સારંગપ્રીત
ગત અંકમાં ભગવાને શ્રદ્ધાની મહત્તા બતાવી. હવે અંતમાં અર્જુન પ્રાર્થના કરે છે.
અર્જુનની પ્રાર્થનાની પૂર્વે આપણે પ્રાર્થનાનું મહત્ત્વ સમજીએ. કોઈ કહે છે, ‘પ્રાર્થના એ જડીબુટ્ટી છે’. તો કોઈ કહે છે, ‘પ્રાર્થના અમોઘ શસ્ત્ર છે.’ કોઈ કહે છે, ‘પ્રાર્થના સ્વયં ચમત્કાર છે’ તો કોઈ કહે છે, ‘પ્રાર્થના એ ચિંતામણિ છે’.
પ્રાર્થના માટે ઘણા ઘણું કહે છે પરંતુ પ્રાર્થના એ ફક્ત પ્રાર્થના છે. ભગવાન સાથેના સેતુની રચના પ્રાર્થના કરી આપે છે.
પ્રાર્થના શબ્દ ‘પ્ર’ + ‘અર્થના’ પરથી બન્યો છે, જેનો અર્થ થાય છે, ‘વિશેષ પ્રકારની નમ્ર માંગણી’, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો પ્રાર્થના એટલે માત્ર માગવું નહીં, પણ પરમાત્મા સાથેનું હૃદયપૂર્વકનું જોડાણ. તે ભક્ત અને ભગવાન વચ્ચેનો એક અતૂટ સેતુ છે, પરંતુ આપણા મનમાં પ્રશ્ન થાય કે શ્રેષ્ઠ પ્રાર્થના કઈ? ગુનો કરીને એમાંથી છુટાય એ માટે કરગરવું એ? ચોરી કરીને એમાં પકડાઈ ન જવાય એ માટે તલપાપડ થવું એ? મહેનત કર્યા વગર આખું વરસ રખડ્યા પછી પરીક્ષામાં પાસ થવા માટે અરજ અને ગરજ દાખવવી એ?
હરગીજ નહીં, આ તો ભગવાને આપણને સોંપેલી જવાબદારીઓમાંથી પલાયન વૃત્તિ છે. ‘પ્રાર્થના’ એટલે પ્રભુની હામાં હા મેળવી, તાલમાં તાલ ભેળવીને તેઓની આજ્ઞા પાળવી એ ! અને એથી પણ શ્રેષ્ઠ પ્રાર્થના કઈ? બીજાનું ભલું થાય એ પ્રાર્થના. જે પોતાના હિત માટે પ્રાર્થના કરે છે એ સકામ ભક્ત છે. જે બીજાના હિત માટે પ્રાર્થના કરે છે એ નિષ્કામ ભક્ત છે.
શ્રીમદ્ ભાગવતમાં ગજેન્દ્ર નામના હાથીની એક સુંદર કથા છે. ગજેન્દ્ર પોતાની પ્રિય પટરાણીઓ-હાથણીઓ સાથે એક વિશાળ સરોવરમાં સ્નાન કરવા પ્રવેશ્યો. આ સરોવરમાં એક મગર પણ હતો. ઊંડા જળમાં સ્નાન કરી રહેલા હાથીનો એણે પગ પકડી લીધો. બંને વચ્ચે સરોવરમાં જ યુદ્ધ શરૂ થયું. હાથી ખૂબ જ બળવાન હોવા છતાં જળમાં મગર સામે નિ:સહાય હતો. અંતે, હાથીએ ભગવાનને હૃદયપૂર્વક પ્રાર્થના દ્વારા મદદનો પોકાર કર્યો. તે જ ક્ષણે ભગવાન પ્રગટ થયા અને સુદર્શન ચક્રથી મગરનું મસ્તક છેદીને હાથીની રક્ષા કરી!
ગજેન્દ્ર મોક્ષ જેવી અનેક કથાઓ આપણા શાસ્ત્રોમાં જોવા મળશે કે જેનો સૂર એક જ હશે કે પ્રાર્થના એ અમોઘ શક્તિ છે. પ્રાર્થના એ ભગવાન સાથે જોડાવાનો અત્યંત સરળ અને ટૂંકો રસ્તો છે. મહાભારત પણ લખે છે કે પ્રાર્થનાથી આત્મામાં અનંત શક્તિનો સંચાર થાય છે. નાનકડા પાંચ વર્ષના ધ્રુવજીએ વિકટ ને વિકરાળ જંગલમાં ભગવાનને પ્રાપ્ત કરવા તપ શરૂ કર્યું ! એમના શુદ્ધ હૃદયની પ્રાર્થના એ જ એમનું તપ હતું ! ભગવાનને ધ્રુવજીની પ્રાર્થના સાંભળીને પ્રગટ થવું પડ્યું.
ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં કહે છે કે ‘ભગવાન પ્રત્યેનો અનન્ય પ્રેમ અને વિશ્વાસ પ્રાર્થના રૂપે બહાર પ્રગટ થાય છે. એટલા માટે શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરવી જોઈએ.’ ભગવાન ઉપરની અતૂટ શ્રદ્ધા જ પ્રાર્થનાના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. પ્રાર્થનાના ગણિત કોઈથી ગણી શકાતા નથી. પ્રાર્થના સમજાવી શકાતી નથી એનો તો ફક્ત અનુભવ જ થઈ શકે. પ્રાર્થના શ્રદ્ધાનો વિષય છે, બુદ્ધિનો નહીં ! પ્રાર્થના એ સંજીવની ઔષધી છે. જેનું પરિણામ જોઈ શકાય છે, પરંતુ બુદ્ધિથી માપી શકાતું જ નથી. એક પ્રખ્યાત વકીલે ગાંધીજીને પ્રાર્થનાસભા પછી કહ્યું ‘તમે પ્રાર્થનામાં જેટલો સમય ગાળો છો, તેટલો સમય દેશસેવામાં ગાળો, તો વધારે સેવા ન થાય?’ ગાંધીજી તરત બોલ્યા, ‘તમે જમવામાં જ કેટલો સમય કાઢો છો’ ? ‘રોજનો કલાક’, વકીલે કહ્યું. ‘એટલો સમય તમે વકાલતમાં કાઢો તો કેટલાય વધારાના કેસ લઈ શકો, ને વધારે કમાણી ન થાય?’ ગાંધીજીએ પૂછ્યું. ‘પણ ભોજન વિના કેમ ચાલે ? તેના વિના કેસ લડવાનું બળ ક્યાંથી આવે? બસ, તે જ રીતે પ્રાર્થના વિના મારામાં દેશ સેવાનું બળ ક્યાંથી આવે? પ્રાર્થનામાંથી જ મને દેશસેવાની શક્તિ મળે છે,’ ગાંધીજી સહજ રીતે બોલી ઉઠ્યા.
આમ, પ્રાર્થના એ મનુષ્ય જાતિને ભગવાનને આપેલું મહા મોંઘુ વરદાન છે. પ્રાર્થનાના વડે મહાત્મા ગાંધી દેશને સ્વરાજ્ય આપી શક્યા, પ્રાર્થનાના વડે મીરાબાઈએ પ્રભુ ભક્તિમાં આડા આવતાં વિઘ્નોને હટાવી દીધા. જ્યારે જીવનમાં અંધકાર છવાઈ જાય ત્યારે પ્રાર્થના આશાનું કિરણ બનીને આવે છે. તે આપણને વિપરીત પરિસ્થિતિઓ સામે લડવાની આંતરિક શક્તિ આપે છે. વિદ્યાર્થીઓ અને કર્મયોગીઓ માટે પ્રાર્થના એ એકાગ્રતા વધારવાનું શ્રેષ્ઠ સાધન છે. પ્રાર્થના વડે આપણા જીવનમાં નમ્રતા આવે છે. સાચી પ્રાર્થના શબ્દોની મોહતાજ નથી, કારણ કે ભગવાન શબ્દો નથી જોતા પણ હૃદયનો ભાવ જુએ છે.