Mon Aug 17 2026

Logo

અશોક ખરાતે રાજકારણીઓનાં નામ કોડવર્ડ આધારે સેવ કર્યાનો એસઆઈટીનો દાવો

2026-03-29 18:26:00
Author: Yogesh C. Patel
Article Image

પોલીસને અંધારામાં રાખવા ખરાતે મોબાઈલ અને લૅપટોપમાં ચાલાકીથી ડેટા સંઘર્યો: ત્રણ દિવસની કસ્ટડી વધારાઈ

નાશિક: મહિલા સાથે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરાયેલા નાશિકના ‘ગૉડમૅને’ પલીસને અંધારામાં રાખવા માટે રાજકારણીઓના ડેટા મોબાઈલ ફોન અને લૅપટોપમાં ચાલાકીથી સંઘર્યા હોવાનો દાવો એસઆઈટીએ કોર્ટમાં કર્યો હતો. વધુ તપાસની જરૂર હોવાથી કોર્ટે ખરાતની પોલીસ કસ્ટડી ત્રણ દિવસ વધારી આપી હતી.નાશિક જિલ્લાના મિરગાંવ ખાતે આવેલા મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને વર્ષોથી મહારાષ્ટ્રના રાજકારણીઓ જેની મુલાકાત લેતા હતા એ અશોક ખરાતની છેલ્લાં ત્રણ વર્ષથી મહિલા સાથે દુષ્કર્મના કેસમાં 18 માર્ચે પોલીસે ધરપકડ કરી હતી. નાશિક શહેરના સરકારવાડા પોલીસ સ્ટેશનમાં ખરાત વિરુદ્ધ અત્યાર સુધીમાં 10 એફઆઈઆર નોંધાયા છે, જેમાંથી આઠ મહિલાઓના જાતીય શોષણ અને બે છેતરપિંડીના હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

કોર્ટે અગાઉ બે વખત અશોક ખરાતની પોલીસ કસ્ટડી વધારી હતી. રવિવારે કસ્ટડી પૂરી થતી હોવાથી તેને ફરી કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. કોર્ટે તેને પહેલી એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.કોર્ટે ખરાતને કોઈ ફરિયાદ છે કે એવું પૂછ્યું હતું, જેની સામે તેણે ના પાડી હતી.
સુનાવણી દરમિયાન સરકારી વકીલ શૈલેન્દ્ર બાગડેએ જણાવ્યું હતું કે આ કેસની તપાસ હજુ ચાલી રહી છે અને આરોપી સહકાર આપતો નથી.કેસની તપાસ કરનારી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) કોઈને ખરાત વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો બે ફોન નંબર જાહેર કરવામાં આવ્યા હતા. આ નંબરો પર પાંચેક દિવસમાં જ 100થી વધુ ફરિયાદ મળી હતી, જેમાંથી મોટા ભાગની ફરિયાદો મહિલાઓની હતી.

એસઆઈટી દ્વારા કોર્ટમાં જણાવાયું હતું કે ખરાત પાસેથી મોબાઈલ ફોન અને લૅપટોપ જપ્ત કરીને ફોરેન્સિકમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. ફોરેન્સિક ટીમ પાસેથી આજે જ મોબાઈલ અને લૅપટોપ મળ્યા છે. તેના મોબાઈલ અને લૅપટોપના ડેટા રિકવર થયા છે, જેની તપાસ કરવાની બાકી છે. ખરાતે રાજકારણીઓના નંબર કોડવર્ડ અથવા બીજી વ્યક્તિના નામે સેવ કર્યા હોવાની શક્યતા છે. આ ડિજિટલ માહિતી ભેગી કરવા માટે ખરાતની કસ્ટડીની જરૂર હોવાનું એસઆઈટીએ કહ્યું હતું.આરોપીની મિલકતો અંગે હજુ તપાસ ચાલી રહી છે. ઘણી બધી મહિલાઓ હજુ પણ ફરિયાદ કરવા આવી રહી છે. ખરાત મહિલાઓનું જાતીય શોષણ કરતો હતો, પણ તે પૂર્વે મહિલાઓને ઘેન આવે તે માટે તેમને કોઈ પ્રવાહી આપતો હતો. એ વિશે પણ તપાસ હજુ બાકી છે, એવું સરકારી વકીલે જણાવ્યું હતું.

આ કેસ મોટો છે અને પૂછપરછ માટે કેટલાક લોકોને ખરાતની સામે લાવવાના છે. આ ગુનામાં તેના કોઈ સાથી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે, એવું તેમણે જણાવ્યું હતું.બચાવ પક્ષના વકીલ સચિન ભાટેએ જણાવ્યું હતું કે એસઆઈટીએ અગાઉની સુનાવણીમાં પણ મારા અસીલની કસ્ટડી વધારી આપવા માટે આ જ કારણો આપ્યાં હતાં. હકીકતમાં તપાસ પૂરી થઈ છે, જેથી વધુ કસ્ટડીની જરૂર નથી.