અમદાવાદઃ શહેરની લક્ઝરી બસમાંતી રૂ. 10.70 લાખની કિંમતના 14 આઈફોન ચોરાયાનો કેસ રામોલ પોલીસે સોલ્વ કર્યો હતો. રામોલ પોલીસે મોહસિનની અટકાયત જ્યારે એલસીબીની ટીમે ગજેન્દ્રસિંહની રાજસ્થાનથી ધરપકડ કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
આરોપીની પૂછપરછ કરતા 14 આઈફોન અમદાવાદના મોહસીનને વેચી દીધા હતા અને તેણે દુબઈમાં વેચી દીધા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
આ ઘટનાની મળતી વિગતો અનુસાર મહારાષ્ટ્રના પુણેમાં રહેતા અને મોબાઈલની દુકાન ધરાવતા સુરેશ ઠાકોરે 15 ઓગસ્ટે અમદાવાદના આશ્રમ રોડ પર મોબાઈલ શૉ ધરાવતા સલમાનભાઈને 14 આઈફોન પાર્સલ કર્યા હતા.
વેપારી જ્યારે સીટીએમ પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસે પાર્સલ લેવા ગયો ત્યારે પાર્સલ ખોલીને ચેક કરતા ફોન ગાયબ હતા. બસના સીસીટીવીમાં એક શખ્સ પાર્સલ લઈ છેલ્લી સિટ પર ગયો અને પાછું પાર્સલ મૂકી જતો દેખાયો હતો. આ અંગે રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ગજેન્દ્રસિંહ રાજપૂતે ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.
પુણે મેડિકલ સ્ટોરમાં કામ કરતા ગજેન્દ્રને પાર્સલમાં મોંઘાદાટ આઈફોન હોવાનું જાણમાં આવતા તેણે ચોર્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી. ત્યારબાદ તે આઈફોન વેચી ઉદયપુરના રિસોર્ટમાં રહ્યો હતો અને એક આઈફોન ગર્લફ્રેન્ડને પણ આપ્યો હતો અને ત્યારબાદ સુમેરપુર ગયો હતો. જોકે પોલીસને ખબર મળતા તેમણે તેને પકડી પાડ્યો હતો. તેણે આઈફોન મોહસિનને વેચ્યા હતા અને મોહસિને દુબઈ વેચ્યા હોવાનું જણાવ્યું હતું. રામોલ પોલીસે મોહસિનની પણ અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું હતું.