Sun Sep 06 2026

Logo

સમસ્યાઓના નિરાકરણને બહાને મહિલા સાથે કુકર્મ: ચોથા કેસમાં ખરાતને કસ્ટડીમાં લેવાયો

2026-04-14 17:36:00
Author: Yogesh C. Patel
સમસ્યાઓના નિરાકરણને બહાને મહિલા સાથે કુકર્મ: ચોથા કેસમાં ખરાતને કસ્ટડીમાં લેવાયો

નાશિક: મહિલાઓના જાતીય શોષણના આરોપસર ધરપકડ કરાયેલા નાશિકના ‘ગૉડમૅન’ અશોક ખરાતને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) ચોથા કેસમાં કસ્ટડીમાં લીધો હતો. પારિવારિક સમસ્યાઓના નિરાકરણને બહાને મહિલા સાથે કુકર્મ કરવાના કેસમાં ખરાતને કોર્ટે મંગળવારે 18 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

ખરાત પ્રકરણની તપાસ કરનારી એસઆઈટીએ સોમવારે ચોથા કેસમાં ખરાતની કસ્ટડી માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આવશ્યક મંજૂરી આપી હતી, જેને પગલે એસઆઈટીએ મંગળવારે ખરાતને કસ્ટડીમાં લીધો હતો અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ એ. જી. બેહરે સમક્ષ હાજર કર્યો હતો.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલ શૈલેન્દ્ર બાગડેએ આ કેસમાં વધુ તપાસ માટે ખરાતની કસ્ટડી જરૂરી હોવાની વિનંતી કરી હતી. તેમણે દલીલ કરી હતી કે પરિવારની સમસ્યાઓના સમાધાન માટે આવેલી મહિલાને આરોપીએ નશીલું દ્રવ્ય આપ્યું હતું અને પછી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

ખરાતના વકીલ સતીશ ભાટેએ જોકે દલીલ કરી હતી કે આરોપી લાંબા સમયથી પોલીસની કસ્ટડીમાં છે. હવે તપાસ એસઆઈટી કરી રહી હોવાથી વધુ પોલીસ રિમાન્ડની જરૂર નથી. જોકે ગુનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી કોર્ટે ખરાતને 18 એપ્રિલ સુધીની પાંચ દિવસની પોલીસ કસ્ટડી સંભળાવી હતી. ખરાત વિરુદ્ધ ડઝનથી વધુ ગુના નોંધાયેલા છે, જેમાંથી આઠ ગુના મહિલાઓના જાતીય શોષણના છે. (પીટીઆઈ)