Sat May 30 2026

Logo

'ફોર્સ બોલાવી લો, પણ બંગલો ખાલી નહીં કરું': રાબડી દેવીની  CMને ચેલેન્જ બાદ નિવાસસ્થાને પહોંચી પોલીસ

2026-05-30 17:14:28
Author: Devayat Khatana
Article Image

પટણા: બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીના પટણા ખાતેના નિવાસસ્થાને પોલીસ પહોંચી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી નોટિસ પાઠવી હોવા છતાં રાબડી દેવીએ કહી દીધું હતું કે તે બંગલો ખાલી નહીં કરે. તેમણે મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીને ફોર્સ બોલાવીને બળજબરીથી તેમને નિવાસસ્થાન ખાલી કરાવવાનો  ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હતો. જેના થોડા કલાકો બાદ પટણા પોલીસની એક ટીમ રાબડી દેવીના નિવાસસ્થાને પહોંચી હતી અને આ ઘટનાથી બિહારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.

સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો રાજ્ય સરકારે બિહાર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા રાબડી દેવીને 39 હાર્ડિંગ રોડ પર એક નવું સરકારી નિવાસસ્થાન ફાળવ્યું છે અને  આ સાથે જ તેમને 10 સર્ક્યુલર રોડ બંગલો ખાલી કરવા માટે અનેક નોટિસો આપવામાં આવી છે, જ્યાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનો પરિવાર બે દાયકાથી રહે છે.

હાલ મળી રહેલા અહેવાલો અનુસાર, પટણા પોલીસની એક ટીમ શનિવારે બપોરે 10 સર્ક્યુલર રોડ સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. સચિવાલયના SDPO અનુ કુમારી નિવાસસ્થાનની અંદર ગયા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવી સાથે વાત કરી હતી. બેઠક દરમિયાન મકાન બાંધકામ વિભાગના અધિકારીઓ પણ હાજર હતા. એવું જાણવા મળ્યું હતું કે વહીવટીતંત્રે રાબડી દેવીને બંગલો ખાલી કરવા વિનંતી કરી હતી અને તેમને નિયમોની જાણકારી આપી હતી. તેમને હાર્ડિંગ રોડ પર ફાળવવામાં આવેલા બીજા નિવાસસ્થાનમાં જવા માટે કહેવામાં આવ્યું હતું.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીએ શનિવારે બપોરે એક મીડિયા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ કોઈપણ સંજોગોમાં બંગલો ખાલી કરશે નહીં. તેમણે કહ્યું, "સમ્રાટ ચૌધરી વધારાની ટુકડીઓ બોલાવી શકે છે, પરંતુ અમે ખાલી કરીશું નહીં." ઉલ્લેખનીય છે કે રાબડી દેવીના પતિ અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ હાલમાં પટનામાં નથી.

તેઓ સ્વાસ્થ્ય તપાસ માટે એક દિવસ પહેલા જ સિંગાપોર જવા રવાના થયા હતા. 27 મેના રોજ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવના પુત્ર ઇરાજનો જન્મદિવસ ગાઝિયાબાદમાં ઉજવવામાં આવ્યો હતો, જેમાં લાલુ અને રાબડી સહિત પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમ પછી રાબડી દેવી પટના પરત ફર્યા હતા.