Fri Sep 04 2026

Logo

બોરીવલી અને કાંદિવલીમાં ૬૦થી વધુ ગેરકાયદે બાંઘકામ અને સ્ટોલ પર પાલિકાનો હથોડો...

2026-02-21 21:28:05
Author: sapna desai
બોરીવલી અને કાંદિવલીમાં ૬૦થી વધુ ગેરકાયદે બાંઘકામ અને સ્ટોલ પર પાલિકાનો હથોડો...

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મહાનગરપાલિકાના ‘આર-મધ્ય’ વોર્ડ દ્વારા બોરીવલી (પશ્ર્ચિમ) અને કાંદિવલી (પશ્ર્ચિમ)માં મહાવીર નગર પરિસરમાં પચીસ ગેરકાયદે બાંધકામ અને ૩૫ ગેરકાયદે સ્ટોલને તોડી પાડવામાં આવ્યા હતા.

મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીના નિર્દેશ મુજબ છેલ્લા અનેક દિવસોથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રસ્તા તથા ફૂટપાથ પર અતિક્રમણ કરવાનું તથા ગેરકાયદે બાંધકામ કરીને જગ્યા પચાવી પાડવાને કારણે રાહદારીઓ તથા વાહનચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે.

આ અગાઉ હાઈ કોર્ટે પાલિકા પ્રશાસનને ફૂટપાથ તથા રસ્તા પર ફેરિયાઓ દ્વારા કરવામાં આવેલા અતિક્રમણને મુદ્દે ઠપકો  આપ્યો હતો. તેથી પાલિકાએ પોતાની કાર્યવાહી વધુ ઝડપી બનાવી છે, જે અંતર્ગત શુક્રવાર, ૨૦ ફેબ્રુઆરીના બોરીવલી અને કાંદિવલીમાં કાર્યવાહી કરી હતી.

પાલિકાના ઈન્સ્પેકશન, અતિક્રમણ નિર્મૂલ, બિલ્ડિંગ એન્ડ ફેકટરી તથા ઘનકચરા વિભાગ મારફત સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્રણ જેસીબી, પાંચ ડમ્પર સહિત ૫૦થી વધુ અધિકારી અને કર્મચારી આ કાર્યવાહીમાં શામેલ હતા.