કૉંગ્રેસની દગાબાજીને કારણે ઠાકરેના ગઢમાં ભૂતપૂર્વ મેયરની હાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ૧૭ પ્રભાગ સમિતિમાંથી છ પ્રભાગ સમિતિના અધ્યક્ષપદની ચૂંટણી ગુરુવારે પાર પડી હતી, જેમાં ત્રણ સમિતિમાં અધ્યક્ષ બિનહરીફ ચૂંટાયા હતા તો ત્રણ સમિતિ માટે ચૂંટણી થઈ હતી. પ્રભાગ સમિતિના અધ્યક્ષ પદ માટેની ચૂંટણી માટે કૉંગ્રેસે શિવસેના (ઉદ્ધવ)ને સમર્થન આપવાની જાહેરાત કરી હતી, છતાં લાલબાગ-શિવડીનો ભાગ રહેલી પ્રભાગ સમિતિમાં ભૂતપૂર્વ મેયર અને અનુભવી નગરસેવિકા શ્રદ્ધા જાધવને કૉંગ્રેસની દગાબાજીને કારણે હારનો સામનો કરવો પડ્યો હતો અને અહીં શિંદેસેનાની માનસી સાતમકર અહી જીતી ગઈ હતી.
લાલબાગ, શિવડી અને વડાલાનો સમાવેશ રહેલા એફ-ઉત્તર અને એફ-દક્ષિણ પ્રભાગમાં ઠાકરે ગ્રૂપને અહીં મોટો ફટકો પડ્યો હતો. ઠાકરેની શિવસેના અને કૉંગ્રેસની મહાવિકાસ આઘાડી પાસે બહુમતી હોવાથી પ્રભાગ સમિતિના અધ્યક્ષ પદ પર શ્રદ્ધા જાધવનો વિજય નિશ્ર્ચિત મનાતો હતો પણ કૉંંગ્રેસના નગરસેવિકા આયેશા સોફિયાન વણૂ અને સમાજવાદી પાર્ટીના નગરસેવિકા ઈરમ સિદ્દિકી ગેરહાજર રહેતા તેમને હારનો સામનો કરવો પડયો હતો. એફ-ઉત્તર અને એફ-દક્ષિણ પ્રભાગ સમિતિમાં ભાજપના પાંચ, ઠાકરે ગ્રૂપના છ, શિંદેની શિવસેનાના ત્રણ, કૉંગ્રેસના એક, સમાજવાદી પાર્ટીના એક અને મનસેના એક એમ કુલ ૧૭ નગરસેવક છે. મહાયુતિ પાસે ભાજપના પાંચ અને શિંદેસેનાના ત્રણ એમ કુલ આઠ નગરસેવક છે. તો ઠાકરે ગ્રૂપના છ, કૉંગ્રેસના એક અને મનસેનાએક એમ કુલ આઠમત હતા. તેથી સમાજવાદી પાર્ટીના નગરસેવિકાનો મત નિર્ણાયક રહેવાનો હતો પણ તે તટસ્થ રહેતા ચિઠ્ઠી પર અધ્યક્ષ નક્કી થવાનો હતો પણ ચૂંટણી સમયે જ કૉંગ્રેસ અને સપાના નગરસેવિકા ગેરહાજર રહેતા શિંદેસેનાના ઉમેદવારને આઠ અને ઠાકરેની સેનાના ઉમેદવારને સાત મત મળ્યા હતા. કૉંગ્રેસના ધોકાને કારણે શિંદેસેના આ પ્રભાગ સમિતિ પર કબજો કરવામાં સફળ રહી હતી.
આ દરમ્યાન પ્રભાગ સમિતિની ચૂંટણીમાં શિવસેના (ઉદ્ધવ) ને સમર્થન આપવાની કૉંગ્રેસે જાહેરાત કરી હતી અને પક્ષે આદેશ પણ બહાર પાડ્યો હતો. છતાં આયેશા વણુ ગેરહાજર રહેતા તેની પાસે સ્પષ્ટીકરણ માગવામાં આવશે એવું પાલિકાના કૉંગ્રેસના ગ્રૂપ લીડર અશ્રફ આઝમીએ કહ્યું હતું.
દહિસર અને બોરીવલીનો સમાવેશ રહેલા આર-ઉત્તર અને આર-મધ્ય પ્રભાગ સમિતિના અધ્યક્ષપદે ભાજપના પ્રકાશ દરેકર, કાંદીવલીના આર-દક્ષિણ પ્રભાગ સમિતિના અધ્યક્ષ પદે લીના પટેલ-દેહેરકર અને ગિરગાવ-ગાન્ટ રોડનો સમાવેશ રહેલી સી અને ડી પ્રભાગ સમિતિના અધ્યક્ષ પદે ભાજપના આકાશ પુરોહિત બિનવિરોધ ચૂંટાઈ આવ્યા હતા. તો ચર્ચગેટ-કોલાબા, ભાયખલાનો સમાવેશ રહેલા એ-બી-ઈ પ્રભાગ સમિતિના અધ્યક્ષ પદે કૉંગ્રેસના જ્ઞાનરાજ નિકુમ જીતી ગયા હતા, તેમણે ભાજપના નગરસેવક રોહિદાસ લોખંડનેને બે મતથી હરાવ્યા હતા. મલાડ પી-પૂર્વ અને પી-પશ્ર્ચિમ વોર્ડના અધ્યક્ષ પદે કૉંગ્રેસના હૈદરઅલી અસ્લમ શેખ જીતી ગયા હતા, તેમણે અજિત રાવરાણેને બે મતે હરાવ્યા હતા. એફ-ઉત્તર અને એફ-દક્ષિણ પ્રભાગ સમિતિમાં કૉંગ્રેસના ધોકા બાદ પણ ઠાકરેની શિવસેનાએ પી-પૂર્વ અને પી-પશ્ર્ચિમ વોર્ડમાં કૉંગ્રેસને સમર્થન આપતા કૉંગ્રેસના નગરસેવકનો વિજય થયો હતો અને શિંદેસેના સાથે ગયેલા શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અજિત રાવરાણેને હારનો સામનો કરવો પડ્યો હતો.