Tue Jun 23 2026

Logo

ભરત તિવારી એન્કાઉન્ટર કેસમાં ગોળી મારનાર પોલીસ કર્મીઓ પર એફઆઇઆર

2026-06-23 19:51:45
Author: Chandrakant Kanoja
Article Image

ભોજપુર: બિહારના ભોજપુરના બહુચર્ચિત ભરત તિવારી એન્કાઉન્ટર કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જેમાં ભરત તિવારીની માતા આશા દેવીની ફરિયાદ બાદ ગોળી મારનારા પોલીસ કર્મીઓ પર એફઆઇઆર નોંધવામાં આવી છે. 

પોલીસ કર્મીઓ પર એફઆઇઆર દાખલ 

આ અંગે ભોજપુરના પોલીસ અધિક્ષક રાજે જણાવ્યું હતું કે, આ ઘટના બાદ ભરતની માતા આશા દેવીએ  ઔપચારિક ફરિયાદ દાખલ કરી  હતી. આ ફરિયાદના આધારે હવે શાહપુર પોલીસ સ્ટેશનમાં જગદીશપુર સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી, શાહપુર સ્ટેશન હાઉસ ઓફિસર અને અન્ય સંકળાયેલા પોલીસ કર્મચારીઓ
સામે કેસ નોંધવામાં આવ્યો છે.

પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા 

ભરત તિવારી એન્કાઉન્ટ  કેસમાં અત્યાર સુધીમાં પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં તત્કાલીન શાહપુર સ્ટેશન હાઉસ ઓફિસર, રાજેશ કુમાર માલાકર, સબ-ઇન્સ્પેક્ટર અંકિત આર્યન, સબ-ઇન્સ્પેક્ટર હરિશ્ચંદ્ર કુમાર, આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર રામાશંકર યાદવ અને કોન્સ્ટેબલ મીરા કુમારીનો સમાવેશ થાય છે.

પોલીસ અધિકારીઓ પુત્રને સાથે લઇ ગયા હતા 

ભરત તિવારીના માતા આશા દેવીએ ભોજપુર એસપીને આપેલ આવેદન પર આરોપ લગાવ્યો છે. તેમનો પુત્ર પૂર અસરગ્રસ્તોના પ્રશ્નો લઇને સતત વહીવટી તંત્ર સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. તેમજ એન્કાઉન્ટર પૂર્વે અનેક પોલીસ અધિકારીઓ અને કર્મીઓ તેમના ઘરે આવ્યા હતા અને પુત્ર સાથે લઇ ગયા હતા. 

ભરત તિવારીને પાંચ ગોળી મારવામાં આવી હતી

ભરત તિવારીના માતા આશા દેવીએ પોતાની ઔપચારિક ફરિયાદમાં જણાવ્યું હતું કે ફેસબુક લાઈવ દરમિયાન તેમના પુત્રએ તેના હાથમાં રહેલું હથિયાર ફેંકી દીધું હતું અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેમ છતાં પોલીસ કર્મચારીઓએ તેને પકડી લીધો અને  જમીન પર પછાડ્યો અને પાંચ ગોળી મારી હતી.  તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે ગોળીબાર જગદીશપુરના નાયબ પોલીસ અધિક્ષકના આદેશ પર થયો હતો.