Mon Aug 31 2026

Logo

બોર્ડિંગ પાસ બદલી કેનેડા જવાનો ખેલ: દિલ્હી એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે અમદાવાદી ઝડપાયો

2026-08-26 13:15:27
Author: Mayur Patel
બોર્ડિંગ પાસ બદલી કેનેડા જવાનો ખેલ: દિલ્હી એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે અમદાવાદી ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા ઘણી જાણીતી હતી. જેના કારણે તેઓ ઘણી વખત ખોટો માર્ગ પણ પસંદ કરતા હોય છે. આવો જ કિસ્સો સામે આવ્યો છે. એક અમદાવાદી યુવકે કેનેડા જવા માટે દિલ્હી એરપોર્ટ પર બોર્ડિંગ પાસની અદલાબદલી કરી હતી. જોકે ઈમિગ્રેશન દરમિયાન  ભાંડો ફૂટ્યો હતો. 

શું છે સમગ્ર મામલો

પોલીસ ફરિયાદ અનુસાર, અમદાવાદના રાણીપ વિસ્તારના એક રહેવાસીએ નેપાળને બદલે કેનેડાના ટોરોન્ટો જવા માટે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થાણેના એક વ્યક્તિ સાથે કથિત રીતે પોતાનો બોર્ડિંગ પાસ બદલી નાખ્યો હતો. આ ઘટના 16 ઓગસ્ટના રોજ વહેલી સવારે બની હતી. એફઆઈઆર મુજબ, એરલાઇનના એક કર્મચારીએ શંકાસ્પદ કેનેડિયન વિઝા અને પાસપોર્ટના આધારે કેનેડા જઈ રહેલા એક પેસેન્જરને અટકાવ્યો હતો. પૂછપરછ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું કે તે વાસ્તવમાં અમદાવાદનો રહેવાસી હતો, જેને કાઠમંડુ (નેપાળ) જવા માટે મંજૂરી મળી હતી અને ઓળખ માટે તેણે પોતાના ચૂંટણી કાર્ડનો ઉપયોગ કર્યો હતો.
 
જ્યારે કેનેડિયન વિઝા થાણેના રહેવાસીના નામે હતા, તેણે ટોરોન્ટો માટેની ઇમિગ્રેશન પ્રક્રિયા પહેલેથી જ પૂર્ણ કરી લીધી હતી. એફઆઈઆર મુજબ, સિક્યોરિટી ચેકિંગ પછી બંનેએ કથિત રીતે બોર્ડિંગ પાસની અદલાબદલી કરી લીધી હતી, જેથી અમદાવાદના શખ્સે થાણેના પેસેન્જરની ઓળખ ધારણ કરી લીધી હતી.

પોલીસે એક બનાવટી ભારતીય પાસપોર્ટ પણ જપ્ત કર્યો છે, જેમાં વિગતો અસલી પેસેન્જરની હતી પરંતુ ફોટો અલગ હતો. આ સાથે 15 ઓગસ્ટની તારીખનો બોગસ ઇમિગ્રેશન સ્ટેમ્પ પણ મળી આવ્યો હતો. પોલીસને આ અદલાબદલી ટ્રાવેલ એજન્ટના કહેવા પર કરવામાં આવી હોવાની આશંકા છે.

તપાસ અધિકારીઓ દ્વારા પાસપોર્ટ, બોર્ડિંગ પાસ, ઓળખના દસ્તાવેજો અને સીસીટીવી ફૂટેજ જપ્ત કરવામાં આવ્યાછે અને આ સમગ્ર મામલે ટ્રાવેલ એજન્ટની ભૂમિકાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.