ઝાડ તૂટતાં બચાવવા મુંબઈ યુનિવર્સિટી અને આઈઆઈટીની મદદ લેવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આખા વર્ષ દરમ્યાન તૂટી પડતાં વૃક્ષોમાંથી સરેરાશ ૫૦ ટકા વૃક્ષો એક જ દિવસમાં તૂટી પડ્યાં છે. છેલ્લા કેટલાય દિવસોથી મુંબઈમાં ભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે અત્યાર સુધીમાં ૮૦૦ થી વધુ વૃક્ષો પડી ગયા હોવાનું પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ જણાવ્યું હતું.મુંબઈમાં અત્યાર સુધીના વરસાદમાં ઝાડ તૂટી પડવાને કારણે ૧૧ વર્ષના વિદ્યાર્થી સહિત ૧૮ વર્ષના યુવકનું મૃત્યુ થયું છે અને સંખ્યાબંધ વાહનો સહિત દુકાનો અને ઘરને નુકસાન થયું છે ત્યારે ઝાડ તૂટી પડવા માટે પાલિકા દ્વારા વૃક્ષોનું ટ્રિમિંગ બરોબર કરવામાં આવ્યું ન હોવાનું અને રસ્તાના સિમેન્ટ-કૉંક્રીટીકરણના કારણે ઝાડ તૂટી પડ્યા હોવાના દાવાને પાલિકા કમિશનરે ફગાવી દેતા કહ્યું હતું કે એ વાતમાં જ જરા પણ તથ્ય નથી.
ઝાડ તૂટી પડવાની દુર્ઘટનાને રોકવા બાબતે કમિશનર ભીડેએ કહ્યું હતું કે ચોમાસાની ઋતુમાં વૃક્ષો પડી જતા રોકવા માટે વૃક્ષના નિષ્ણાતો અને મુંબઈ યુનિવર્સિટી અને આઈઆઈટી, મુંબઈ જેવી સંસ્થાઓની મદદથી તેમના રક્ષણ માટે પગલાં લેવામાં આવશે.મુંબઈમાં ૨૦૧૮ની વૃક્ષ ગણતરી મુજબ ૨૯ લાખ ૭૫ હજાર વૃક્ષો છે. તેમાંથી બે લાખ વૃક્ષો રસ્તાની બંને બાજુ છે. એવું જોવા મળ્યું છે કે રસ્તાની બંને બાજુનાં વૃક્ષો ઘણીવાર જોખમી હોય છે. આમાંથી ચોમાસાની ઋતુ પહેલા પાલિકાના ઉદ્યાન વિભાગ દ્વારા લગભગ એક લાખ વૃક્ષોનું ટ્રિમિંગ કરવામાં આવ્યું હતું. છતાં આ વર્ષે વૃક્ષો પડવાની સંખ્યામાં વધારો થયો છે. અત્યાર સુધીમાં ૮૩૦ વૃક્ષો પડી ગયા છે, જેમાંથી ૪૮૦ વૃક્ષો ખાનગી વિસ્તારમાં હતા અને ૧,૨૩૮ જેટલી ડાળખીમાં ૭૦૯ ખાનગી વિસ્તારમાં હતા. પરંતુ પૂરતા ડેટા ઉપલબ્ધ ન હોય ત્યારે કોંક્રીટિંગના કામને કારણે આ વૃક્ષો પડી રહ્યાં છે એમ કહેવું ખોટું છે, એમ ભીડેએ જણાવ્યું હતું.
વધુમાં કમિશનરે કહ્યું હતું કે ઘણાં વૃક્ષો રસ્તાની બાજુમાં ફૂટપાથ પર છે અને તેમની નીચેથી પસાર થતી યુટિલિટીઝ સર્વિસ માટે ખોદકામને કારણે ઘણીવાર નુકસાન થવાની સંભાવના છે. તેથી ભવિષ્યમાં આ બધાને ધ્યાનમાં લીધા પછી રક્ષણ માટે પગલાં લેવામાં આવશે. પાણી વૃક્ષોના મૂળ સુધી પહોંચે તે જરૂરી હોવાથી પ્રશાસન એ પણ વિચારી રહ્યું છે કે શું તે અંદાજ લગાવી શકે છે કે વૃક્ષોના મૂળ ક્યાં સુધી ફેલાશે અને તે હદ સુધી ખાડા ખોદીને તેમને પાણી આપવા માટે તેના પર જાળી નાખી શકાય કે નહીં તેનો પણ અંદાજો લેશે.
વધુમાં પાલિકા પ્રશાસન મુંબઈ યુનિવર્સિટીના લાઈફ સાયન્સ અને બાયોડાઈવર્સિટી જેવા વિભાગના નિષ્ણાતો અને આઈઆઈટી જેવી સંસ્થાઓ પાસેથી દુર્લભ વૃક્ષોને બચાવવા માટે કોઈ પગલાં લઈ શકાય કે નહીં તેની માહિતી મેળવવાનો પ્રયાસ કરવાની છે.
માર્ગદર્શિકાઓમાં સુધારો કરવામાં આવશે
કમિશનર અશ્ર્વિની ભીડેએ કહ્યું હતું કે રસ્તાની બાજુમાં આવેલા વૃક્ષોનો ખાસ સર્વે કરવામાં આવશે અને તેમને સુરક્ષિત બનાવવા માટે અગાઉની માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવશે. સર્વેક્ષણ દરમ્યાન કાપવામાં આવતા વૃક્ષો માટે કોઈ અલગ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય કે? અથવા તેમના મૂળને મજબૂત કરવા માટે ચોક્કસ પદ્ધતિઓ લાગુ કરી શકાય કે એ બાબતે વૃક્ષ નિષ્ણાતોની મદદ લેવામાં આવશે.