Sun Sep 06 2026

Logo

એશિયાડ માટેની ભારતની ટી-20 મહિલા ટીમની જાહેરાતઃ જાણી લો, 15 ખેલાડીઓમાં કોણ કોણ છે...

2026-06-30 16:56:23
Author: Ajay Motiwala
એશિયાડ માટેની ભારતની ટી-20 મહિલા ટીમની જાહેરાતઃ જાણી લો, 15 ખેલાડીઓમાં કોણ કોણ છે...

નવી દિલ્હીઃ અઢી મહિના પછી જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ (Asian Games)માં ફરી એક વખત ટી-20 ટૂર્નામેન્ટ થશે અને એ માટેની ભારતની મહિલા ટીમનું સુકાન હરમનપ્રીત કૌરને જ સોંપવામાં આવ્યું છે. તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપમાં ભારતના નબળા પર્ફોર્મન્સ છતાં હરમનને કૅપ્ટનપદે જાળવી રાખવામાં આવી છે અને ટીમમાં માત્ર એક ફેરફાર કરવામાં આવ્યો છે.

રિચા શર્મા ટીમની મુખ્ય વિકેટકીપર છે અને બૅક-અપ વિકેટકીપર તરીકે યસ્તિકા ભાટિયાના સ્થાને જી. કમલિનીને 15 ખેલાડીની ટીમમાં સમાવવામાં આવી છે. એ સિવાય ટીમમાં બીજો કોઈ ફેરફાર નથી કરાયો. ઓપનર સ્મૃતિ મંધાના ફરી એક વાર હરમનપ્રીતની ડેપ્યૂટી તરીકે રમશે. ઑલરાઉન્ડર શ્રેયંકા પાટીલને ટીમમાં સમાવવામાં આવી છે, પણ તે રમશે કે નહીં એનો આધાર તેની ફિટનેસ પર રહેશે.

2023ની એશિયાડમાં ભારતે ટી-20 ટૂર્નામેન્ટમાં ભારત પુરષ અને મહિલા, બન્ને વર્ગની ટૂર્નામેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. મહિલાઓમાં ભારતે હરમનપ્રીત (Harmanpreet)ના સુકાનમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

એશિયન ગેમ્સ જાપાનના ઐચી-નાગોયામાં આગામી 19 સપ્ટેમ્બરથી 4 ઑક્ટોબર સુધી યોજાશે અને એમાં ભારતના પુરુષ તથા મહિલા, બન્ને વર્ગની ટી-20 ટૂર્નામેન્ટ રમાશે. એમાં ભારતીય ક્રિકેટરો ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરશે.

ભારતની મહિલા ટીમઃ
હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમિમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, જી. કમલિની (વિકેટકીપર), ભારતી ફુલમાલી, શ્રી ચરની, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટીલ, રાધા યાદવ અને નંદની શર્મા.