Mon May 11 2026

Logo

ભરૂચના ડ્રગ પેડલરની ધરપકડ કરી ત્રણ કરોડનું ચરસ જપ્ત

2026-05-10 19:31:13
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
થાણે પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલ અને મુંબ્રા પોલીસે ઑપરેશન હાથ ધરી ગુજરાતના ભરૂચ જિલ્લામાં રહેતા ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી. તેની પાસેથી અંદાજે 3.2 કરોડ રૂપિયાનું ચરસ અને નશા માટે ઉપયોગમાં લેવાતી કૅપ્શ્યૂલ્સ જપ્ત કરવામાં આવી હતી.

ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ફિરોઝ અબ્દુલ ખાન (52) તરીકે થઈ હતી. ભરૂચના અંકલેશ્ર્વરમાંના મોટા ફળિયામાં રહેતો ખાન નશીલા પદાર્થ સાથે ખારેગાંવ ટોલનાકા નજીક આવવાનો હોવાની માહિતી પોલીસને મળી હતી.

માહિતીને આધારે પોલીસે ટોલનાકા પાસેના એક માર્ગ પર છટકું ગોઠવ્યું હતું. કારમાં આવેલા ખાનને રોકવામાં આવ્યો હતો. તેની પાસેના સામાનની તપાસ કરતાં 3.20 કિલો ચરસ અને નશા માટે ઉપયોગમાં લેવાતી 12,984 કૅપ્શ્યૂલ્સ મળી આવી હતી. ખાનની ધરપકડ કરી ડ્રગ્સ હસ્તગત કરાયું હતું.

આ ડ્રગ્સ ખાનને જમ્મુ-કાશ્મીરમાં રહેતા ગુલાબનબી, ઝુબેર અને અશ્રાવે આપ્યું હોવાનું પૂછપરછમાં જણાયું હતું. એ સિવાય બિહાર અને દિલ્હીના બે યુવાન પણ આમાં સામેલ હોવાનું ખાને જણાવ્યું હતું. ખાનની કબૂલાત પછી મુંબ્રા પોલીસે છ જણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.