ભાર્ગવ ઠાકર
ઈ.સ. 922, બગદાદનું બજાર અને એક રૂંવાડાં ઊભાં કરી દે તેવું દૃશ્ય... એક ફકીરને ઘસડીને સૂળી તરફ લઈ જવામાં આવી રહ્યો છે. તેના પર પથ્થરોનો વરસાદ થઈ રહ્યો છે, લોહીની ધારાઓ વહી રહી છે, છતાં તેના મુખ પર એક અવર્ણનીય તેજ અને હોઠો પર સ્મિત છે. એ શખ્સ પોતાના જ વહેતા લોહીથી પોતાનો ચહેરો લાલ કરી રહ્યો છે, જેથી દુનિયાને એવું ન લાગે કે મૃત્યુના ડરથી તેનો ચહેરો પીળો પડી ગયો અને પ્રેમનો રંગ ઝાંખો પડી ગયો છે! આ કોઈ સામાન્ય ગુનેગાર નહોતો, આ તો પ્રેમનો એવો પરમ દીવાનો હતો, જેણે ખુદ પરમાત્મા સાથે એકાકાર થઈને ‘અનલ હક’ (હું જ સત્ય છું) નો શંખનાદ કર્યો હતો. આ મહાન સૂફી સંત હતા હુસૈન બીન મન્સૂર ઉર્ફ મન્સૂર અલ-હલ્લાજ.
આ અકલ્પનીય શહાદતની શરૂઆત ઈ.સ. 858ના અરસામાં પર્શિયાના (આજના ઈરાનના) ‘તૂર’ ગામથી થઈ હતી. પિતાના રૂ પીંજવાના વ્યવસાય પરથી તેઓ ‘હલ્લાજ’ કહેવાયા, પણ મન્સૂર માત્ર રૂ પીંજનારા નહોતા, તેઓ તો સાધકોના હૃદયને પીંજીને તેમાંથી અહંકારનો કચરો દૂર કરનારા ‘હલ્લાજ અલ-અસરાર’ (રહસ્યોને પીંજવાવાળા) હતા. બાર વર્ષની કુમળી વયે કુરાન કંઠસ્થ કરી લેનાર આ યુવાનને માત્ર અક્ષરોથી સંતોષ નહોતો, તેની આત્મા તો પરમ અર્થની તલાશમાં તડપતી હતી. બગદાદમાં જુનૈદ બગદાદી જેવા પ્રસિદ્ધ સૂફી સંતના શરણે ગયા પછી, તેમની વાણી માત્ર કવિતા ન રહેતા પરમાત્માના વિરહની ચીસ બની ગઈ.
તેમની આ આધ્યાત્મિક યાત્રાનો સૌથી નિર્ણાયક વળાંક તેમનો ભારત પ્રવાસ બની રહ્યો. ઈ.સ. 905ની આસપાસ ગુજરાતના સોમનાથ અને ખંભાતના દરિયાકિનારે ઉતરેલા મન્સૂર સ્થાનિક વેદાંતી પંડિતો અને યોગીઓના સંપર્કમાં આવ્યા. અહીં તેમણે ઉપનિષદના મહાવાક્ય ‘અહં બ્રહ્માસ્મિ’ (હું જ બ્રહ્મ છું) ના ગહન તત્ત્વને પીધું. ઇસ્લામિક એકેશ્વરવાદ (તૌહીદ) અને ભારતીય અદ્વૈતના આ અદ્ભુત સમન્વયથી તેમને સમજાયું કે જે સત્ય ઋષિઓ ‘અહં બ્રહ્માસ્મિ’ કહે છે, તે જ તેમના હૃદયમાં ‘અનલ હક’ બનીને ગુંજી રહ્યું છે. પોતાની આ અનુભૂતિને તેઓ અત્યંત સુંદર રીતે વ્યક્ત કરે છે:
‘હું એ જ છું જેને હું પ્રેમ કરું છું અને જેને હું પ્રેમ કરું છું તે હું જ છું; અમે બે આત્માઓ છીએ જે હવે એક જ શરીરમાં વસી રહ્યા છીએ. એટલે જ્યારે તું મને જુએ છે, ત્યારે તું એને (પરમાત્માને) જ જુએ છે અને જ્યારે તું એને જુએ છે, ત્યારે તું અમને બંનેને (એકસાથે) જુએ છે.’
મન્સૂર માટે પ્રેમ એ કોઈ ભૌતિક લાગણી નહોતી, પણ પોતાના અસ્તિત્વને સંપૂર્ણપણે ભૂંસી નાખવાની આકરી સાધના હતી. તેઓ કહેતા:
‘ઇશ્ક (પ્રેમ)ની શરૂઆત જ કતલ (પોતાના અહંકારનું મૃત્યુ) છે, અને તેનો અંત ‘ફના’ (પરમાત્મામાં સંપૂર્ણ વિસર્જન) છે. અને જે આ માર્ગમાં ‘કતલ’ થયો નથી, તેણે હજી ઇશ્કનો સાચો સ્વાદ ચાખ્યો જ નથી.’
બગદાદના સત્તાધીશો અને કટ્ટરપંથીઓને અદ્વૈતનો આ નાદ ખુદાની નિંદા સમાન લાગ્યો. ‘અનલ હક’ના આ જ્વાળામુખીને ઠારવા માટે મન્સૂરને કારાવાસમાં ધકેલી દેવાયા. જોકે, જેલની સાંકળો તો શરીરને બાંધે, જેનો આત્મા આઝાદ થઈ ચૂક્યો હોય તેને કોણ કેદ કરી શકે? જેલના અંધકારમાં જ તેમણે ‘કિતાબ અલ-તવાસીન’ ની રચના કરી. આ પુસ્તકમાં તેમણે અત્યંત ગૂઢ તર્ક આપ્યો કે ઈબલીસ (શેતાન) એ સૌથી મોટો પ્રેમી છે, કારણ કે તેણે ઈશ્વરના આદેશ કરતા ઈશ્વર પ્રત્યેના પ્રેમને પ્રાધાન્ય આપ્યું અને ઈશ્વર સિવાય અન્ય કોઈને પ્રણામ ન કરવાની પોતાની નિષ્ઠા ખાતર નરકનો સ્વીકાર કરી લીધો!
જ્યારે મૃત્યુદંડની તે ઘડી આવી, ત્યારે ભીડ તેમને પથ્થર મારી રહી હતી અને મન્સૂર હસી રહ્યા હતા. પણ જ્યારે તેમના જિગરી દોસ્ત અને વિદ્વાન શિબલીએ ભીડના ડરથી પથ્થરની જગ્યાએ માત્ર એક ‘ફૂલ’ ફેંક્યું, ત્યારે આ મહામાનવ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેમણે ભીની આંખે કહ્યું,
‘આ પથ્થર મારનારા તો અજાણ છે, એટલે મને પીડા નથી થતી. પણ શિબલી, તું તો બધું જ જાણે છે છતાં તેં મૌન રહીને ફૂલ ફેંક્યું, એના પ્રહારથી મારું હૃદય આર-પાર વીંધાઈ ગયું.’
સૂળી પર ચઢતા પહેલાં તેમની આંખોમાં કોઈ રોષ નહોતો, પણ કરુણાનો એક અફાટ સાગર લહેરાતો હતો. ઈસા મસીહની જેમ તેમણે પોતાના જ હત્યારાઓ માટે અંતિમ પ્રાર્થના કરી: ‘હે મારા માલિક! આ લોકોને માફ કરી દેજે, અને મારા કારણે તેમને સજા ન આપતો. કારણ કે આ લોકો મારું સત્ય જાણતા નથી અને જે તારા પ્રેમનો મને અનુભવ થયો છે, તેનાથી તેઓ અજાણ અને વંચિત છે.’
જ્યારે તેમના શરીરના અંગો નિર્દયતાથી કાપવામાં આવ્યા અને છેવટે ગરદન ધડથી અલગ કરવામાં આવી, ત્યારે વાતાવરણમાં એક ચમત્કાર સર્જાયો. તેમના વહેતા લોહીના દરેક ટીપામાંથી અને હવાની પ્રત્યેક લહેરમાંથી માત્ર એક જ અવાજ પડઘાઈ રહ્યો હતો ‘અનલ હક... અનલ હક.’
‘ભલે તું તારી આ ધરતીને મારા લોહીથી રંગી દે, પણ યાદ રાખજે કે મારા લોહીના અને શરીરના દરેક કણમાંથી એનું જ નામ ગુંજશે. તું મને મારી નહીં શકે... કારણ કે હું જ ‘જીવન’ છું અને હું જ ‘સત્ય’ છું.’
મન્સૂર પોતાના મૃત્યુની રાહ નહોતા જોઈ રહ્યા, તેઓ પોતાના મૃત્યુનો મહોત્સવ મનાવતા ગાઈ રહ્યા હતા:
व लस्त तुक्तलुनी बि-कतली व इऩ कनल-हयातु,
फ-इन्नी अनल-हय्यु व इन्नी अनल-हक्कु|
‘અને તમે મને મારીને પણ નથી મારી શકતા, કારણ કે જો મારું (સાંસારિક) જીવન સમાપ્ત પણ થઈ જાય, તો પણ હું જ અનંત જીવન (હય્યુ) છું અને હું જ પરમ સત્ય (હક્ક) છું.’
ગુજરાતના શાંત દરિયાકિનારે જે અદ્વૈતનું બીજ રોપાયું હતું, તે બગદાદની લોહીયાળ સૂળી પર અમર વટવૃક્ષ બની ગયું. મન્સૂર અલ-હલ્લાજની શહાદત એ માત્ર ઇતિહાસનું કોઈ રક્તરંજિત પાનું નથી, એ તો પરમાત્માના પ્રેમમાં ‘ફના’ થઈ ગયેલા એક આત્માની એવી દર્દનાક છતાં તેજસ્વી અમરગાથા છે, કહેવાય છે કે મન્સૂરના અચેતન દેહને ઇસ્લામિક કાયદા વિરુદ્ધ બાળી નાખવામાં આવ્યો અને એના શરીરની રાખ ને ટાઈગ્રિસ નદીમાં વહાવી દેવામાં આવી ત્યારે એ નદીના પ્રત્યેક વહેણમાં અનલ હક અનલ હકનો નાદ ગુંજતો હતો. મન્સૂર અલ હલ્લાજ એક એવી દિવ્ય જ્યોત હતા જે શમી ગયા પછી પણ, અનંતકાળ સુધી અસ્તિત્વના અંધકારને રોશન કરતા રહેશે.