મુંબઈ: સૂરસમ્રાજ્ઞી આશા ભોસલેના નિધનના સમાચાર આવતાં જ વિવિધ ક્ષેત્રના માન્યવરો દ્વારા સોશ્યલ મીડિયા પર શોક વ્યક્ત કરવાની સાથે ભાવના પ્રગટ કરવામાં આવી હતી. આશા ભોસલે સાથેની યાદગાર ક્ષણોને અનેક લોકોએ સોશ્યલ મીડિયા પોસ્ટ થકી રજૂ કરી હતી. એમાં ડેરિંગ ઍન્ડ ડેસિંગ ઑફિસર ગણાતા આઈપીએસ અધિકારી વિશ્વાસ નાંગરે-પાટીલ પણ આશાદીદીને યાદ કરતાં ગળગળા થઈ ગયા હોવાનું જણાયું હતું.
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે પોલીસોના કલ્યાણ માટે આયોજિત ‘ઉમંગ’ કાર્યક્રમમાં તેનું સન્માન કરવાનું વિચારાયું હતું. પ્રતિભાશાળી વ્યક્તિને હાથે તેન્ડુલકરનું સન્માન યોગ્ય ગણાય એવા આશય સાથે આશા ભોસલેનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તે સમયે પહેલી જ વાર મેં આશાતાઈ સાથે વાત કરી. નિમંત્રણ અપાયું અને તેમણે પણ આનાકાની વિના સ્વીકાર્યું. પછી તો કાર્યક્રમ દીપી ઊઠ્યો. આ નિમિત્તે તાઈ સાથે મારો ઋણાનુબંધ થયો, એવું નાંગરે-પાટીલે એક પોસ્ટમાં કહ્યું.
સંભાજીનગરમાં હું આઈજી હતો. તે સમયે આશાતાઈનો શો હતો. હું સહકુટુંબ હાજર હતો. દસ વાગ્યા ત્યારે પ્રેક્ષકો ભાન ભૂલીને નાચી રહ્યા હતા. ‘દમ મારો દમ’ ગીત પર તો વન્સ મૉરના ઉદ્ગારો સંભળાઈ રહ્યા હતા. તે સમયે આશાતાઈ માઈક સામે બોલ્યા: ‘મારો ભાઈ અહીં આઈજી છે, મારે તેને ધર્મસંકટમાં નાખવો નથી.’ અને આશાતાઈએ શો ટાઈમસર બંધ કર્યો, આ પ્રસંગ નાંગરે-પાટીલે સોશ્યલ મીડિયા પોસ્ટમાં નોંધ્યો છે.
પછી તો ક્યારેક આશાતાઈને મળવાનું થતું અને વચ્ચે વચ્ચે ફોન પર વાતચીત પણ થતી. મહિના પહેલાં જ આશાતાઈએ ફોન કરી મને લોઅર પરેલના ઘરે બોલાવ્યો હતો. અક અબળાને પતિએ છોડી દીધી હતી છતાં દારૂના નશામાં ઘરે આવીને પતિ તેની મારપીટ કરતો.
પત્નીના નામે એક રૂમ હતી, જે પચાવી પાડવા માટે પતિ તેની હત્યા કરી શકે છે એવી ભીતિ હતી. મને તો પોલીસે ઍક્શન લેવી જોઈએ એવું કહ્યું, પણ એક પ્રતિષ્ઠિત મહિલા વકીલને ફોન કરીને ઘરેલુ હિંસાનો કેસ લેવાની સૂચના આપી. વળી, વકીલની ફી પણ પોતે ચૂકવી દેવાની તૈયારી દેખાડી. આ કિસ્સો પણ નાંગરે-પાટીલે યાદ કર્યો.
છેલ્લે ફોન પર થયેલી વાતચીતને સોશ્યલ મીડિયા પોસ્ટ પર ટાંકતાં નાંગરે-પાટીલ ભાવુક થઈ ગયા હોવાનું જણાયું. તેમણે લખ્યું: જ્યારે પણ આશાતાઈ ઘરે બોલાવતાં પેટ ભરીને ચિકન-મટન-ફિશ ખાવા આપતાં. છેલ્લો ફોન ગયા સપ્તાહમાં આવ્યો. આંધ્ર પ્રદેશની એક ગરીબ મહિલા તેમના ઘરે કામ કરે છે.
એ મહિલાના ઘરે ચોરી થઈ, જેમાં બધી જમાપૂંજી જતી રહી. આ અંગે આશાતાઈએ જાણ કરતાં મેં મારા બૅચમેટને ફોન કર્યો. પોલીસે તપાસ કરીને ચોર પકડી પાડ્યો અને ચોરાયેલી મતા પણ મળી. તે સમયે આશાતાઈ એટલા ખુશ હતાં કે હરખમાં મને ફોન કરી ફરી જમવાનું આમંત્રણ આપ્યું, પણ મને જમાડ્યા વિના જ આશાતાઈએ ઓચિંતી વિદાય લીધી.