Mon Jun 22 2026

Logo

રામ મંદિર દાન ચોરી કેસમાં SITનો મોટો રિપોર્ટ તૈયાર,કોને મળ્યો અયોધ્યા ન છોડવાનો આદેશ?

2026-06-21 22:20:13
Author: mumbai samachar team
Article Image

અયોધ્યાઃ રામ મંદિરમાંથી દાનની ચોરી કરવાના કેસમાં સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમે  (SIT) જરૂરી એવી તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરી દીધો છે. આ રિપોર્ટ હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપવામાં આવશે. આ કેસમાં હજું બીજી કેટલીક કડીઓ પર તપાસ ચાલું છે. આ સમગ્ર કેસ સાથે જોડાયેલા કેટલાક લોકો અને ટ્રસ્ટીઓને SITએ અયોધ્યા ન છોડવાનો આદેશ આપી દીધો છે. આ તપાસમાં કેટલાક પદાધિકારીઓનો પણ સમાવેશ થાય છે. જેની સામે કાયદાકીય તપાસ પણ ચાલી રહી છે. મંદિરમાં આવતા દાનમાંથી ચોરીની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર તપાસ SITને આપવામાં આવી હતી. 

અયોધ્યા ન છોડવાનો આદેશ
આ માટે સ્પેશ્યલ ટીમના કેટલાક સભ્યોએ મંદિરના ટ્રસ્ટના સભ્યો, કેટલાક લોકો અને પદાધિકારીઓને તેમજ સંબંધિત લોકોને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અયોધ્યા ન છોડવાના આદેશ આપ્યા છે. મંદિર અને આ કેસ સાથે જોડાયેલા કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે, રવિવારે સાંજે તપાસ કરી રહેલી એજન્સીની ટીમ લખનઉ જવા માટે નીકળી હતી. આ આદેશ તેઓ જ્યારે લખનઉ માટે રવાના થયા એ પહેલા આપવામાં આવ્યા છે. સૂત્રોએ એવી પણ સ્પષ્ટતા કરી કે, કેસ સંબંધિત લોકોની નિયમિત પણ તપાસ અને પૂછપરછ કરવામાં આવશે.એમના નિવેદનને ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી સામે રિપોર્ટ રજૂ કરતા પહેલા આ તમામ ડિજિટલ પુરાવાઓને સુરક્ષિત કરી મુખ્યમંત્રીને પણ જાણ કરવામાં આવશે. નૃપેશ મિશ્રાએ જે પ્રકારના નિવેદન આપ્યા એ પરથી રાજકીય લોબીમાં ગરમાવો આવી ગયો છે. તપાસ એજન્સી એ અંગે પણ તપાસ કરી રહી છે કે, આ કેસમાં બીજા ક્યા લોકો જોડાયેલા છે. સૂત્રોએ ત્યાં સુધી જણાવ્યું હતું કે, પ્રભુને ચડાવવામાં આવેલા સોના, ચાંદીના દાગીના તથા કિંમત પથ્થરોના રેકોર્ડમાં પણ છીંડા હોવાનું સામે આવ્યું છે.  

પદાધિકારીઓ રડારમાં
તપાસ સમિતીના અધિકારીએ એવું પણ જણાવ્યું હતું કે, રેકોર્ડ અને સોના ચાંદીના દાન અંગે કેટલાક પદાધિકારીઓ તપાસમાં સહકાર આપતા નથી. યોગ્ય રીતે સંતોષકારક જવાબ આપતા નથી.જ્યારે બે મહિનામાં 10 લાખથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હતા એ સમયે બે જ કલાકમાં દાનપેટી ભરાઈ જતી હતી. એજન્સીની તપાસમાં મામલો માત્ર મામલો કેશ કે રોકડા પૂરતો જ સિમિત નથી.ટ્રસ્ટ દ્વારા ખરીદી, રેકોર્ડ અને નિર્માણ અંગેની કામગીરી ઉપર પણ તપાસ ચાલી રહી છે. તપાસ માત્ર કેશ કે સંપત્તિના દૂરઉપયોગ પૂરતી નથી. જુદા જુદા ટ્રાંઝેક્શન અને જે તે પદાધિકારીની રકમને લઈને વ્યક્તિગત તપાસ કરવામાં આવી રહી છે. ટ્રસ્ટ બજાર ભાવ કરતા 500થી 800 ટકા વધારાના ભાવથી 71 એકરની જમીન ખરીદી છે. 

કેટલાક મુદ્દા પર તપાસ ચાલું
એજન્સીને ઘણા મુદ્દાઓ પર હજુ તપાસ કરવાની બાકી હોવાનું પણ જાણવા મળ્યું છે. એજન્સીના રિપોર્ટ બાદ મુખ્યમંત્રી શું નિર્ણય લેશે એ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે, રામમંદિરમાંથી આ મામલો સામે આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. ખાસ કરીને દાનપાત્ર અને દાનની ગણતરી વખતે ચોક્કસ જવાબદારી વધારી દેવામાં આવી છે. જે તે પદાધિકારીઓની દેખરેખમાં પેટી ખોલવામાં આવે અને પછી ગણતરી કરવામાં આવે એ પ્રકારના આદેશ કરવામાં આવ્યા છે.