મુખ્ય પ્રધાને કર્મચારીઓને મુંબઈગરાને તકલીફ ન પડે તે માટે કામ પર પાછા ફરવાની અપીલ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બેસ્ટની બસ સેવાના કર્મચારીઓની ચાલી રહેલી હડતાળને કારણે રસ્તા પર બેસ્ટની બસો ન દોડતી હોવાથી મુંબઈગરાને પડી રહેલી મુશ્કેલીઓ વચ્ચે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કોર્ટના આદેશનો ઉલ્લેખ કરીને આ હડતાળને ગેરકાયદે ગણાવી હતી અને કર્મચારીઓને કામ પર પાછા ફરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ મુદ્દાના ઉકેલ માટે વાટાઘાટો કરી રહ્યા છે.
‘બેસ્ટની હડતાળ ગેરકાયદે છે. કોર્ટે આ મામલે આદેશ પસાર કર્યો છે અને તેથી આવી હડતાળને સમર્થન આપી શકાય નહીં. કર્મચારીઓએ તરત જ કામ પર પાછા ફરવું જોઈએ જેથી મુંબઈના નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે,’ એમ ફડણવીસે કહ્યું હતું. બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમની સંયુક્ત કામગાર કૃતિ સમિતિ દ્વારા બોલાવવામાં આવેલી હડતાળને કારણે શુક્રવારથી પાલિકા સંચાલિત બસ પરિવહન વ્યવસ્થા લગભગ ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે મુસાફરોને તેમની દૈનિક મુસાફરી માટે સ્થાનિક ટ્રેનો, મેટ્રો સેવાઓ, ટેક્સીઓ અને ઓટોરિક્ષાઓ પર આધાર રાખવાની ફરજ પડી છે.
સરકાર દ્વારા મહારાષ્ટ્ર આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ (મેસ્મા) લાગુ કરવા અને કર્મચારીઓને હડતાળ બોલાવવા પર પ્રતિબંધ મૂકવાના વચગાળાના આદેશ છતાં પણ આંદોલન ચાલુ છે.
બેસ્ટના કાયમી અને કામચલાઉ કર્મચારીઓ, તેમજ વેટ-લીઝ ઓપરેટરોના મોટાભાગના કર્મચારીઓ હડતાળમાં સહભાગી થયા છે. મેસ્મા હેઠળ શનિવારે ચાલી રહેલી હડતાળમાં સહભાગી કર્મચારીઓ અને વેટ-લીઝ કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવી હતી. મેસ્મા હેઠળ હડતાળ પર રહેલા કર્મચારીઓ સામે કાનૂની પગલાં શરૂ કરી શકાય છે.
બેસ્ટ 2,766 બસોનો કાફલો ચલાવે છે અને દરરોજ લગભગ 25 લાખ મુસાફરોનું પરિવહન કરે છે, જે તેને ઉપનગરીય રેલવે નેટવર્ક પછી મુંબઈનું બીજું સૌથી મોટું જાહેર પરિવહન પ્રદાતા બનાવે છે.વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા કર્મચારી સંગઠનોએ શનિવારે જણાવ્યું હતું કે તેઓ કોઈપણ સમયે સરકાર સાથે વાતચીત માટે તૈયાર છે અને રાજ્યના નેતૃત્વને તેમની પડતર માંગણીઓ પર વહેલા નિર્ણય લેવા વિનંતી કરી છે.
યુનિયનના નેતાઓએ જણાવ્યું છે કે જ્યાં સુધી સરકાર તેમની માગણીઓ પર ચોક્કસ પ્રતિબદ્ધતા નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, જેમાં બેસ્ટના બજેટને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) સાથે મર્જ કરવા, સાતમા પગાર પંચની ભલામણોનો અમલ, નિવૃત્ત કર્મચારીઓના લેણાંની પતાવટ, પરિવહન અને વીજળી કામગીરીમાં કૉન્ટ્રેક્ટ પદ્ધતિ નાબૂદ કરવાનો સમાવેશ થાય છે.