બે લાખ કર્મચારીઓને તે દિવસે જાહેર પરિવહનનો જ ઉપયોગ કરવાની અપીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પર્યાવરણ દિન નિમિત્તે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ભારતના મહત્વના કમર્શિયલ સેન્ટર ગણાતા બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ (બીકેસી)માં દર શુક્રવારે ‘સાપ્પ્તાહિક જાહેર પરિવહન દિવસ’ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત બીકેસીના બે લાખ કર્મચારીઓને દર શુક્રવારે જાહેર પરિવહન (પબ્લિક ટ્રાન્સપોર્ટ)નો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવી છે. આ પહેલથી બીકેસીમાં ટ્રાફિક, ભીડ, પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે. ભારતના કમર્શિયલ સેન્ટરમાં આ પ્રકારનું આ પહેલું અભિયાન માનવામાં આવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને જાહેર પરિવહનનો વધુને વધુ ઉપયોગ કરવા અપીલ કરી છે, તેને પગલે મહારાષ્ટ્ર સરકારે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે, જેમાં સરકારી કર્મચારીઓને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અને વરિષ્ઠ સરકારી અધિકારીઓને અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત મેટ્રો, ઉપનગરીય રેલ અથવા બસ દ્વારા મુસાફરી કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એમએમઆરડીએએ ડબલ્યુઆરઆઈ ઇન્ડિયા સાથે મળીને ‘સાપ્તાહિક જાહેર પરિવહન દિવસ’ની પહેલ શરૂ કરવામાં આવી હતી.
આ પહેલ અંતર્ગત બીકેસીમાં કર્મચારીઓ અને સંસ્થાઓને દર શુક્રવારે સાર્વજનિક અથવા શેર-એ ટેક્સી, શેર-એ રિક્ષા જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા પ્રવાસ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. બીકેસીમાં લગભગ બે લાખ ઔપચારિક નોકરીઓ છે, જ્યારે અનૌપચારિક નોકરીઓની સંખ્યા સમાન અથવા વધુ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) સેન્સેક્સમાં ૭૫ ટકા કંપનીઓ અને નિફ્ટી ૫૦માથી ૫૦ ટકા કંપનીઓ બીકેસીમાં સ્થિત છે. તેથી બીકેસીને દેશના સૌથી મહત્વપૂર્ણ નાણાકીય કેન્દ્રોમાંનું એક માનવામાં આવે છે.
બાવન ટકા હજી પણ પબ્લિક ટ્રાન્સપોર્ટથી દૂર
જાહેર પરિવહન સુવિધાઓની વધતી જતી ઉપલબ્ધતા હોવા છતાં એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બાવન ટકા મુસાફરો હજુ પણ વ્યક્તિગત વાહનો, ટેક્સી અને ઓટો-રિક્ષા પર આધાર રાખે છે, જ્યારે માત્ર ૨૫ ટકા મુસાફરો તેમના દૈનિક મુસાફરી માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે. ૫૪ ટકાથી વધુ મુસાફરો દરરોજ બે કલાકથી વધુ સમય મુસાફરી કરવામાં વિતાવે છે, જ્યારે દર પાંચમાંથી એક મુસાફરો ત્રણ કલાકથી વધુ સમય મુસાફરીમાં વિતાવે છે.