મુંબઈઃ જાણીતા ગાયિકા આશા ભોસલેએ તેમની કારકિર્દીમાં એકએકથી ચઢિયાતા હજારો ગીતો ગાયા છે. તેમ છતાં કલાકાર તરીકે તેમનામાં વધુ સારું કામ કરવાની ભૂખ ક્યારેય ઓછી થઇ નહોતી. તેમણે પોતે થોડા દિવસો પહેલા અફસોસ વ્યક્ત કર્યો હતો કે એક ગીત તેઓ ગાવા માંગતા હતા, પણ તેમની ઈચ્છા પૂરી ન થઇ. થોડા દિવસ પહેલા, એક ઇન્ટરવ્યુમાં આશા ભોસલેએ પોતાના મનની વાત જણાવી હતી કે તેમની કયું ગીત ગાવાની ઇચ્છા અધૂરી રહી ગઈ. ચાલો જાણીએ, તેમણે શું જણાવ્યું.
મારો સ્વભાવ ખૂબ જ કડક અને અલગ છે. કારણ કે જ્યારે હું કોઈ વસ્તુ નક્કી કરી લઉં પછી તેને પૂરી કર્યા વિના ન રહું. જોકે, ક્યારેક હું ઘરે અથવા ટ્રેનમાં મુસાફરી કરતી વખતે વસ્તુઓ સહન કરી લઉં છું. એક વાત એવી છે કે જ્યારે આપણે ટ્રેનમાં બેસીએ છીએ, જો કોઈની પાસે સીટ ન હોય, તો આપણે તેમને થોડી જગ્યા આપીએ છીએ. જેમ આપણે ટૂંકા સમય માટે આપણી સાથે મુસાફરી કરતી વ્યક્તિ સાથે એડજસ્ટ થઈએ છીએ, તેવી જ રીતે આપણે આપણા જીવનમાં પણ લોકો સાથે એડજસ્ટ થવાનું શીખવું જોઈએ, આશા ભોસલેએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.
જો કોઈ તલવાર છે, તો કોઈએ મ્યાન હોવી જોઈએ. મેં મારા જીવનને દરેક સાથે આ રીતે ગોઠવ્યું છે. જોકે, મેં મારા ગીતોમાં કે મારા કામમાં કોઈને બોલવા દીધા નથી. "મારું ગાયન મારું જીવન છે, મારો શ્વાસ છે, અને હું ગાતી રહીશ, આશા ભોસલેએ કહ્યું હતું.
મેં અત્યાર સુધી વિવિધ પ્રકારના હજારો ગીતો ગાયા છે. ફક્ત એક જ ગીત એવું લાગ્યું જે મારે ગાવું જોઈએ. 'તુમ જો હુએ મેરે હમસફર, રસ્તે બદલ ગયે, લાખોં દીયે મેરે પ્યાર કી રાહોં મેં જલ ગયે' આ ગીત હું બહુ સારી રીતે ગાઈ શકી હોત એવું મને હંમેશાં લાગ્યું છે, તેવો અફસોસ તેમણે વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે આ ગીત મહમદ રફી સાથે ગીતા દત્તે ગાયું છે.