પણ તેના જ દેશના બ્રેટ રૅન્ડલ (Brett Randall) નામના ફાસ્ટ બોલરની છે જેણે અનેરી સિદ્ધિ હાંસલ કરી છે.

ન્યૂ ઝીલૅન્ડની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ (Central Districts) નામની ટીમના આ બોલરે નવો ઇતિહાસ રચ્યો છે. વિવિધ દેશોની પ્રથમ કક્ષાની ક્રિકેટના ઇતિહાસમાં ક્યારેય કોઈ બોલરે આજ સુધી સતત પાંચ બૉલમાં પાંચ વિકેટ નહોતી લીધી, પરંતુ 30 વર્ષના રાઇટ-આર્મ ફાસ્ટ બોલર બે્રટ ગે્રહામ રૅન્ડલે એ ઉપલબ્ધિ મેળવી છે. ન્યૂ ઝીલૅન્ડની વિવિધ સ્થાનિક ટીમો વતી રમી ચૂકેલા રૅન્ડલે રવિવારે પ્લન્કેટ શીલ્ડ ટૂર્નામેન્ટની નૅપિયરમાં નૉર્ધર્ન ડિસ્ટ્રિક્ટ્સ સામે રમાયેલી મૅચમાં પાંચ બૉલમાં પાંચ વિકેટ લીધી હતી અને આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પહેલો જ બોલર બન્યો છે. એકંદરે તે આઠ બૉલમાં છ વિકેટ લેનાર પણ પ્રથમ બોલર બની ગયો છે.

ચાર દિવસીય મૅચના પ્રથમ દાવમાં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ 373 રન પર ઑલઆઉટ થયા બાદ બીજા દિવસે નૉર્ધર્ન ડિસ્ટ્રિક્ટ્સનો દાવ હજી તો શરૂ થયો હતો ત્યાં રૅન્ડલે એ ટીમની છાવણીમાં ઊથલપાથલ મચાવી દીધી હતી. ચાર રન પર એક પણ વિકેટ નહોતી પડી, પરંતુ એ જ સ્કોર પર ધબડકો શરૂ થઈ ગયો હતો અને 0/4ના સ્કોર બાદ 5/9નો સ્કોર જોવા મળ્યો હતો.

ગુજરાતી કૅપ્ટનની ટીમમાં પડ્યા ગાબડાં

રૅન્ડલે પોતાની બીજી ઓવરના અંતિમ બૉલમાં ઓપનર હેન્રી કૂપર (એક રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. ત્યાર પછીની ઓવરમાં પાંચ રન બન્યા હતા અને ફરી રૅન્ડલની ઓવર શરૂ થઈ ત્યારે સ્કોર એક વિકેટે નવ રન હતો. ખરો ખેલ તો હવે શરૂ થયો હતો. રૅન્ડલે એ નવી ઓવરના પહેલા ચારેય બૉલમાં વિકેટ લીધી હતી. નૉર્ધર્ન ડિસ્ટ્રિક્ટ્સનો ગુજરાતી કૅપ્ટન જીત રાવલ (છ રન) પણ ક્લીન બોલ્ડ થયો હતો. રૅન્ડલની નવી ઓવરના પ્રથમ બૉલમાં તેની એ બીજી વિકેટ હતી. બીજા બૉલમાં જૉ કાર્ટર (0) કૅચઆઉટ થયો હતો. એ રૅન્ડલની ત્રીજી વિકેટ હતી અને તેણે હૅટ-ટ્રિક નોંધાવી હતી. ત્રીજા બૉલમાં રોબર્ટ ઑડોનેલ (0) કૅચઆઉટ થયો હતો અને રૅન્ડલની એ ચોથી વિકેટ હતી. રોબર્ટ પૅવિલિયનમાં જઈને માંડ સેટ થયો ત્યાં તો તેનો સાથી ખેલાડી ક્રિસ્ટિયન ક્લાર્ક (0) ક્લીન બોલ્ડ થઈને પાછો આવી ગયો હતો. આમ, રૅન્ડલે પાંચ બૉલમાં પાંચ બૅટ્સમેનને પૅવિલિયન ભેગા કરીને વિશ્વવિક્રમ રચ્યો હતો.

પચીસ રનમાં લીધી કુલ સાત વિકેટ

નૉર્ધર્ન ડ્રિસ્ટ્રિક્ટ્સની ટીમમાં હતાશાની કોઈ સીમા નહોતી. એ ટીમ તરફી પ્રેક્ષકોમાં સન્નાટો છવાઈ ગયો હતો અને સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ તરફ પ્રેક્ષકોના દિલોદિમાગમાં આનંદ અને રોમાંચ સમાતા નહોતા. રૅન્ડલ 3.5 ઓવરમાં પચીસ રનમાં સાત વિકેટ લઈ ચૂક્યો હતો. ન્યૂ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ક્રિસ પ્રિન્ગલના પુત્ર ટિમ પ્રિન્ગલના અણનમ 36 રન ટીમમાં હાઇએસ્ટ હતા. ભારતીય મૂળના બૅટ્સમૅન ભરત પોપ્લીએ 109 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહીને 64 બૉલમાં 17 રન કર્યા હતા જે ટીમમાં સેક્નડ-હાઇએસ્ટ હતા. જોકે આખી ટીમ 82 રનમાં આઉટ થઈ જતાં ફૉલો-ઑન થઈ હતી અને બીજા દાવમાં એણે પાંચ વિકેટે 162 રન કર્યા હતા. એ બીજા દાવમાં રૅન્ડલને છ ઓવરમાં એકેય વિકેટ નહોતી મળી.