(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સર્વિસ એરિયા માટે ફરજિયાત રીતે ખુલ્લી રાખવાની જગ્યાનો ઉપયોગ કરીને ગેરકાયદે રીતે બાંધકામ કરનારી નામાંકિત હોટલો સામે પાલિકાએ આકરું વલણ લઈને વધારાના બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં અંધેરી પશ્ર્ચિમમાં વીરા દેસાઈ રોડ અને ઑફિસ ન્યૂ લિંક રોડના વિસ્તારમાં આ હોટલો આવેલી છે. પાલિકાએ બાંધકામ તોડી પાડવાની સાથે જ વાપરવામાં આવતા સામાનને પણ જપ્ત કર્યો હતો.
પાલિકાના એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીના નિર્દેશ બાદ મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં કે-પશ્ર્ચિમ વોર્ડ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં અંધેરીની ‘વોટ્સ યોર બહાના’, ‘ટ્રોવ ૯’, ‘જુલિયટ’ અને યાઝુ હોટલમાં કરવામાં આવેલા વધારાના બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. એ સાથે જ હોટેલોમાંથી સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ અગાઉ પાંચ જૂનના પણ પાલિકા દ્વારા અંધેરીની ચાર હોટલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

એડિશનલ કમિશનર અશ્ર્વિની જોષીના નિર્દેશ બાદ બુધવારે ૧૦ જૂને પાલિકાના આરોગ્ય વિભાગ, લાઇસન્સ વિભાગ, ફાયર વિભાગ, બાંધકામ અને ફેક્ટરી વિભાગની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન આરોગ્ય અને લાયસન્સ વિભાગ દ્વારા ૨૪ ખુરશીઓ, એક કુકિંગ રેન્જ, માઇક્રોવેવ ઓવન, ત્રણ કુલર, એક ઇલેક્ટ્રિક ફ્રાયર અને બે સ્પીકર જપ્ત કરવામાં આવ્યા હતા. કે-પશ્ર્ચિમના કર્મચારીઓ, મજૂરો અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ કામગીરી માટે એક જેસીબીની પણ મદદ લેવામાં આવી હતી.