Tue Jun 09 2026

Logo

મે મહિનામાં ઑટોમોબાઈલના રિટેલ વેચાણમાં 9.55 ટકાની વૃદ્ધિ

2026-06-08 20:30:09
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ગત મે મહિનામાં ઑટોમોબાઈલનું રિટેલ વેચાણ મે, 2025ના 23,10,451 યુનિટ સામે 9.55 ટકાના દરે વધીને વિક્રમ 25,31,067 યુનિટની સપાટીએ રહ્યું હોવાનું ફેડરલેશન ઑફ ઑટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશને એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. 

એકંદરે ગત મે મહિનામાં ત્રિચક્રી,પેસેન્જર અને ટ્રેક્ટરનાં વેચાણમાં અત્યાર સુધી મે મહિનામાં જોવા મળેલી કામગીરીની તુલનામાં ઉત્કૃષ્ટ કામગીરી જોવા મળી છે. વધુમાં ડીલરોના જણાવ્યાનુસાર ઈંધણની બચત કરે તેવાં પાવર ટ્રેઈન વિકલ્પોમાં ગ્રાહકોની નોંધપાત્ર પૂછપરછ રહેવાની સાથે ઈલેક્ટ્રિક દ્વીચક્રી વાહનોનો વેચાણ વૃદ્ધિદર જે ગત મે, 2025માં 6.11 ટકા હતો તે વધીને 9.25 ટકાની સપાટીએ રહ્યો હોવાનું ફેડરેશને ઉમેર્યું હતું. 

ફેડરેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત મે મહિનામાં પેસેન્જર વાહનોનું રિટેલ વેચાણ મે, 2025નાં 3,26,656 યુનિટ સામે 23.25 ટકા વધીને 4,02,591 યુનિટના સ્તરે, દ્વીચક્રી વાહનોનું વેચાણ 7.54 ટકાના દરે વધીને 18,44,947 યુનિટ (17,15,581 યુનિટ), ત્રિચક્રી વાહનોનું વેચાણ 3.56 ટકા વધીને 1,11,526 યુનિટ (1,07,688 યુનિટ) અને વેપારી વાહનોનું વેચાણ 5.29 ટકા વધીને 83,823 યુનિટ (79,614 યુનિટ)ના સ્તરે રહ્યું હતું. 

વધુમાં ગત મે મહિનામાં ઈંધણના ભાવમાં થયેલા વધારાને કારણે ગ્રાહકોમાં વૈકલ્પિક ઈંધણવાળા વાહનો તરફ નોંધપાત્ર બદલાવ જોવા મળ્યો હતો અને ગ્રાહકોની પૂછપરછ વધવાની સાથે દ્વીચક્રી ઈલેક્ટ્રિક વાહનોનો વેચાણ વૃદ્ધિદર જે મે, 2025માં 6.11 ટકા હતો તેની સામે 9.11 ટકા રહ્યો હતો. 

એકંદરે વર્તમાન જૂન મહિનામાં વેચાણ વૃદ્ધિ માટે સાવચેતીનો અભિગમ મૂકવામાં આવ્યો હોવાનું ફેડરેશને યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે ટૂંકા સમયગાળાના દબાણ હોવા છતાં દેશમાં ચોમાસાની પ્રગતિ, ગ્રામીણ ક્ષેત્રમાં રોકડ પ્રવાહિતાનો અમુક અંશે ટેકો મળે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. જૂન મહિનાના વેચાણ અંગેના આશાવાદ બાબતે ફેડરેશન દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં 50.52 ટકા ડીલરોએ વેચાણ વૃદ્ધિનો, 39.90 ટકા ડીલરોએ બજાર સ્થિર રહેવાનો અને 9.59 ટકા ડીલરોએ વેચાણમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી હતી. 

તાજેતરમાં ઑટોમોબાઈલમાં જોવા મળેલી વેચાણ વૃદ્ધિ મુખ્યત્વે ગ્રામીણ ખરીદદારોની સહભાગીતા, લગ્નસરા નિમિત્તે ખરીદી અને જીએસટી-2 અંતર્ગત વેરાના દરમાં કરવામાં આવેલા તાર્કીકરણ પશ્ચાત્‌‍ જળવાઈ રહેલી માગને આભારી હોવાનું ડીલરોએ જણાવતાં ઉમેર્યું હતું કે દેશમાં પ્રખર ઉનાળાની મોસમ હોવા છતાં શૉરૂમમાં ગ્રાહકોની ચહેલપહેલ સારી રહી હતી. જોકે, અમુક ચોક્કસ મોડૅલમાં પુરવઠાખેંચની થોડી માઠી અસર જોવા મળી હોવાનું ડીલરોએ ઉમેર્યું હતું. 

ફેડરેશનનાં પ્રમુખ સી એસ વિઘ્નેશ્વરે જણાવ્યું હતું કે અમારા આગલા એપ્રિલ મહિનાના અહેવાલ અનુસાર અમે દર્શાવેલ વૉચ-આઉટ-સામાન્ય કરતાં વધુ ગરમી, ઈંધણના ભાવવધારાનું દબાણ અને પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવની અસરની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી તેમ છતાં મે મહિનામાં ત્રિચક્રી, પેસેન્જર અને ટ્રેક્ટર સહિત એકંદરે તમામ શ્રેણીના વાહનોના રજિસ્ટ્રેશનમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ વૃદ્ધિ જોવા મળી છે.