Fri May 01 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 25 Feb 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-02-25 07:36:21
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2026-02-25 21:46:38

શ્રીલંકા મોટી મુશ્કેલીમાં, 169 રનના લક્ષ્યાંક સામે 29 રનમાં ગુમાવી ચાર વિકેટ

વર્લ્ડ કપની સુપર-એઇટ મૅચમાં ખુદ ન્યૂ ઝીલૅન્ડ મુશ્કેલીમાં મૂકાયા બાદ શ્રીલંકાને 169 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપવામાં સફળ થયું ત્યાર બાદ શ્રીલંકાએ ધબડકા સાથે શરૂઆત કરી હતી. દાસુન શનાકાની ટીમે પહેલા છ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી અને 27મા રને ત્રીજી તથા 29મા રને ચોથી વિકેટ ગુમાવી હતી. 8.2 ઓવરમાં સ્કોર 4/29 હતો. બે વિકેટ મૅટ હેન્રીએ અને બે વિકેટ રચિન રવીન્દ્રએ લીધી હતી. કામિન્ડુ મેન્ડિસ અને શનાકા દાવમાં હતા. કિવીઓની ટીમે કુલ છ બોલરના આક્રમણથી શ્રીલંકાને મુસીબતમાં મૂકી દીધું છે. શ્રીલંકા આ મૅચ હારી જતાં સેમિ ફાઇનલની રેસની બહાર થઈ જશે.

2026-02-25 21:09:52

ડિજિટલ એરેસ્ટ કેસમાં સીબીઆઈની મોટી કાર્યવાહી, 6 રાજ્યમાં દરોડા, ત્રણ લોકોની ધરપકડ

સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ કેન્દ્ર સરકાર ડિજિટલ એરેસ્ટના કેસમાં સક્રિય થઈ  છે. આ અંગે સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ  રૂપિયા 1.86 કરોડના ડિજિટલ એરેસ્ટ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. સીબીઆઈને 6 રાજ્યના દરોડા પાડીને  આ કેસમાં આંતરરાષ્ટ્રીય કનેક્શનનો પણ પર્દાફાશ કર્યો છે.

2026-02-25 21:02:09

ન્યૂ ઝીલૅન્ડને સૅન્ટનર-મૅકૉન્કીની 84 રનની ભાગીદારીએ બચાવ્યું

શ્રીલંકા સામે વર્લ્ડ કપના સુપર-એઇટની કોલંબોની મૅચમાં ન્યૂ ઝીલૅન્ડનો દાવ 7/168ના સ્કોર પર પૂરો થયો છે અને યજમાન ટીમને 169 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો છે. કિવીઓએ બૅટિંગ મળ્યા બાદ ખરાબ શરૂઆત કરી હતી અને સમયાંતરે વિકેટ ગુમાવી હતી. 84 રનના કુલ સ્કોર પર ત્રણ વિકેટ પડી હતી. 84મા રને દાવની છઠ્ઠી વિકેટ પડ્યા બાદ કૅપ્ટન મિચલ સૅન્ટનર (47 રન, 26 બૉલ, ચાર સિક્સર, બે ફોર) અને કોલ મૅકૉન્કી (31 અણનમ, 23 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) વચ્ચે સાતમી વિકેટ માટે 84 રનની યાદગાર ભાગીદારી થઈ હતી. શ્રીલંકાના માહીશ થીકશાના અને દુષ્મંથા ચમીરાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

2026-02-25 20:02:58

ન્યૂ ઝીલૅન્ડે 75 રનમાં ત્રણ વિકેટ ગુમાવી

કોલંબોમાં યજમાન શ્રીલંકા સામે ન્યૂ ઝીલૅન્ડે પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 34 રનમાં પહેલી બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ પછીથી વન-ડાઉન બૅટ્સમૅન રચિન રવીન્દ્ર (26 નૉટઆઉટ)એ ટીમને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને ગ્લેન ફિલિપ્સ (18 રન)નો સાથ બહુ લાંબા સમય સુધી નહોતો મળ્યો. ઓપનર ફિન ઍલન (23 રન)ની પ્રથમ વિકેટ 30મા રને અને ટિમ સિફર્ટ (આઠ રન)ની બીજી વિકેટ 34મા રને પડી હતી. 10 ઓવરને અંતે ન્યૂ ઝીલૅન્ડનો સ્કોર ત્રણ વિકેટે 75 રન હતો. બન્ને વિકેટ ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરાએ લીધી હતી. શ્રીલંકાની ફીલ્ડિંગને વખાણવામાં આવી રહી છે.

2026-02-25 19:25:46

કોંગ્રેસના પીએમ કોમ્પ્રોમાઈઝડ અભિયાન પર ભાજપનો પલટવાર, કહ્યું કોંગ્રેસ પોતે જ સમાધાન કરનારી પાર્ટી

કોંગ્રેસ દ્વારા પીએમ મોદી વિરુદ્ધ શરુ કરવામાં આવેલા પીએમ કોમ્પ્રોમાઈઝડ અભિયાન પર પલટવાર કર્યો છે. આ અંગે ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કોંગ્રેસ પોતે એક સમાધાન કરનારી પાર્ટી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જાહેરમાં ઉપલબ્ધ તથ્યો દર્શાવે છે કે જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીના યુગ દરમિયાન વિદેશ નીતિ સાથે સમાધાન કરવામાં આવ્યું હતું.

2026-02-25 19:07:51

ઈરાનમાં અલી ખામેનીના નિવાસ્થાન નજીક ભીષણ જંગનો દાવો

ઈરાનમાં મુઝાહિદ્દીન-એ-ખલ્ફ ઈરાનની સરકારના વિરોધ કરનારું કટ્ટર સંગઠન છે. આ સંગઠને દાવો કર્યો છે કે તેના લડવૈયાઓએ ઈરાનના સુપ્રીમ અલી ખામેનીના નિવાસસ્થાન નજીક સૌથી મોટું ઓપરેશન હાત ધર્યું હતું, જેમાં ઈરાનના અનેક કમાન્ડર માર્યા ગયા છે, પરંતુ સંગઠનના 100 જેટલા લડવૈયા પણ માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે.

2026-02-25 19:02:50

ન્યૂ ઝીલૅન્ડ સામે શ્રીલંકાએ ફીલ્ડિંગ પસંદ કરી

કોલંબોમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ટી-20 વર્લ્ડ કપની સુપર-એઇટ મૅચમાં યજમાન શ્રીલંકાના કૅપ્ટન દાસુન શનાકાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે. શ્રીલંકાએ કામિલ મિશારાના સ્થાને ચરિથ અસલન્કાને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવ્યો છે, જ્યારે કિવીઓએ જેમ્સ નીશૅમની જગ્યાએ કોલ મૅક્કૉન્કીને રમાડવાનું નક્કી કર્યું છે. ગ્રૂપ-2માંથી ઇંગ્લૅન્ડ સેમિ ફાઇનલમાં પહોંચી ગયું છે એટલે હવે સેમિના બીજા સ્થાન માટે શ્રીલંકા, ન્યૂ ઝીલૅન્ડ તથા પાકિસ્તાન વચ્ચે તીવ્ર હરીફાઈ છે.

2026-02-25 18:06:16

અફઘાનિસ્તાનમાં ભૂકંપ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે આજે અફઘાનિસ્તાન અને તઝાકિસ્તાન સરહદી વિસ્તારમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો. 5.4 રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપના આચંકાને કારણે સમગ્ર વિસ્તારમાં હિલચાલ વધી છે. રિસર્ચ સેન્ટરના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ 90.2 કિલોમીટરની ઊંડાણમાં નોંધ્યું છે.

2026-02-25 17:54:44

પીએમ મોદી માટે નેતન્યાહુએ લખ્યું વેલકમ ટૂ ઈઝરાયલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયલની મુલાકાતે પહોંચ્યા છે, ત્યારે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સોશિયલ મીડિયા લખ્યું વેલકમ ટૂ ઈઝરાયલ માય ડિયર ફ્રેન્ડ પીએમ નરેન્દ્ર મોદી. ભારત ઈઝરાયલ ઈનોવેશન, સુરક્ષા અને એક સહિયારી વ્યૂહાત્મક દૃષ્ટિણકોણમાં ભાગીદાર છે. મોદીની વિઝિટથી બંને દેશો વચ્ચે સંરક્ષણ, ટેકનોલોજી ક્ષેત્રે સહયોગમાં વધારો થશે.

2026-02-25 17:51:00

પીએમ મોદીના ઇઝરાયલના પ્રવાસ પૂર્વે નેતન્યાહૂના એક નિવેદનથી ઇસ્લામિક દેશોના મીડિયામાં ચર્ચા

ભારતના વડાપ્ર્ધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલ સાથે આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ સાથે ઈઝરાયલની રાજધાની તેલ અવીવ પહોંચ્યા છે. જોકે, પીએમ મોદીના ઇઝરાયલ પહોંચતા પૂર્વે  ઇઝરાયલી વડાપ્રધાન  નેતન્યાહૂના એક નિવેદનથી  ઇસ્લામિક દેશોના મીડિયામાં ભારે ચર્ચા શરુ થઈ છે.

2026-02-25 16:59:17

પીએમ મોદી ઇઝરાયલ પહોંચ્યા, ફ્લાઇટ રડાર પર સૌથી વધુ સર્ચ થયું એર ઇન્ડિયા વન

પીએમ મોદી બે દિવસના પ્રવાસે ભારત સરકારના ખાસ વિમાન 'એર ઇન્ડિયા વનમાં ઇઝરાયલ પહોંચ્યા છે. તેમજ  ફ્લાઈટ રડારના  ડેટા અનુસાર આજે એર ઇન્ડિયા વનની ગતિવિધીઓ સૌથી વધારે ટ્રેક કરવામાં આવી છે.

2026-02-25 16:23:31

ઇસરોના  PSLV રોકેટ મિશનની નિષ્ફળતા અંગે તપાસ શરુ, નિવૃત્ત  વૈજ્ઞાનિકોની  ટીમ બનાવાઈ

ઈસરોના PSLV રોકેટ મિશનની નિષ્ફળતા અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. આની તપાસ માટે ઈસરોના નિવૃત્ત  વૈજ્ઞાનિકોની એક ટીમ બનાવવામાં આવી છે. જે આ મિશનની  નિષ્ફળતા અંગેના કારણોની વિગતવાર તપાસ કરશે. જેમાં વર્ષ 2026માં જાન્યુઆરી માસમાં  ઇસરો દ્વારા લોન્ચ કરાયેલ PSLV-C62 રોકેટ એક મોટી ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ ગયું હતું. આ પૂર્વે મે 2025માં પણ  PSLV-C61 ને પણ નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો.

2026-02-25 15:27:21

દિલ્હીના અંડર વર્લ્ડમાં નવા ગેંગસ્ટરોની એન્ટ્રી, લોરેન્સ બિશ્નોઈ ગેંગના વકીલ પર જીવલેણ હુમલો

દિલ્હીના અંડર વર્લ્ડમાં નવા ગેંગસ્ટરોની એન્ટ્રી થઈ છે. જેમાં મંગળવાર રાત્રે લોરેન્સ બિશ્નોઈ ગેંગના વકીલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી નવા ગેંગસ્ટર રાહુલ ફત્તેહપુર અને નવીન બોક્સરે લીધી છે.

2026-02-25 14:41:35

ઈઝરાયલમાં અમેરિકાએ રેપ્ટર જેટ તહેનાત કર્યાં

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયલની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે અમેરિકાએ પહેલી વખત 11 F22 રેપ્ટર જેટ ઈઝરાયલમાં તહેનાત કર્યા છે. ઇરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકાએ સૌથી મોટો લશ્કરી કાફલો તહેનાત કર્યો છે.

2026-02-25 12:24:38

એપ્સટિન સાથેના સંબંધો પર બિલ ગેટ્સે આપ્યું મોટું નિવેદન

બિલ ગેટ્સે જેફરી એપ્સટિન સાથેના તેમના સંબંધો સ્પષ્ટ કર્યા છે. ગેટ્સ ફાઉન્ડેશન ટાઉન હોલમાં કર્મચારીઓને સંબોધતા તેમણે સ્વીકાર્યું કે એપ્સટિનને મળવું એ મોટી ભૂલ” હતી. ફાઉન્ડેશનના પ્રવક્તાએ આ માહિતી શેર કરી હતી. અમેરિકન અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલ ના અહેવાલ મુજબ, ગેટ્સે કર્મચારીઓને કહ્યું કે એપ્સટિન સાથે સમય વિતાવવો અને તે બેઠકોમાં ફાઉન્ડેશનના અધિકારીઓનો સમાવેશ કરવો એ ખોટો નિર્ણય હતો. ગેટ્સે કહ્યું, મારી ભૂલને કારણે જેમને આમાં ખેંચવામાં આવ્યા હતા તેમની હું માફી માંગુ છું.

2026-02-25 12:23:51

ભારત-ઈઝરાયેલ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે વાટાઘાટો શરૂ

ભારત અને ઈઝરાયેલ વચ્ચે વ્યાપારી સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે 'ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ' (FTA) પર ચર્ચાનો પ્રથમ રાઉન્ડ નવી દિલ્હીમાં શરૂ થયો છે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 23 થી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ બેઠકમાં બંને દેશોના ટેકનિકલ નિષ્ણાતો વિવિધ સત્રોમાં ભાગ લઈ રહ્યા છે. આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય પરસ્પર વેપારમાં આયાત શુલ્ક ઘટાડવાનો અને રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. ઉલ્લેખનીય છે કે, ગત નવેમ્બરમાં આ કરાર માટેના નિયમો પર હસ્તાક્ષર થયા બાદ હવે ઔપચારિક મંત્રણા તેજ બની છે, જેનાથી સેવા અને કૃષિ ક્ષેત્રે નવી તકો ઉભી થશે.

2026-02-25 10:21:39

સુરતમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના

સુરત શહેરમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના બની છે.  વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગનસ બિલ્ડીંગમાં ચાર લોકોએ ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ત્રણ લોકોનાં મોત થયા છે અને એક વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

2026-02-25 10:20:25

રાજ્યભરમાં આજથી 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની વિશેષ ઝૂંબેશ

રાજ્યભરમાં વધતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને આજથી 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન દરમિયાન ડ્રન્ક એન્ડ ડ્રાઈવ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને કાળા કાચ જેવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત ગેરકાયદે પાર્કિંગ, ગેરકાયદે LED લાઈટ લગાવનાર અને નંબર પ્લેટ વગરના વાહનો સામે પણ દંડાત્મક પગલાં લેવામાં આવશે.

2026-02-25 10:01:03

IDFC ફર્સ્ટ બેંક કૌભાંડમાં મોટી કાર્યવાહી

IDFC ફર્સ્ટ બેંક કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. માસ્ટ માઈન્ડ રિભવ ઋષિ સહિત 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

2026-02-25 08:31:43

અમેરિકાનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધનમાં પોતાની સરકારની સિદ્ધિઓના ગુણગાન ગાયા હતા. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકાની આઝાદીને 250 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને દુનિયામાં અમેરિકા જેવો બીજો કોઈ દેશ નથી અને આપણે સતત પોતાની જાતને શ્રેષ્ઠ બનાવી રહ્યા છીએ. આ અમેરિકાનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે.

2026-02-25 08:19:52

ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર

માવઠાની આગાહી વચ્ચે ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારે 30 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. રાજકોટ 37.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. સુરતમાં 37.6 ડિગ્રી, અમદાવાદમાં 35.6 ડિગ્રી, અમરેલીમાં 35.9 ડિગ્રી, વડોદરામાં 34.6 ડિગ્રી, કંડલામાં 36.5 ડિગ્રી, ગાંધીનગરમાં 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.