Thu Jun 18 2026

Logo

આસામની ચૂંટણી તારીખો જાહેર થતા આઈપીએલના કાર્યક્રમ પર 'સંકટ', શેડ્યૂલમાં ફેરફારની શક્યતા...

2026-03-15 21:44:54
Author: Vimal Prajapati
Article Image

AI Generated Images


નવી દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તેવામાં હવે આસામમાં 9 એપ્રિલે થનારી વિધાનસભા ચૂંટણીથી IPL 2026ના કાર્યક્રમ પર અસર પડવાની શક્યતા છે. ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સની ત્રણ મેચ 30 માર્ચ, 7 એપ્રિલ અને 10 એપ્રિલે નિર્ધારિત કરેલ છે. જોકે, BCCIએ અત્યાર સુધીમાં ફક્ત 20 મેચનો જ કાર્યક્રમ જાહેર કર્યો છે, પરંતુ ઈલેક્શનની તારીખના ઘર્ષણને કારણે કદાચ ફેરફાર કરી શકે એવું કેમ વિગતે જાણીએ.

શું IPL કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવશે? 

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) નો પ્રારંભિક કાર્યક્રમ BCCIએ તાજેતરમાં જ જાહેર કર્યો હતો. પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને માત્ર 12 એપ્રિલ સુધીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ ચૂંટણી પંચ દ્વારા આજે તારીખો જાહેર કરી છે, તેને જોતા IPL કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવશે. તેવી ચર્ચાઓ અત્યારે થઈ રહી છે. 

ગુવાહાટીમાં રાજસ્થાનની ત્રણ મેચ નક્કી કરાઈ

આસામના ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમને IPLના 10 મેજબાન મેદાનોમાં સામેલ કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, રાજસ્થાનનું બીજું ઘરેલુ મેદાન પણ છે. અહીં રાજસ્થાન રોયલ્સની 30 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ સામે, 7 એપ્રિલે મુંબઈ ઇન્ડિયન્સ સામે અને 10 એપ્રિલે RCB સામે યોજાશે. આ દરેક મેચો સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

7 અને 10 એપ્રિલની મેચો પર સંકટ

હવે મહત્વની વાત એ છે કે, ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 9 એપ્રિલે એક જ તબક્કામાં 126 બેઠક માટે મતદાન થવાનું છે, જેનાથી 7 અને 10 એપ્રિલની મેચો પર સંકટ તોળાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં BCCIએ સરકાર સાથે વાતચીત કરી હશે તેવું માની શકાય પરંતુ સુરક્ષામાં મુશ્કેલી સર્જાશે તેવું લાગી રહ્યું છે, કારણ કે તારીખ 7 એપ્રિલથી આસામમાં ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે, જેથી ચૂંટણી માટે પણ પોલીસ બંદોબસ્તની જરૂર પડવાની છે. તો પોલીસ તંત્ર દ્વારા બંને સ્થિતિને કેવી રીતે સંભાળવામાં આવશે? તે એક પ્રશ્ન છે. 

IPL અને Election વચ્ચે પોલીસ ફસાશે 

ચૂંટણી તૈયારીઓ 1-2 અઠવાડિયા પહેલાં શરૂ થાય છે. પોલીસને સંદિગ્ધ પ્રવૃત્તિઓ, પૈસાનો દુરુપયોગ અને ઈવીએમની સુરક્ષા જેવી જવાબદારીઓ નિભાવવાની હોય છે. આસામની બાંગ્લાદેશની સરહદે આવેલું હોવાના કારણે ચૂંટણી વખતે વધારે પડકારો રહેતા હોય છે. તેવામાં ખેલાડીઓ, સ્ટાફ અને સ્ટેડિયમની 24 કલાક સુરક્ષા મુશ્કેલ બનશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. BCCI સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવે ત્યારે જાણવા મળશે કે, કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે કે કેમ?