Wed Aug 19 2026

Logo

દુષ્કર્મના ત્રીજા કેસમાં પણ ખરાતને અદાલતી કસ્ટડી

2026-04-13 19:01:00
Author: Yogesh C. Patel
Article Image

નાશિક: ગર્ભવતી મહિલાનું કથિત જાતીય શોષણ કરવાના ત્રીજા કેસમાં પણ નાશિકના સ્વઘોષિત જ્યોતીષી અશોક ખરાતને કોર્ટે 20 એપ્રિલ સુધીની અદાલતી કસ્ટડી ફટકારી હતી. ખરાતની પોલીસ કસ્ટડી સોમવારે પૂરી થતી હોવાથી કેસની તપાસ કરનારી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) વીડિયો કોન્ફરન્સિંગથી ખરાતને ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ બી. એન. ઈચપુરાની સમક્ષ હાજર કર્યો હતો. એસઆઈટી દ્વારા રિમાન્ડ રિપોર્ટ હાજર કરવામાં આવ્યો હતો અને ખરાતને ન્યાયિક અદાલતની માગણી કરવામાં આવી હતી. કોર્ટે સાત દિવસની અદાલતી કસ્ટડીનો આદેશ સંભળાવ્યો હતો.

જાતીય શોષણના ત્રીજા કેસમાં ખરાતની માર્ચના બીજા સપ્તાહમાં ધરપકડ કરાઈ હતી. સાત મહિનાની સગર્ભા સાથે દુષ્કર્મનો ખરાત પર આરોપ છે. ઑફિસના કર્મચારીની ગર્ભવતી પત્નીનું ખરાતે નવેમ્બર, 2023થી ડિસેમ્બર, 2025 દરમિયાન તેની ઑફિસ સહિત અન્ય સ્થળોએ જાતીય શોષણ કર્યું હતું. સિન્નર તાલુકાના મિરગાંવ ખાતેના એક મંદિરમાં ખરાતે સગર્ભા પાસે અઘોરી વિધિ પણ કરાવી હતી. આ પ્રકરણે ઑફિસના કર્મચારીએ જ ખરાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પત્નીએ ખરાતના અશ્ર્લીલ કૃત્યની પતિને જાણ કરી ત્યારે તેને વિશ્ર્વાસ બેઠો નહોતો. પતિએ ઑફિસમાં સ્પાય કૅમેરા ગોઠવી ખરાતની લીલાનું રેકોર્ડિંગ કર્યું હતું. બાદમાં એ વીડિયોની પેઈન ડ્રાઈવ ફરિયાદીએ પોલીસને સોંપી હતી. ખરાત વિરુદ્ધ ડઝનથી વધુ ગુના નોંધાયેલા છે, જેમાંથી આઠ તો મહિલાઓના જાતીય શોષણના છે. (પીટીઆઈ)