ભરત ભારદ્વાજ
કેન્દ્રીય ચૂંટણી પંચે આસામ, કેરળ, તમિળનાડુ અને પશ્ર્ચિમ બંગાળ તથા કેન્દ્રોશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી એ સાથે જ રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. પાંચ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 824 બેઠકો પર ચૂંટણી થશે અને 17.4 કરોડ મતદારો મતદાન કરશે. પંચની જાહેરાત પ્રમાણે, કેરળ, આસામ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં 9 એપ્રિલે મતદાન થશે જ્યારે તમિળનાડુમાં પણ એક જ તબક્કામાં 23 એપ્રિલે મતદાન થશે.
આ રાજ્યોમાં સૌથી મહત્ત્વનું પશ્ચિમ બંગાળ છે. બંગાળમાં 2 તબક્કામાં 23 એપ્રિલ અને 29 એપ્રિલે મતદાન થશે. ચૂંટણી પંચે ગુજરાતની ઉમરેઠ સહિત 6 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ આ જ ગાળામાં થવાની છે. આ રાજ્યો અને છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનાં પરિણામ સાગમટે 4 મેએ જાહેર થશે તેથી હવે લગભગ દોઢ મહિના લગી દેશમાં ચૂંટણીનો ધમધમાટ અને રાજકીય ગરમીનો માહોલ રહેશે.
આ પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાતની લાંબા સમયથી રાહ જોવાતી હતી કેમ કે 2021માં પંચે 26 ફેબ્રુઆરીએ તમામ પાંચ રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરી હતી. પાંચેય વિધાનસભાનો કાર્યકાળ મે-જૂનમાં પૂરો થઈ રહ્યો છે તેથી પંચ પાસે હજુય પૂરતો સમય છે જ તેથી ભલે 20 દિવસ મોડી જાહેરાત થઈ પણ હજુ કશું ખાટુંમોળું થયું નથી. સમયસર જ ચૂંટણી થઈ રહી છે પણ બંગાળમાં માત્ર 2 તબક્કામાં જ ચૂંટણી યોજવાની જાહેરાત કરીને ચોક્કસ આશ્ચર્ય સર્જ્યું છે.
તેનું કારણ એ કે, છેલ્લે 2021માં બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી થઈ હતી. એ વખતે એવું કારણ અપાયેલું કે, પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે ને જંગલરાજ જેવી જ હાલત છે તેથી ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી માટે વધારે તબક્કા રાખવા સિવાય આરો નથી. આ વખતે 2 તબક્કામાં જ ચૂંટણી યોજવાની જાહેરાત કરીને ચૂંટણી પંચે આડકતરી રીતે રીતે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી હોવાનું સ્વીકાર્યું છે.
દેશના રાજકારણમાં આ પાંચેય રાજ્યો મહત્ત્વનાં છે કેમ કે પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપ વિરોધી પક્ષોની સરકારો છે અને આ સરકારો પાછી ભાજપ માટે માથાનો દુ:ખાવો બની રહી છે. વાસ્તવમાં દેશમાં લોકશાહી છે અને મજબૂત વિપક્ષ છે તેનો અહેસાસ આ રાજ્યોની સરકારોના કારણે જ થાય છે. ભાજપ માટે આસામ જાળવવું આબરૂનો સવાલ છે તો કોંગ્રેસ પણ આસામ, કેરળ અને પુડુચેરીમાં સત્તા મેળવવાનાં સપનાં જુએ છે કે જેથી તેને ગંભીરતાથી લેવાય.
જો કે અસલી પરીક્ષા મમતા બેનરજી, એમ. કે. સ્ટાલિન અને પિનારાયી વિજયનની છે. પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ, તમિળનાડુમાં એમ.કે. સ્ટાલિનની ડીએમકે અને કેરળમાં પિનારાયી વિજયનની સીપીએમના નેતૃત્વ હેઠળની ડાબેરા સરકારે ભાજપ સામે ઝીંક ઝીલીને પણ અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. આ એવા પક્ષો છે કે જે 2014થી શરૂ થયેલી ભાજપની આંધીમાં પણ અડીખમ રહ્યા છે અને પોતાના ઝંડાને પડવા દીધો નથી.
આ પૈકી તમિળનાડુ અને કેરળમાં ભાજપ બહુ મજબૂત નથી પણ પશ્ર્ચિમ બંગાળમાં તો ભાજપ ખાસ્સો મજબૂત છે અને મુખ્ય વિરોધ પક્ષ પણ છે. ભાજપે 2014માં કેન્દ્રમાં સત્તા કબજે કરી પછી પશ્ર્ચિમ બંગાળમાં પહેલી ચૂંટણી 2016માં યોજાઈ હતી. એ વખતે ભાજપની લહેર પુરજોશમાં હતી અને ભાજપે મમતા બેનરજીને પછાડવા પૂરી તાકાત લગાવી દીધેલી પણ મમતા સામે ભાજપ ફેંકાઈ ગયેલો.
2021માં ભાજપે મમતાને મુસ્લિમોના મસિહા ચિતરીને હિંદુત્વનો માહોલ પેદા કરવામાં કોઈ કસર નહોતી છોડી. મમતા બેનરજીની પાર્ટીમાંથી તોડી તોડીને ભાજપે નેતાઓને ભેગા કરેલા ને તેમના જોરે મમતાને પછાડવાની પણ પુરજોશ કોશિશ કરેલી પણ મમતા સામે ફરી પછડાટ મળી.
ભાજપ આ વખતે મૂંઝાયેલો છે ને મમતા સામે શું વ્યૂહરચના અપનાવવી એ નક્કી નથી કરી શકતો. મમતાએ રાષ્ટ્રપતિનું અપમાન કરી નાખ્યું એવા સાવ છૂંછાં જેવા મુદ્દા ભાજપ ચગાવે છે પણ તેના કારણે ભાજપની તરફેણમાં માહોલ પેદા થતો નથી. બીજી તરફ મમતાએ મતદાર યાદીમાંથી નામો કાઢી નાખવાથી માંડીને ચૂંટણી પંચની જોહુકમી સુધીના મુદ્દા ચગાવી દીધા છે.
ભાજપ પાસે ચૂંટણી પંચ છે અને તેના તાબા હેઠળની મશીનરી છે જ્યારે મમતા કાગનો વાઘ કરીને લોકોનાં માનસ બદલી નાખવામાં માહિર છે તેથી આ વખતે પણ જોરદાર જંગ જામશે. મમતા ભાજપની પછાડવાની હેટ્રિક કરવા લડી રહ્યાં છે જ્યારે ભાજપ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને ઉખાડી ફેંક્યા એ ઈતિહાસનું પુનરાવર્તન કરવા થનગની રહ્યો છે તેથી ખરાખરીનો જંગ છે.
તમિળનાડુમાં ભાજપ ચિત્રમાં નથી પણ એઆઈએડીએમકે સાથે જોડાણ કરીને ડીએમકેને સત્તાામાંથી ઉખાડી ફેંકવા માગે છે. એઆઈએડીએમકે પહેલાં એમ.જી. રામચંદ્રનન ને પછી જયલલિતાના સમયમાં ભારે જોરાવર હતી. એમજીઆરની લોકપ્રિયતા તો એવી હતી કે, ડીએમકેના કરૂણાનિધી સાવ ફેંકાઈ જ ગયેલા. એમજીઆરના નિધન પછી તેમને ફરી બેઠા થવાની તક મળી. જયલલિતા બીજાં એમજીઆર સાબિત ના થયાં પણ એઆઈએડીએમકેને સાવ પતી જવા પણ ના દીધી.
જયલલિતાના નિધન પછી નોંધારી બનેલી એઆઈએડીએમકે જૂથવાદમાં પતી ગયેલી છે તેથી તેના સહારે ભાજપ ડીએમકેને સત્તામાંથી ખદેડી શકે એ વાતમાં માલ નથી પણ ભાજપને ફિલ્મ સ્ટારમાંથી રાજકારણી બનેલા વિજયનના કારણે આશા જાગી છે. વિજયન પણ ડીએમકેની જેમ તમિળ ગૌરવની ભાષા બોલે છે તેથી ડીએમકેના મત તોડશે એવી ભાજપને આશા છે. બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી ગયેલો એ રીતે વિજયન સ્ટાલિનની લડાઈમાં પોતાના જોડાણને ફાયદો થશે એવી ભાજપની આશા ફળશે કે નહીં એ ખબર નથી પણ વિજયન એન્ટ્રીના કારણે તમિળનાડુનો જંગ રસપ્રદ બની ગયો છે.
કેરળમાં પણ ભાજપ ચિત્રમાં નથી ને ડાબેરીઓને હરાવીને સત્તા કબજે કરે એવી કોઈ શક્યતા નથી પણ જે રીતે લોકસભામાં પહેલી વાર જીતેલો એ રીતે વિધાનસભામાં પણ સારો દેખાવ કરવાની તેને આશા ચોક્કસ છે. કેરળમાં આબરૂ ભાજપની નહીં પણ ડાબેરીઓની દાવ પર લાગેલી છે. એક સમયે પશ્ચિમ બંગાળ, કેરળ અને ત્રિપુરામાં એકચક્રી શાસન ભોગવનારા ડાબેરીઓ પાસે હવે કેરળનો જ ગઢ બચ્યો છે. પિનારાયી વિજયને સળંગ બે વાર ડાબેરીઓને જીતાડીને ઈતિહાસ રચેલો પણ વખતે કૉંગ્રેસને સત્તા કબજે કરવાની આશા છે તેથી આ જંગ રસપ્રદ છે.
કૉંગ્રેસ આસામમાં પણ ભાજપના વિજયરથને રોકવાની આશા રાખે છે. આસામમાં હિંદુ વર્સીસ મુસ્લિમ મતોના ધ્રુવીકરણના કારણે ભાજપને હરાવવો મુશ્કેલ લાગે છે. આંતરિક જૂથવાદમાં અટવાયેલી કૉંગ્રેસ ભાજપની જીતની હેટ્રિકને રોકી શકે એવી આશા વધારે પડતી છે પણ કૉંગ્રેસ આ આશા રાખીને બેઠી છે.