Wed Jun 10 2026

Logo

બોઈસરમાં પ્રેમલગ્નના વિરોધમાં ઘરમાં ઘૂસીને ગોળીબાર કરનારો પકડાયો

2026-03-04 18:01:46
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પ્રેમલગ્નનો વિરોધ કરનારા શખસે ઘરમાં ઘૂસીને યુવકના પિતા પર ગોળીબાર કર્યો હોવાની બોઈસરમાં બનેલી ઘટનામાં પોલીસે આરોપીને યવતમાળમાં પકડી પાડ્યો હતો. બોઈસર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ઉમેશ ઉર્ફે પ્રહ્લાદ મોતીરામ ઘરત (52) તરીકે થઈ હતી. ઘરતને વર્ણી પોલીસની મદદથી યવતમાળ જિલ્લામાંથી તાબામાં લેવાયો હતો.

પાલઘર જિલ્લાના મહાગાંવમાં રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા પ્રીતેશ સુરેશ વરખંડે (22)એ પ્રેમલગ્ન કર્યાં હતાં. કહેવાય છે કે આંતરજ્ઞાતીય લગ્નને કારણે ઘરતે તેનો વિરોધ કર્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર 23 ફેબ્રુઆરીની મધરાતે ઘરત પિસ્તોલ સાથે વરખંડેના ઘરમાં ઘૂસ્યો હતો. ફરિયાદી પ્રીતેશ અને તેની પત્ની સાથે ઝઘડો કરી ઘરતે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. ઝપાઝપી અને મારપીટ પછી આરોપીએ પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયર કર્યું હતું. ગોળી વરખંડેના પિતા સુરેશ (52)ના માથામાં વાગી હતી.

ગંભીર રીતે ઘવાયેલા સુરેશને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. શસ્ત્રક્રિયા બાદ તેનું સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું તબીબે જણાવ્યું હતું. આ પ્રકરણે પ્રીતેશે નોંધાવેલી ફરિયાદને આધારે બોઈસર પોલીસે ગુનો નોંધ્યો હતો.

દરમિયાન ગોળીબાર કરીને આરોપી બાઈક પર ફરાર થઈ ગયો હતો. પોલીસ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે તેની શોધ ચલાવી રહી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં આરોપી યવતમાળમાં હોવાની જાણકારી પોલીસને મળી હતી. યવતમાળ પહોંચેલી પોલીસની ટીમે આરોપીની ધરપકડ કરી હતી.