સિદ્ધાર્થ છાયા
ફરી પાછી આજે ‘ધુરંધર’ની વાત સાથે શરૂઆત કરવાની છે. બન્યું એવું છે કે હાલમાં એક માતબર દૈનિકે પોતાનો ફિલ્મ એવોર્ડસ સમારંભ આયોજિત કર્યો. આ કાર્યક્રમનું હોસ્ટિંગ જાણીતાં સ્ટેન્ડ અપ કોમેડિયન ઝાકીર ખાન અને આલિયા ભટ્ટે કર્યું હતું.
ઝાકીર ખાને અહીં પોતાની સ્ટેન્ડ અપ કોમેડી કરતાં કશુંક એવું કહી દીધું કે બોલિવૂડ આખું સમસમી ગયું છે. ઝાકીરની વાતનો સાર એ છે કે, ભલે ફિલ્મ સ્ટાર્સ પોતાને ‘ધુરંધર’ ખૂબ ગમી, પણ એ બધાં આ ફિલ્મની ધમાકેદાર સફળતાથી ઈર્ષાની આગમાં સળગે છે! ઝાકીર જો અહીં અટકી ગયો હોત તો વાંધો ન હતો, પણ પછી તેણે ઉમેર્યું કે ‘ધુરંધર’થી બાંદ્રાથી જુહુ સુધીનો વિસ્તાર ઈર્ષામાં સળગી રહ્યો છે.
આપણને ખબર છે કે મુંબઈનાં આ બંને વિસ્તારમાં મહત્તમ ફિલ્મ કલાકારો નિવાસ કરે છે... પત્યું! આનો અર્થ એ થયો કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી આખી ઈર્ષાથી બળી ઉઠી છે ! એમાં પણ ‘ધુરંધર’ની સફળતાથી જેને સહુથી વધુ અસુરક્ષાનો અનુભવ થઇ રહ્યો છે એવા શાહરૂખ ખાનની ઈકોસિસ્ટમ (એટલે કે કિંગ ખાનના લાગતા-વળગતા!) આખી મેદાનમાં આવી ગઈ. આમાં પહેલ કરી સિદ્ધાર્થ આનંદે. સિદ્ધાર્થ આનંદ જ શાહરૂખની અગામી ફિલ્મ ‘કિંગ’નું ડાયરેકશન કરી રહ્યા છે અને સિદ્ધાર્થ આનંદે જ ‘ધુરંધરે’ જેનો રેકોર્ડ તોડ્યો હતો એ ‘પઠાન’નું ડાયરેકશન કર્યું હતું.
તેમણે ઝાકીરનું નામ લીધાં વગર ટ્વીટ કરી કે આ બે એરિયાની વચ્ચે રહેતાં કલાકારોએ જ છેલ્લાં પચાસ વર્ષમાં બોલિવૂડની સહુથી વધુ ઓલ ટાઈમ સુપરહીટ ફિલ્મો આપી છે. જો તમને આ હકીકતની ખબર ન હોય તો તમે મહા મૂર્ખ છો...!
ભાઈજાન ફરીથી રાજસ્થાનમાં ફસાયા
રાજસ્થાન અને સલમાન ખાનની કુંડળી મેચ કરવાની તાતી જરૂર લાગે છે. વર્ષોથી કાળિયારનો શિકાર કરવાને મામલે સલમાનને રાજસ્થાનની વારંવાર યાત્રા કરવી પડે છે. હવે એક અન્ય મામલે રાજસ્થાનનાં એક બીજાં શહેરમાં તેના પર કેસ થયો છે.
વાત છે ‘પાન મસાલા’ની એડની, પરંતુ આ એડ સરોગેટ એડ છે અને તેને કારણે સલમાન ફસાયો છે.
આપણે ત્યાં પાન મસાલા અને શરાબની સરોગેટ એડની નવાઇ નથી. મૂળ પ્રોડક્ટને બદલે બીજું વેચવાનું પણ નામ એનું એ, જેને ‘સરોગેટ એડ’ કહેવામાં આવે છે. આવી જ એક એડમાં સલમાને મૂળ પાન મસાલાની જગ્યાએ એલચીની જાહેરાત કરી હતી. આ એડ આપણે અનેક વખત ટીવી પર જોઈ પણ છે, પરંતુ જયપુરની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં એક વકીલે આ મામલે સલમાન પર કેસ કરી દીધો છે. આરોપ એવો છે કે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આ એડ ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. વકીલસાહેબની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે સલમાન વિરુદ્ધ જામીનપાત્ર સમન્સ પાઠવી દીધું છે. આના વિરુદ્ધ સલમાને અપીલ પણ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે.
અન્નાને નમ્રતાપૂર્વક ના...
રજનીકાંતની ‘જેલર’ ફિલ્મનો બીજો ભાગ આવી રહ્યો છે. પહેલા ભાગમાં આમીર ખાને એક કીમિયો કર્યો હતો. હવે બીજો ભાગ માટે ફિલ્મનાં મેકર્સ તરફથી શાહરૂખ ખાનને કીમિયો કરવાની ઓફર આપવામાં આવી. શાહરુખ ખાને પહેલાં તો ના ન પાડી, કારણ કે શાહરૂખ ખાન કલાકાર હોવા ઉપરાંત એક અચ્છો સારો બિઝનેસમેન પણ છે. તેણે પહેલાં તો ‘જેલર 2’નાં મેકર્સ સાથે એ કન્ફર્મ કર્યું કે ક્યાંક આ ફિલ્મ એની ‘કિંગ’ સાથે આ વર્ષનાં અંતે તો નથી આવવાની ને?
મેકર્સે જ્યારે એમ કહ્યું કે એમની આ ફિલ્મ તો આ વર્ષે ઓગસ્ટમાં આવશે ત્યારે શાહરુખે પોતે ફિલ્મ નહીં કરી શકે તે માટે બીજું કારણ આપતા કહ્યું કે અત્યારે એનો લૂક એવો છે જે ‘કિંગ’ માટે જરૂરી છે. (IPLની મેચમાં આપણે જોયું કે શાહરુખના મોટાભાગના વાળ ધોળા થઇ ગયા છે અથવા તો રાખવામાં આવ્યા છે.) આથી જો અત્યારે રજની સરની ફિલ્મ સ્વીકારે તો શાહરુખે એ ફિલ્મ માટે જરૂરી એવો લૂક કરવો પડે, જે હાલના તબક્કે શક્ય નથી... આ કારણ જણાવીને શાહરુખે અત્યંત નમ્રતાપૂર્વક રજનીકાંતની ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. ખરેખર, આ પ્રકારે ના પાડવાથી ન તો કોઈનો ઈગો હર્ટ થાય છે કે ન તો કોઈનું કામ અટકે છે. બ્રેવો શાહરુખ!
કટ એન્ડ ઓકે...
2014માં કંગના રનૌતની સુપરહિટ થયેલી ફિલ્મ ‘ક્વીન’ની સિકવલ ‘ક્વીન-ટુ’ ને બદલે ‘કવીન ફોરએવર’નાં નામે આ મહિનામાં ફ્લોર પર જશે.