Mon Aug 31 2026

Logo

ફરી આવ રે વરસાદ...ગુજરાતમાં આવનારા અઠવાડિયામાં પણ વરસાદના એંધાણ નથી

2026-08-30 20:51:55
Author: Pooja Shah
ફરી આવ રે વરસાદ...ગુજરાતમાં આવનારા અઠવાડિયામાં પણ વરસાદના એંધાણ નથી

અમદાવાદઃ જૂન મહિના બાદ જુલાઈ મહિનામાં વરસાદે ગુજરાત પર કૃપા વરસાવતા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ઓછો-વધુ વરસાદ પડતા ખેડૂતો સહિત સામાન્ય જનતાને હાશકારો થયો હતો, પરંતુ ઑગસ્ટ મહિનો લગભગ કોરો ગયો છે અને હજુ સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં પણ વરસાદ વરસે તેની શકયતા ઓછી જણાય છે. 

છેલ્લા ઘણા દિવસોથી ઉત્તર ગુજરાતના એકાદ બે તાલુકામાં નામ માત્રનો વરસાદ વરસે છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના તમામ વિસ્તારોમાં શુષ્ક વાતાવરણ રહે છે. વાદળો છવાયેલા હોય છે, પરંતુ વરસતા નથી. 

હવામાન ખાતાની આગાહી અનુસાર 6 સપ્ટેમ્બર સુધી હજુ પણ વરસાદના કોઈ એંધાણ નથી. ગુજરાતમાં ફરી ગરમી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ  આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે. રાજ્યમાં ક્યાંય ભારે કે નોંધપાત્ર વરસાદની આગાહી ન હોવાનું જાણવા મળ્યું છે.

અમુક વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટા વરસશે, તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું. દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.5 નોંધાયું હતું જ્યારે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 31થી 33 વચ્ચે રહ્યું હતું. 

વાદળછાયું વાતાવરણ રહેતું હોવાથી નાના-મોટા તમામ શહેરોમાં બીમારી વધી છે. ઝાડા-ઉલ્ટી, શરદી-ઉધરસ, તાવ સહિતની બીમારીથી સરકારી અને ખાનગી હૉસ્પિટલો ઉભરાઈ રહી છે. બીજી બાજુ પીવાના પાણીની અછત વર્તાઈ રહી છે અને ખેડૂતો સિંચાઈના પાણીના અભાવને કારણે ચિંતામાં છે.

ગુજરાતમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતા તમામ પ્રદેશમાં વરસાદની ઘટ છે. પોરબંદર, દ્વારકા, જામનગર,રાજકોટ,જૂનાગઢ,સુરેન્દ્રનગર,કચ્છ સહિતના ઘણા જિલ્લામાં વરસાદની નોંધપાત્ર ઘટ છે. રાજ્ય સરકારે જામનગર અને દ્વારકા માટે સૌની યોજના મારફત પાણી પહોંચાડવાનો નિર્ણય લીધો છે. આ સાથે રાજકોટના ન્યારી ડેમમાં પણ નર્મદાના નીર આવી પહોંચ્યા છે. જોકે વરસાદ જેટલો લંબાશે, સ્થિતિ તેટલી વણસશે, તેમ હવામાન અને ખેતીના નિષ્ણાતો જણાવે છે.

વધુ જુઓ...